ચૂંટણી ટાણે ઉમરગામ મામલતદારનો રહસ્યમય આપઘાત
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના દબાણ વચ્ચે અપક્ષનું ફોર્મ રદ કરવાના વિવાદથી રાજકીય ગરમાવો

ઉમરગામ મામલતદારે રેલવે સ્ટેશન ઉપર ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો હતો

ઉમરગામ મામલતદારે રેલવે સ્ટેશન ઉપર ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો હતો
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત હાલમાં ફોર્મ ચકાસણીની કામગીરી સોમવારે પૂર્ણ થઈ છે. તેવામાં વલસાડ જિલ્લાના ઉમરગામના મામલતદાર ડી.સી.બ્રાહ્મણકાચ્છે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લેતાં સમગ્ર ગુજરાતમાં મામલો ચર્ચાસ્પદ બન્યો છે. આપઘાતને લઈને રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે. પરંતુ, ઉમેદવારી ફોર્મ રદ કરવાને લઈ રાજકીય દબાણના કારણે આપઘાત કર્યો હોવાની ચર્ચાથી મામલો વધારે ઉગ્ર બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
ઉમરગામના મામલતદાર ડી.સી. બ્રાહ્મણકાચ્છે સોમવારે મોડી રાત્રે આપઘાત કર્યો છે. તેમણે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ થતા રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલમાં વહીવટી તંત્ર વ્યસ્ત છે. તેવામાં મામલતદાર જેવા જવાબદાર પદ પર રહેલા અધિકારીએ શા માટે આપઘાત કરવો પડ્યો તે સવાલ સૌ નાગરિકોને સતાવી રહ્યો છે.
મામલતદાર કચેરીના વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ સરીગામ બેઠકના એક અપક્ષ ઉમેદવારનું ફોર્મ કોઈપણ સંજોગોમાં રદ કરવા માટે મામલતદાર પર ઉપરથી ભારે દબાણ હતું. જોકે, કાયદાકીય રીતે ફોર્મ રદ થઈ શકે તેવા સંજોગો ન હોવાથી મામલતદારની હાલત સુડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ હતી.
મામલતદાર ડી.સી. બ્રાહ્મણકાચ્છને ધમકી આપવામાં આવતી હતી કે, જો તે ફોર્મ રદ નહીં કરે તો તેમને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવશે અથવા સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા મજબૂર કરવામાં આવશે. તેમણે આવી ધમકીઓને વશ થવાને બદલે અથવા અન્યાયી નિર્ણય લેવાને બદલે મોતને વ્હાલું કરવાનું પસંદ કર્યું હોય તેવું લાગી રહ્યું છે.
મામલતદારના આપઘાતની ઘટના બાદ નાગરિકોમાં અનેક સવાલ ઉઠી રહ્યા છે. મામલતદાર પર દબાણ ઊભું કરનારા મોટા માથા કોણ હતા? તે જાણવા માટે મામલતદારના છેલ્લા 48 કલાકના કોલ ડિટેલ્સ, વ્હોટ્સએપ કોલ ડિટેલ્સ તેમજ ચેટની તપાસ કરવી જરૂરી છે. પ્રાથમિક તપાસમાં પોલીસને કોઈ સુસાઈડ નોટ મળી છે કે નહીં તે અંગે હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ઘટના અંગે આક્ષેપ કરતાં કહ્યું કે, ભાજપના નેતાઓના દબાણથી મામલતદારને આપઘાત કરવાની ફરજ પડી છે. ઉમેદવારી ફોર્મ રદ કરાવવા માટે તેમના પર ખૂબ દબાણ કરવામાં આવ્યું હતું. ભાજપના નેતાઓના ત્રાસથી ચૂંટણી અધિકારીએ આત્મહત્યા કરવી પડી છે.
અમિત ચાવડાએ ઉમેર્યુ કે, કેટલાક અધિકારીઓ દ્વારા ભાજપનો ખેસ પહેરી લીધો હોય તેવું વર્તન કરવામાં આવે છે. કેટલાક પોલીસ અધિકારીઓ ઉમેદવારના ઘરે જઈને ડરાવી ધમકાવી રહ્યા છે. ચૂંટણી અધિકારીઓ પણ ખોટી રીતે ફોર્મ રદ કરી રહ્યા છે.
ટ્રેન નીચે પડતું મૂકી મામલતદારે જીવન ટૂંકાવ્યું
ઉમરગામના મામલતદાર દલપતભાઈ છોટુભાઈ બ્રાહ્મણકાચ્છે સોમવારે રાત્રિના સુમારે ઉમરગામ રેલવે સ્ટેશન પર પુરપાટ ઝડપે આવતી ટ્રેન સામે ઝંપલાવીને પોતાની જીવન લીલા સંકેલી હતી. મોડી રાત્રે 23:40 કલાકની આસપાસ ઘટના બની હતી. મામલતદાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની કામગીરીમાં વ્યસ્ત હતા.
રેલવે સ્ટેશનના ઉત્તર છેડે, સુતર તરફ પ્રયાણ કરતી ટ્રેન સામે તેમણે અગમ્ય કારણોસર મોતની છલાંગ લગાવી હતી. રેલવે કિલોમીટર નંબર 144 ના પોલ નંબર 14 અને 16 ની મધ્યમાંથી દલપતભાઈનો ક્ષત-વિક્ષત મૃતદેહ મળી આવ્યો હતો. ટ્રેનની ભયાનક અડફેટે આવતા અધિકારીના દેહના ટુકડા થઈ ગયા હતા.
લોકોને માર્ગદર્શન કરતાં મામલતદારે જ મોતને વ્હાલું કર્યું
વિડંબના એ છે કે, દલપતભાઈ અગાઉ અનેક જાહેર મંચો પરથી લોકોને હતાશામાં આપઘાત ન કરવા અને હિંમતથી જીવન જીવવા માટે જાગૃત કરતા હતા. જેઓ અન્યને માર્ગદર્શન આપતા હતા તેમણે જ આત્મઘાતી પગલું ભરતાં સમગ્ર પંથકમાં ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે.

90 અરજદારો સામે આવ્યા; કિંમતી વસ્તુઓ પરત અપાઈ

વડોદરા માંજલપુરમાં નજીવી વાતે લારી ચાલકે 50 વર્ષીય આધેડ પર પ્લાયવુડના પાટિયા વડે માથામાં 6 ઘા માર્યા. ગંભીર ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા, CCTV ફૂટેજ સામે આવ્યા.

₹33.14 કરોડના સાયબર કૌભાંડમાં મુખ્ય આરોપી ચેન્નાઈથી ઝડપાયો