મિડલ ઈસ્ટ યુદ્ધઃ ગુજરાતના 1212 ઉદ્યોગગૃહોને તાળાં
28 હજારને આંશિક અસર, ગેસની અછત નહી પણ આર્થિક અડચણના કારણે ઉદ્યોગો બંધ થયાનો દાવો

સુરતમાં બંધ પડેલા ટેક્સટાઈલ એકમ અને ઉદ્યોગ વિભાગના અધિકારીઓની તસવીર

સુરતમાં બંધ પડેલા ટેક્સટાઈલ એકમ અને ઉદ્યોગ વિભાગના અધિકારીઓની તસવીર
હાલમાં ઈઝરાયલ-અમેરિકા અને ઈરાન વચ્ચે લડાઈ ચાલી રહી છે. તેની માઠી અસર ગુજરાતના ઉદ્યોગો ઉપર થઈ છે. ગેસની અછત અને નિકાસ ઠપ્પ થવાના કારણે ગુજરાતના ઉદ્યોગો ડચકાં ખાઈ રહ્યા છે. રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે કે, યુદ્ધની અસરના કારણે અત્યાર સુધીમાં 1212 ઉદ્યોગો કાયમી ધોરણે બંધ થઈ ગયા છે. જ્યારે 28,517 એકમો આંશિક રીતે ચાલી રહ્યા છે.
ગુજરાતના ઉદ્યોગકારો ગેસ કાપ અને મોંઘા કાચા માલની ફરિયાદ કરી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકારે પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા હોય તેવું લાગી રહ્યું છે. રાજ્ય સરકારે વાહિયાત દલીલ કરી છે કે, ઉદ્યોગો બંધ થવા પાછળ ગેસની અછત નહીં પરંતુ આર્થિક અડચણો જવાબદાર છે. રાજ્ય સરકારે ઉદ્યોગોની સ્થિતિ અંગે જારી કરેલી પ્રેસ બ્રિફિંગમાં વાહિયાત આપતાં ઉદ્યોગકારોમાં રોષ જોવા મળી રહ્યો છે.
રાજ્ય સરકારનું વાહિયાત કારણ?
રાજ્યના ઉદ્યોગ અને ખાણ વિભાગ તરફથી જાહેર કરાયેલા પ્રેસ બ્રિફિંગમાં જણાવ્યું છે કે, રાજ્યમાં આશરે 4,11,73૩ ઉદ્યોગો નોંધાયેલા છે. તેમાંથી ટકાઉપણાના મુદ્દાના કારણે 1,212 ઉદ્યોગો બંધ થયા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે 28,517 ઉદ્યોગો આંશિક રીતે ઓછા કામકાજ સાથે કાર્યરત છે. મોરબીના ઉદ્યોગો ગેસ સપ્લાયને કારણે નહીં પરંતુ આર્થિક અડચણોને કારણે બંધ થયા છે. કામદારોની છટણીના કોઈ મોટા બનાવો નોંધાયા નથી. 159 ઔદ્યોગિક સામુદાયિક રસોડા શરૂ કરવામાં આવ્યા છે. જેના કારણે 50,000 ઔદ્યોગિક કામદારોને ફાયદો થયો છે.
ગુજરાતના ઔદ્યોગિક એકમોમાં અંદાજે 20 લાખથી વધુ કામદારો રોજગારી મેળવી રહ્યા છે. ઉદ્યોગો બંધ થવાના કારણે હજારો શ્રમિકો વતનમાં પહોંચી ગયા છે. રાજ્ય સરકાર 159 ઔદ્યોગિક રસોડા દ્વારા 50 હજાર મજૂરોને જમાડવાની સિદ્ધિ ગણાવી રહી છે. પરંતુ લાખો બેરોજગાર થયેલા શ્રમિકો સામે કરેલી મદદ ખૂબ ઓછી સાબિત થઈ રહી છે.
સિરામિક, ટેક્સટાઈલ, હીરા અને હોટલ વ્યવસાયને માઠી અસર
મિડલ-ઈસ્ટના યુદ્ધના કારણે નિકાસ ઠપ્પ થતા કાચા માલના ભાવ આસમાને પહોંચ્યા છે. તેના કારણે અનેક ઉદ્યોગોની હાલત કફોડી બની છે. મોરબીના સિરામિક ઉદ્યોગ પર ગેસ કાપ અને ખર્ચ વધતાં 400થી વધુ ફેક્ટરીઓ ઘણાં સમય પહેલાં બંધ થઈ ગઈ છે. સુરત ટેક્સટાઇલ ઉદ્યોગની નિકાસ ઘટતાં પ્રોસેસિંગ યુનિટો સિંગલ શિફ્ટમાં ચાલી રહ્યા છે. હીરા ઉદ્યોગમાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં માંગ ઘટતા નિકાસમાં મોટો ઘટાડો થયો છે. હોટલ અને કેટરિંગ વ્યવસાય કોમર્શિયલ ગેસની અછતના કારણે હાલ આંશિક રીતે ચાલી રહ્યો છે.
ઉદ્યોગો ઉપર અસર મુદ્દે પ્રેસ બ્રિફિંગ જાહેર કરાયું
