ભાઈ-પ્રેગ્નન્ટ ભાભીની હત્યા કરીને લાશ દાટી દીધી
સગીર આરોપીએ વ્યસન બાબતે ઠપકો આપતા પોતાના સગા ભાઈ-ભાભી કંચન કુમારી હત્યા કરી દીધી

ભાઈ-પ્રેગ્નન્ટ ભાભીની હત્યા

ભાઈ-પ્રેગ્નન્ટ ભાભીની હત્યા
જૂનાગઢથી લગભગ 40 કિલોમીટર દૂર આવેલા શોભાવડલા ગામના ખોડિયાર આશ્રમમાં એક ભયાનક ઘટના બની હતી. આ આશ્રમ બિલખા રોડથી માણેકવાડા રોડ તરફ જતા રોડના કાંઠે આવેલો છે, જ્યાં ગામના લોકો સેવા, દાન અને અન્ન આપતા હતા. આ શાંતિપ્રિય ગામમાં કોઈને કલ્પના પણ ન હતી કે, આશ્રમમાં ટ્રિપલ મર્ડરની ઘટના બની છે, જેનો ભેદ 15 દિવસ સુધી ગુપ્ત રહ્યો હતો. આશ્રમમાં 28 વર્ષથી બિહારનો એક પરિવાર રહેતો હતો, મૃતક શિવમગીરીના પિતાનું કોરોનામાં મૃત્યુ થયું હતું અને માતા સાધ્વી જીવન જીવતા હતા. શિવમ ઈલેક્ટ્રિશિયનનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો, જ્યારે તેનો સગીર ભાઈ આશ્રમની ગૌશાળાનું ધ્યાન રાખતો હતો.
સગીર ભાઈએ ઘડ્યું ખૌફનાક ષડયંત્ર
આ ટ્રિપલ મર્ડરને અંજામ આપવા પાછળનું કારણ વ્યસન હતું. મૃતકનો મોટો ભાઈ શિવમગીરી તેના સગીર ભાઈને વારંવાર વ્યસન કરવા બદલ ઠપકો આપતો અને ઝઘડો કરતો હતો, જેના કારણે સગીર આરોપીના મગજમાં મોટા ભાઈની હત્યાનું ખૌફનાક ષડયંત્ર રચાયું હતું. 16 ઓક્ટોબરના રોજ જ્યારે માતા બહાર ગામ ગયા હતા, ત્યારે બપોરે શિવમગીરી તેના ઘરમાં સૂતો હતો. તે જ સમયે સગીરે તેના માથામાં લોખંડનો પાઇપ મારીને હત્યા કરી દીધી. શિવમની બૂમ સાંભળીને તેની 6 માસની ગર્ભવતી ભાભી કંચન કુમારી ઘરમાં જોવા ગયા, ત્યારે સગીર આરોપીને ડર લાગ્યો કે ભાભી આ હત્યાનો ભેદ અન્યને જણાવી દેશે. આ ડરથી તેણે ભાભીને પણ માથાના ભાગે લોખંડની પાઈપ મારીને મોતને ઘાટ ઉતારી દીધા.
આ પણ વાંચો: બનાસકાંઠા: ભાઈએ સગા ભાઈની કરી ઘાતકી હત્યા
'દ્રશ્યમ'ની જેમ લાશ છુપાવવાનો પ્રયાસ
ભાઈ-ભાભીની હત્યા કર્યા બાદ સગીર આરોપીએ ગુનાને છુપાવવા માટે એક યુક્તિ અપનાવી. તેણે આશ્રમના મકાનમાં ત્રિકમથી 5 ફૂટ જેટલો ઊંડો ખાડો ખોદ્યો. લાશ જલદી સડી જાય અને દુર્ગંધ ન આવે તે માટે તેણે ભાઈ-ભાભીને નિર્વસ્ત્ર કરી દીધા હતા. તેણે બન્નેના મૃતદેહોને વિરુદ્ધ દિશામાં દાટ્યા, જેમાં ભાઈના મૃતદેહની સામે પગ પાસે ભાભીનું માથું મૂકીને માટી અને સિમેન્ટ-કોંક્રિટથી આ જગ્યા ઢાંકી દીધી હતી. હત્યાના લગભગ 6 દિવસ પછી, 21 ઓક્ટોબરે, હત્યારા સગીરે મૃતક ભાભીના પિતાને ફોન કરીને કહ્યું કે, તેમની દીકરી અને જમાઈનો ગંભીર અકસ્માત થયો છે અને તેઓ મૃત્યુ પામ્યા છે, પરંતુ અન્ય અકસ્માતના ખોટા ફોટો મોકલતા મૃતકના પરિવારને શંકા ગઈ અને તેમણે વિસાવદર પોલીસનો સંપર્ક કર્યો.
પોલીસ તપાસ અને ઘટસ્ફોટ
વિસાવદર PI એસ. એન સોનારાએ તપાસ શરૂ કરી અને શંકાના આધારે સગીર આરોપીને દબોચી લીધો. પોલીસે સિમેન્ટ-કોંક્રિટ કરેલી જગ્યાએ ખોદકામ શરૂ કર્યું અને ભીષણ દુર્ગંધ વચ્ચે 3 મૃતદેહ બહાર કાઢી દીધા. જેમાં એક પુરુષ, એક ગર્ભવતી મહિલા અને તેનું 6 માસનું ભ્રૂણ મળી આવ્યું હતું. આ સાથે જ આ ટ્રિપલ મર્ડરનો ભેદ ઉકેલાયો. ASP રોહિત ડગરે જણાવ્યું હતું કે, પૂછપરછ દરમિયાન સગીર આરોપી ભાંગી પડ્યો અને તેણે ગુનો કબૂલી લીધો. સૌથી ચોંકાવનારી વાત એ હતી કે, ક્રાઈમ રિકન્સ્ટ્રક્શન સમયે પણ સગીર હત્યારાના ચહેરા પર પોતાના ભાઈ-ભાભીની હત્યા કર્યાનો જરા પણ રંજ કે પસ્તાવો ન હતો, જેણે હાજર લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. પોલીસે હવે અન્ય કોઈ આરોપીની સંડોવણી છે કે કેમ, તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!