ઇંગ્લેન્ડ સામે રમાઈ રહેલી પાંચ મેચની ટેસ્ટ શ્રેણી દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. ટીમના સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંત ના જમણા પગના અંગૂઠામાં ફ્રેક્ચરની પુષ્ટિ થઈ છે. તબીબોએ તેમને ઓછામાં ઓછા 6 સપ્તાહ સુધી આરામ કરવાની સલાહ આપી છે, જેનો અર્થ છે કે પંત આ ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે.

માન્ચેસ્ટર ટેસ્ટમાં ઇજા અને મેદાન છોડવાની ફરજ
માન્ચેસ્ટર ટેસ્ટના પ્રથમ દિવસે જ રિષભ પંત ઇજાગ્રસ્ત થયો હતો. ભારતની ઇનિંગની 68મી ઓવરમાં જ્યારે પંત 37 રન પર બેટિંગ કરી રહ્યો હતો, ત્યારે ક્રિસ વોક્સની ઓવરમાં રિવર્સ સ્વીપ રમવાના પ્રયાસમાં બોલ સીધો તેના પગના અંગૂઠા પર વાગ્યો હતો. આ ગંભીર ઇજાના કારણે પંત દુખાવાથી જમીન પર જ સુઈ ગયો હતો. મેદાન પર આવેલી ફિઝિયો અને મેડિકલ ટીમે પંતને ગાડીમાં બેસાડીને મેદાનની બહાર લઈ જવો પડ્યો હતો, જે ભારતીય છાવણી માટે ચિંતાનો વિષય બન્યો હતો.

BCCI દ્વારા ઇશાન કિશનનો સમાવેશ અને અન્ય ઇજાગ્રસ્ત ખેલાડીઓ
BCCI ના સૂત્રો અનુસાર, ડોકટરોની સલાહ છે કે પંત આગામી 6 સપ્તાહ સુધી ક્રિકેટ રમી શકશે નહીં. મેડિકલ ટીમ તેની રિકવરી પર સતત નજર રાખી રહી છે. પંતની ઇજાના કારણે, પસંદગી સમિતિએ તાત્કાલિક ધોરણે ઇશાન કિશન ને અંતિમ ટેસ્ટ મેચ માટે ટીમમાં જોડવાનો નિર્ણય લીધો છે.
આ પણ વાંચો : BCCI નો યુ-ટર્ન ACC બેઠકમાં લેશે વર્ચ્યુઅલ ભાગ
ઉલ્લેખનીય છે કે, પંત ઉપરાંત નીતિશ કુમાર રેડ્ડી, આકાશદીપ અને અર્શદીપ જેવા ખેલાડીઓ પણ પહેલેથી જ ઇજાના કારણે ટીમની બહાર છે, જેના કારણે ભારતીય ટીમના પડકારો વધ્યા છે. પંતની ગેરહાજરી ભારતીય બેટિંગ ક્રમ અને વિકેટકીપિંગ બંનેમાં એક મોટો ખાલીપો ઊભો કરશે, કારણ કે તે તાજેતરના સમયમાં ટીમના સૌથી મહત્ત્વપૂર્ણ અને મેચ-વિનિંગ ખેલાડીઓ પૈકી એક સાબિત થયો છે.