પશ્ચિમ એશિયાની વર્તમાન પરિસ્થિતિ સંદર્ભે બુધવારે(8 એપ્રિલ) PIB, અમદાવાદ ખાતે પ્રેસ બ્રિફિંગ કરવામાં આવ્યું હતું. ગુજરાતના ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક કમિશનર કે.સી. સંપત, ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશનના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ દિપેન ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.
ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક કમિશનર કે.સી. સંપતે જણાવ્યું કે, ઔદ્યોગિક અને વાણિજ્યિક એકમો માટે ઘન વૈકલ્પિક ઇંધણ પરનું નિયંત્રણ ત્રણ મહિના માટે હટાવવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, પશ્ચિમ એશિયાની પરિસ્થિતિની અસર રાજ્યના ઔદ્યોગિક ક્ષેત્ર પર મર્યાદિત રહી છે અને મોટાભાગના ઉદ્યોગો નિયમિત રીતે કાર્યરત છે. જો કે કેટલાક ઉદ્યોગો આંશિક રીતે પ્રભાવિત થયા છે.
ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશનના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ દિપેન ચૌહાણે જણાવ્યું કે, પશ્ચિમ એશિયાના સંકટની શરૂઆતથી અત્યાર સુધી ગુજરાતમાં એકપણ CNG સ્ટેશન બંધ થયા નથી અને ગેસ પુરવઠો સતત જાળવવામાં આવ્યો છે. રાજ્યમાં દૈનિક 40 લાખ કિલો CNGનો વપરાશ થાય છે. જેના આધારે લગભગ 7.50 લાખ વાહનો સંચાલિત થાય છે. રાજ્યમાં ગેસનો જથ્થો પૂરતો ઉપલબ્ધ હોવાનું જણાવી નાગરિકોને વહેલી તકે PNG કનેક્શન લેવા અપીલ કરી છે.
તેમણે ઉમેર્યું કે રાજ્ય સરકાર LNG અને LPG પુરવઠાના અસરકારક સંચાલન સાથે પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રોને પૂરતું મહત્વ આપી રહી છે અને ઘરેલું LPG તથા PNG પુરવઠો અવિરત જળવાઈ રહે તે સર્વોચ્ચ પ્રાથમિકતા હેઠળ કામગીરી કરવામાં આવી રહી છે.
તેમણે ઉમેર્યુ છે કે, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા જારી કરાયેલી સૂચના મુજબ સ્ટીલ, ઓટોમોબાઈલ ઉત્પાદન, કાપડ, રંગો, રસાયણો અને પ્લાસ્ટિક સહિતના ઉદ્યોગો માટે બળતણ પુરવઠાને પ્રાથમિકતા આપવામાં આવી છે. ઘરેલું LPG અને PNG પુરવઠાની સાતત્યતા સુનિશ્ચિત કરવા માટે ઔદ્યોગિક ગ્રાહકોને ગેસ પુરવઠામાં તર્કસંગત ઘટાડો અમલમાં મૂક્યો છે. ખાતર અને ડેરી પ્રોસેસિંગ એકમો માટે ઘટાડાનું સ્તર ઓછું રાખવામાં આવ્યું છે.
હાલમાં ઉદ્યોગોને કરાતાં ગેસ સપ્લાયની વિગત
ઉદ્યોગ ગેસ સપ્લાય (ટકામાં)
ટેક્સટાઇલ્સ ઉદ્યોગ 0.1 ટકા
કેમિકલ્સ ઉદ્યોગ 0.1 ટકા
પ્લાસ્ટિક ઉદ્યોગ 0.1 ટકા
ફિશરીઝ ઉદ્યોગ 0.7 ટકા
ઓટોમોબાઇલ્સ ઉદ્યોગ 0.6 ટકા
સ્ટીલ ઉદ્યોગ 1.0 ટકા
સીડ પ્રોસેસિંગ ઉદ્યોગ 3.0 ટકા
ફાર્મા ઉદ્યોગ 2.7ટકા
હોટલ-રેસ્ટોરન્ટ 5.2 ટકા
ફૂડ પ્રોસેસિંગ-ડેરી ઉદ્યોગ 10.2 ટકા

ડુંગળીના ભાવ ₹60-70 પ્રતિ કિલો સુધી પહોંચ્યા. જાણો ભાવવધારાના કારણો, ₹35ની સસ્તી ડુંગળી ક્યાં મળશે અને ‘કાંદા એક્સપ્રેસ’થી ગ્રાહકોને ક્યારે રાહત મળશે.

24 ઓગસ્ટ 2026ના Gold Price Today અને Silver Price Todayમાં મોટો ફેરફાર: MCX પર સોનું ₹1.63 લાખે પહોંચ્યું, જ્યારે ચાંદી ઘટીને ₹2.44 લાખ પ્રતિ કિલોગ્રામ થઈ.

ફ્લાઇટ બુકિંગથી ચેક-ઇન સુધી મુસાફરો પરેશાન, એરલાઇનની ઓનલાઈન સર્વિસમાં ફરી ખામી