Jasdan Jangvad Murder Case: રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના જંગવડ ગામમાં મકાન અને મિલકતના જૂના વિવાદમાં ડબલ મર્ડરની ચકચારી ઘટના સામે આવી છે. ગુરુવારે બપોરે કથામાં જવા માટે ઘરેથી નીકળેલા 35 વર્ષીય પ્રકાશ ઘોડકીયા અને તેમની 32 વર્ષીય સગર્ભા પત્ની વિલાસ પર કૌટુંબિક ભાઈ અશોક ઉર્ફે સૂડાએ લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં વિલાસનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે ગંભીર રીતે ઘવાયેલા પ્રકાશે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. આ ઘટનામાં બચાવવા દોડી આવેલા પરિવારના અન્ય બે સભ્યો પણ ઘાયલ થયા છે.
કથામાં જતી વખતે દંપતી પર હુમલો
જંગવડ ગામના લીમડા ચોક વિસ્તારમાં રહેતા પ્રકાશ અને વિલાસ ગુરુવારે બપોરે આશરે 3:30 વાગ્યે ગામમાં ચાલી રહેલી કથા સાંભળવા ઘરેથી નીકળ્યાં હતાં. આ દરમિયાન જૂના ચોરા પાસે રહેતો પ્રકાશના મોટા બાપુનો દીકરો અશોક ઉર્ફે સૂડો ગોવિંદ ઘોડકીયા હાથમાં ધોકો લઈને ત્યાં ધસી આવ્યો હતો. તેણે દંપતીના માથાના ભાગે આડેધડ ઘા ઝીંકતાં અફરાતફરી મચી ગઈ હતી. દંપતીને બચાવવા પ્રકાશના ભત્રીજાના પત્ની પુરી ભૂપત ઘોડકીયા અને બહેન મુક્તા ઉર્ફે લાભુ જયંતી ઘોડકીયા દોડી આવ્યાં હતાં. આરોપીએ તેમના પર પણ ધોકાથી હુમલો કરતાં બંનેને ઈજા પહોંચી હતી. દરમિયાન પ્રકાશના મોટાભાઈ રમેશ ત્યાં પહોંચતાં આરોપી નાસી છૂટ્યો હતો.
સગર્ભા પત્નીનું ઘટનાસ્થળે મોત, પતિએ પણ દમ તોડ્યો
ઈજાગ્રસ્તોને આટકોટની કે.ડી.પી. હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં તબીબોએ વિલાસને મૃત જાહેર કર્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા પ્રકાશ અને પુરીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન પ્રકાશનું પણ મોત થતાં બનાવ ડબલ મર્ડરમાં પરિણમ્યો હતો. બંને મૃતદેહોનું રાજકોટમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.
મકાન અને બેંકની બચતની રકમનો વિવાદ
પોલીસ તપાસમાં મકાન અને મિલકતને લઈને જૂનું મનદુઃખ આ હુમલા પાછળનું કારણ હોવાનું સામે આવ્યું છે. અગાઉ પ્રકાશનો પરિવાર કાકાજી સસરા લઘરા મંગળા ઘોડકીયાના મકાનમાં રહેતો હતો. આ દરમિયાન અશોક અવારનવાર માથાકૂટ અને ધમકીઓ આપતો હોવાના આક્ષેપ છે. તેથી પરિવારે મકાન ખાલી કરીને ભાડે રહેવાનું શરૂ કર્યું હતું. નિઃસંતાન કાકા લઘરાની પ્રકાશે પિતાની જેમ સેવા કરી હોવાથી તેમણે પોતાનું મકાન અને બેંકની બચત પ્રકાશને આપી હતી. આ બાબતનું મનદુઃખ આરોપી રાખતો હોવાની વિગતો તપાસમાં સામે આવી છે.
સીમંત પહેલાં પરિવારમાં માતમ
પ્રકાશ અને વિલાસનાં લગ્નને માત્ર બે વર્ષ થયાં હતાં. વિલાસ સગર્ભા હતાં અને પરિવારમાં બાળકના આગમનને લઈને સીમંતની તૈયારીઓ ચાલી રહી હતી. જોકે, આ ખુશી માતમમાં ફેરવાઈ ગઈ છે. ઈજાગ્રસ્ત મુક્તાની ફરિયાદના આધારે આટકોટ પોલીસે અશોક ઉર્ફે સૂડા સામે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. ગામના નાકા પાસેથી આરોપીને નશાની હાલતમાં ઝડપી લેવામાં આવ્યો હતો. અગાઉ પણ દારૂ અને ગાંજાના વ્યસન તેમજ અન્ય ગુનાઓમાં તેનું નામ પોલીસ ચોપડે નોંધાયું હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.