Ahmedabad Chandkheda Woman Suicide: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં 30 વર્ષીય પરિણીતાના આપઘાતના બનાવે ચકચાર મચાવી છે. પતિ અને સાસરિયાઓ દ્વારા દહેજની માગણી, માનસિક ત્રાસ અને મારઝૂડ કરવામાં આવતી હોવાના આક્ષેપો વચ્ચે પરિણીતાએ જીવન ટૂંકાવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. ઘટનાના દિવસે બહેનને ફોન કરીને સાસરિયાઓના ત્રાસની વાત કર્યાની માત્ર 15 મિનિટ બાદ જ તેણે ફ્લેટના ચોથા માળેથી કૂદીને આપઘાત કર્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. આ મામલે ચાંદખેડા પોલીસે પતિ સહિત ચાર લોકો સામે આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
દેવું હોવાનું કહી પિયરેથી ₹2 લાખ લાવવાની માગણી
ફરિયાદ મુજબ, નવા વાડજમાં રહેતા ડાહ્યાભાઈ રાવતની 30 વર્ષીય પુત્રી જયાના પ્રેમલગ્ન ચાંદખેડામાં રહેતા સુનિલ જાદવ સાથે થયાં હતાં. લગ્નના થોડા સમય બાદ સુનિલે પોતાને દેવું થયું હોવાનું કહી જયાને પિતાના ઘરેથી બે લાખ રૂપિયા લાવવા કહ્યું હતું. જયાના પિતાએ રૂપિયા આપ્યા હોવા છતાં ત્રાસ બંધ થયો ન હોવાનો આક્ષેપ છે. ફરિયાદમાં પતિ સુનિલ જાદવ ઉપરાંત સસરા ગિરીશ જાદવ, સાસુ જશોદા અને નણંદ હિના સામે પણ હેરાનગતિના આક્ષેપ કરવામાં આવ્યા છે.
દારૂના નશામાં મારઝૂડ અને જાનથી મારી નાખવાની ધમકીનો આક્ષેપ
ફરિયાદ અનુસાર, સમય જતાં સુનિલને દારૂ પીવાની લત લાગી હતી. તે દારૂના નશામાં જયાને મારઝૂડ કરતો હોવાનો અને દારૂ પીવાથી રોકવામાં આવે ત્યારે જાનથી મારી નાખવાની ધમકી આપતો હોવાનો આક્ષેપ છે. ઉપરાંત, જયાનો પગાર મેળવવા માટે પણ પતિ અને સાસરિયાઓ તેને હેરાન કરતા હોવાની ફરિયાદમાં વાત કરવામાં આવી છે.
બહેનને ફોન કરીને ત્રાસની વાત કરી, પછી સંપર્ક તૂટ્યો
8 ઓક્ટોબરની રાત્રે જયાએ તેની બહેનને ફોન કરીને પતિ, સાસુ, સસરા અને નણંદ દ્વારા ત્રાસ આપવામાં આવતો હોવાની વાત જણાવી હતી. બહેને તેને પિયર આવી જવા કહ્યું હતું. જોકે, ત્યારબાદ જયાનો ફોન લાગ્યો ન હતો. પછી જયાના સસરાનો સંપર્ક કરતાં તેણે ફ્લેટના ચોથા માળેથી કૂદીને આપઘાત કર્યો હોવાની જાણ થઈ હતી. આ ઘટનાને પગલે પરિવાર દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ચાંદખેડા પોલીસની તપાસ શરૂ
જયાના આપઘાતના મામલે ચાંદખેડા પોલીસે પતિ સુનિલ જાદવ, સસરા ગિરીશ જાદવ, સાસુ જશોદા અને નણંદ હિના સામે આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે. પોલીસ ફરિયાદમાં કરાયેલા આક્ષેપોની તપાસ કરી રહી છે. આરોપીઓ સામેના આક્ષેપો તપાસ અને કાનૂની પ્રક્રિયાને આધીન છે.