Modasa Woman Death Case: અરવલ્લી જિલ્લાના મોડાસામાં પરિણીતાના શંકાસ્પદ મોતનો મામલો હવે વધુ ગંભીર બન્યો છે. હંસપુરામાં રહેતી અને મૂળ દધાલીયા ગામની નીલમબેન હરેશભાઈ પંચાલનો મૃતદેહ તેમના ઘરેથી મળી આવ્યા બાદ પરિવારજનોએ પતિ અને સાસરિયાઓ સામે હત્યાનો ગંભીર આક્ષેપ કર્યો છે. બીજી તરફ, મૃતદેહના પોસ્ટમોર્ટમ અંગે પિયર પક્ષે અસંતોષ વ્યક્ત કરતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. પરિવારની માગને પગલે હવે મૃતકનું પેનલ પોસ્ટમોર્ટમ એટલે કે રી-પીએમ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
ઘરમાંથી મળ્યો પરિણીતાનો મૃતદેહ, પોલીસે આત્મહત્યાની આશંકા વ્યક્ત કરી
મળતી માહિતી મુજબ, 22 નવેમ્બરની સાંજે નીલમબેનનો મૃતદેહ તેમના ઘરેથી મળી આવ્યો હતો. ત્યારબાદ સાંજે આશરે 7 વાગ્યે પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસના પ્રાથમિક નિવેદન મુજબ, મહિલાએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. જોકે, મૃતકના પિયર પક્ષે આ ઘટનાને આત્મહત્યા માનવાનો ઇનકાર કર્યો છે. પરિવારજનોનો દાવો છે કે નીલમબેનની હત્યા કરવામાં આવી છે અને આ મામલે તેમના પતિ તથા સાસરિયાઓની ભૂમિકાની તપાસ થવી જોઈએ.
પતિના આડા સંબંધની જાણ થતાં ટોર્ચરિંગ થતું હોવાનો ભાઈનો આક્ષેપ
મૃતકના ભાઈ દર્શન પંચાલે આક્ષેપ કર્યો છે કે તેમના બનેવી હરેશભાઈ પંચાલને છેલ્લા એક વર્ષથી સામેના બંગલામાં રહેતી એક મહિલા સાથે આડા સંબંધ હતા. આ બાબતને લઈને નીલમબેન સાથે વારંવાર ખરાબ વર્તન કરવામાં આવતું હતું. ભાઈના જણાવ્યા પ્રમાણે, હરેશભાઈ દારૂ પીને બહેનને ત્રાસ આપતા અને માર મારતા હોવાનો પણ પરિવારને અનુભવ હતો. દર્શન પંચાલના દાવા મુજબ, આશરે દસ દિવસ પહેલાં આ સંબંધ અંગેની વાત સામે આવી હતી. બે દિવસ પહેલાં પરિવારજનો નીલમબેનના ઘરે ગયા ત્યારે તેમણે પણ આ અંગે વાત કરી હતી. તે સમયે તેમના દિયરે કથિત રીતે ચેતવણી આપી હતી કે જો તેઓ આ સંબંધની વાત બધાને કહેશે તો હરેશ તેમને મારી નાખશે. મૃતકના ભાઈએ વધુમાં જણાવ્યું કે નીલમબેનનાં લગ્નને 15 વર્ષ થયાં હતાં અને તેમને 13 વર્ષનું એક સંતાન છે. છેલ્લા એક વર્ષથી બહેનને સતત માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હોવાનો તેમનો આક્ષેપ છે. જોકે, આ તમામ આરોપોની પોલીસ તપાસમાં સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે.
પિયર પક્ષની હાજરી વિના પોસ્ટમોર્ટમ કર્યાનો આક્ષેપ, સિવિલમાં હોબાળો
આ સમગ્ર મામલે પરિવારનો સૌથી મોટો વિરોધ પોસ્ટમોર્ટમની પ્રક્રિયાને લઈને છે. દર્શન પંચાલના જણાવ્યા મુજબ, પોલીસ દ્વારા કરવામાં આવેલા પંચનામામાં પિયર પક્ષની સહી લેવામાં આવી નહોતી. તેમણે આક્ષેપ કર્યો કે પોલીસ દ્વારા મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલતી વખતે પિયર પક્ષને હાજર રાખવાની ખાતરી આપવામાં આવી હતી. પરિવારનો દાવો છે કે તેઓ રાત્રે લગભગ 3 વાગ્યા સુધી પોસ્ટમોર્ટમ સેન્ટર પર હાજર રહ્યા હતા અને બીજા દિવસે સવારે 7 વાગ્યાથી પણ ત્યાં પહોંચ્યા હતા. તેમ છતાં તેમની હાજરી કે સંમતિ વિના પોસ્ટમોર્ટમ કરી દેવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરતાં પરિવારજનોએ સિવિલ હોસ્પિટલના PM રૂમ બહાર હોબાળો મચાવ્યો હતો. પરિવારજનોએ ફરીથી પોસ્ટમોર્ટમ કરવાની માગ કરી હતી. તેમના અસંતોષ અને શંકાને ધ્યાનમાં રાખીને હવે તબીબોની પેનલ દ્વારા રી-પીએમ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
નરોડા પોલીસનું નિવેદન: પ્રથમ રિપોર્ટમાં ગળેફાંસો હોવાનું સામે આવ્યું
આ મામલે નરોડા પોલીસ સ્ટેશનના PI બી.એમ. કાતરિયાએ જણાવ્યું હતું કે પ્રથમ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળેફાંસો હોવાનું સામે આવ્યું છે. જોકે, પરિવારજનોની માગણીને ધ્યાનમાં રાખીને તેમની શંકા દૂર કરવા પેનલ પોસ્ટમોર્ટમ કરાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે જો પરિવારજનો મૃતકના પતિ અથવા સાસરિયાઓ સામે કોઈ ફરિયાદ આપશે તો તેના આધારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં નીલમબેન પંચાલના મોત પાછળનું ચોક્કસ કારણ જાણવા પેનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ મહત્ત્વનો બની શકે છે. પિયર પક્ષે કરેલા હત્યા અને ટોર્ચરિંગના આક્ષેપોની તપાસ બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ થશે.