ગુજરાતમાં દિવાળીમાં 5 દિવસમાં થઈ 15 હત્યા
દિવાળીના પર્વ દરમિયાન માત્ર 5 દિવસમાં હત્યાની 12 ઘટનાઓમાં કુલ 15 લોકોના મોત થયા

5 દિવસમાં 15 હત્યા

5 દિવસમાં 15 હત્યા
ગુજરાત રાજ્યમાં દિવાળીની ઉજવણી વચ્ચે બનેલી લોહિયાળ ઘટનાઓએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. 19 ઓક્ટોબરથી 23 ઓક્ટોબર, 2025 સુધીના ફક્ત 5 દિવસના ગાળામાં જ રાજ્યમાં હત્યાની કુલ 12 ઘટનાઓ સામે આવી છે, જેમાં 15 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. કાળી ચૌદશ અને દિવાળીના મુખ્ય 2 દિવસમાં જ 10 વ્યક્તિઓની હત્યા કરાઈ હતો. આ હત્યાના બનાવોએ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. આ સમયગાળા દરમિયાન અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જૂનાગઢ, અંકલેશ્વર, દહેગામ, જામનગર, છોટાઉદેપુર અને વાંકાનેર જેવા શહેરો અને જિલ્લાઓમાં પારિવારિક ઝઘડા, અનૈતિક સંબંધોની શંકા અને ફટાકડા ફોડવા જેવી અત્યંત નજીવી બાબતોમાં પણ લોકોએ કાયદો હાથમાં લીધો અને લોહીની નદીઓ વહેવડાવી હતી.
રાજકોટમાં 18 કલાકમાં જ 4 લોકોની હત્યા
આ 5 દિવસમાં રાજકોટ માત્ર 18 કલાકમાં જ ત્રિપલ મર્ડર સહિત 4 લોકોની હત્યા કરવામાં આવી. કાળી ચૌદશની રાતે ત્રિપલ મર્ડર બાદ દિવાળીના દિવસે મિત્રએ મિત્રની જ હત્યા કરી નાખી હતી. અમદાવાદમાં પણ 2 ગંભીર બનાવો નોંધાયા હતા. અમરાઈવાડી વિસ્તારમાં અનૈતિક સંબંધની શંકાના કારણે એક યુવકની હત્યા થઈ, જેના લગ્ન એક મહિના પછી થવાના હતા. જ્યારે રાણીપ વિસ્તારમાં બેરોજગાર પુત્રના ત્રાસથી કંટાળીને પિતાએ પોતાના દીકરાને ધારિયાના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યો હતો. ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતોમાં પણ લોકોનો ગુસ્સો ચરમસીમાએ પહોંચ્યો. જૂનાગઢમાં ફટાકડા ફોડવાના વિવાદમાં નિવૃત્ત PSIના પુત્ર સહિત 5 લોકોએ યુવકને પાઈપ અને લાકડી વડે મારી નાખ્યો, જ્યારે ભાઈબીજના દિવસે જામનગરમાં પણ પાડોશીએ આધેડની છરીના ઘા ઝીંકીને હત્યા કરી હતી.
આ પણ વાંચો: અમેરિકામાં મોટેલ માલિકોની શા માટે હત્યા થઈ રહી છે?
18 વર્ષીય યુવકને 9થી વધુ છરીના ઘા ઝીંકી હત્યા
તહેવારોના મુખ્ય દિવસો ઉપરાંત બેસતા વર્ષ અને ભાઈબીજના દિવસે પણ રાજ્યમાં હત્યાના બનાવો ચાલુ રહ્યા. બેસતા વર્ષની રાત્રે વડોદરાના આજવા વિસ્તારમાં ચા-નાસ્તો કરતી વખતે થયેલી બોલાચાલીમાં યુવકને ખંજરના ઘા ઝીંકીને પતાવી દેવાયો, જ્યારે અંકલેશ્વરના ગડખોલ ગામે પારિવારિક ઝઘડામાં બનેવીએ પોતાના સાળાની છરીના ઘા મારીને હત્યા કરી નાખી. ભાઈબીજના દિવસે પણ હિંસા અટકી નહિ. સુરતના અઠવાલાઈન્સમાં બનેવીએ સાળાને ઊંઘમાં જ મોતને ઘાટ ઉતાર્યો, જ્યારે રાજકોટના સણોસરામાં માનસિક રીતે બીમાર પિતાને તેની જ દીકરી અને સગીર દીકરાએ લાકડી વડે ઢોર માર મારીને હત્યા કરી. દહેગામમાં ભરબજારમાં 18 વર્ષીય યુવકને 9થી વધુ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો.
કાયદો અને વ્યવસ્થાની સ્થતિ કથળી
આ ઘટનાઓએ સ્પષ્ટ ચિત્ર રજૂ કર્યું છે કે, ગુજરાત પોલીસ આ તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવામાં ગંભીર રીતે નિષ્ફળ ગઈ છે. અસામાજિક તત્ત્વોને જાણે પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ છરી, ચપ્પુ, લાકડી અને દંડા જેવા હથિયારોનો જાહેરમાં બેફામ ઉપયોગ કરવામાં આવ્યો હતો. હથિયારો રાખનારા અને કાયદો-વ્યવસ્થાના ધજાગરા ઉડાવનારાં તત્ત્વો સામે સરકાર પાંગળી પૂરવાર થઈ રહી હોય તેવું આ હત્યાકાંડ પરથી સ્પષ્ટ દેખાય છે. ગુજરાતમાં શાંતિ અને સુરક્ષા જાળવવા માટે સરકારે તાત્કાલિક અસરકારક પગલાં લેવાની જરૂર છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!