INDvsUSA: મેચમાં સુર્યા બન્યો તારણહાર, ભારતની જીત
સૂર્યાની 84 રનની વિસ્ફોટક કેપ્ટન ઈનિંગ; ગંભીરની એક સલાહે ભારતને હારના મોંમાંથી બહાર કાઢ્યુ

સંકટમાં ફસાયેલી ટીમ ઈન્ડિયાનો તારણહાર સુર્યા

સંકટમાં ફસાયેલી ટીમ ઈન્ડિયાનો તારણહાર સુર્યા
ટી20 વર્લ્ડ કપ 2026ના રોમાંચક પ્રારંભમાં ભારતીય ટીમે વિજયી શંખનાદ કર્યો છે. અમેરિકા સામેની રસાકસી ભરેલી મેચમાં ભારતીય બેટ્સમેનોની કસોટી થઈ હતી, પરંતુ કેપ્ટન સૂર્યકુમાર યાદવની સંયમિત અને વિસ્ફોટક બેટિંગના દમ પર ભારતે જીતનો સ્વાદ ચાખ્યો છે. આ જીત સાથે ભારતે ટૂર્નામેન્ટમાં પોતાના મજબૂત ઈરાદાઓ સાબિત કરી દીધા છે.
અમેરિકા સામેની આ મેચ ભારત માટે આસાન માનવામાં આવતી હતી, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત અત્યંત નિરાશાજનક રહી હતી. અમેરિકન બોલરોએ શિસ્તબદ્ધ બોલિંગ કરીને ભારતીય ટોપ-ઓર્ડરના ચીંથરા ઉડાવી દીધા હતા. એક સમયે ભારતનો સ્કોર માત્ર 77 રનમાં 6 વિકેટ થઈ ગયો હતો. મેદાન પર સન્નાટો છવાઈ ગયો હતો અને એવું લાગતું હતું કે ભારત કોઈ મોટા ઉલટફેરનો શિકાર બનશે.
કેપ્ટન સૂર્યકુમાર યાદવ છઠ્ઠી ઓવરમાં જ મેદાનમાં આવી ગયો હતો. જ્યારે એક બાજુથી વિકેટો પડી રહી હતી, ત્યારે સૂર્યાએ બીજી છેડો સાચવી રાખ્યો હતો. શરૂઆતમાં તેણે ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો, જેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેણે પોતાના પ્રથમ 13 બોલમાં માત્ર 7 રન બનાવ્યા હતા.
ગૌતમ ગંભીરની ગુરુચાવી અને સૂર્યાનો સંયમમેચ બાદ પોતાની રણનીતિ વિશે વાત કરતા સૂર્યાએ જણાવ્યું કે, ડ્રેસિંગ રૂમમાં કોચ ગૌતમ ગંભીર સાથે થયેલી વાતચીત તેના માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. ગંભીરે સૂર્યાને સ્પષ્ટ સૂચના આપી હતી કે, "પરિસ્થિતિ ગમે તે હોય, બસ અંત સુધી ટકી રહેજે. જો તું મેદાન પર હઈશ, તો રન તો ગમે ત્યારે બની જશે."
સૂર્યાએ સ્વીકાર્યું કે આ પિચ બેટિંગ માટે અત્યંત મુશ્કેલ હતી. અહીં 180 કે 190 રન બનાવવા અશક્ય હતા, પરંતુ 140-150 રનનો સ્કોર જીતવા માટે પૂરતો હતો. મુંબઈના વાનખેડે સ્ટેડિયમ જેવી જ ગતિ અને ઉછાળ ધરાવતી આ વિકેટ પર સૂર્યાએ પોતાના ઘર આંગણાના બહોળા અનુભવનો ઉપયોગ કર્યો અને છેલ્લે સુધી રમીને સ્કોરબોર્ડને વેગ આપ્યો.
કેચ ડ્રોપ અને સૂર્યાનું રૌદ્ર સ્વરૂપમેચમાં એક સમય એવો પણ આવ્યો જ્યારે અમેરિકન ફિલ્ડર શુભમ રંજને સૂર્યકુમાર યાદવનો મહત્વનો કેચ છોડ્યો હતો. આ ભૂલ અમેરિકા માટે મોંઘી સાબિત થઈ. જીવનદાન મળ્યા બાદ સૂર્યાએ ગિયર બદલ્યો અને મેદાનની ચારેબાજુ શોર્ટ્સ ફટકારવાનું શરૂ કર્યું. તેણે માત્ર 36 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી.
અંતિમ ઓવરોમાં સૂર્યાએ અમેરિકાના સ્ટાર બોલર સૌરભ નેત્રવલકરને નિશાન બનાવ્યો હતો. છેલ્લી ઓવરમાં સૂર્યાએ નેત્રવલકરની એવી ધોલાઈ કરી કે તેણે પોતાના 4 ઓવરના સ્પેલમાં 65 રન ખર્ચ્યા. આ સ્પેલ ટી20 વર્લ્ડ કપના ઈતિહાસના સૌથી મોંઘા સ્પેલમાંનો એક નોંધાયો છે. સૂર્યાએ અણનમ 84 રન બનાવી ભારતને વિજયી સ્કોર સુધી પહોંચાડ્યું હતું.
ઐતિહાસિક સિદ્ધિ: કેપ્ટન તરીકે સૂર્યાનો ડંકોઆ ઈનિંગ સાથે સૂર્યકુમાર યાદવે અનેક રેકોર્ડ્સ પોતાના નામે કર્યા છે. ટી20 વર્લ્ડ કપમાં ડેબ્યૂ મેચમાં કેપ્ટન તરીકે સૌથી મોટો સ્કોર બનાવવાની યાદીમાં સૂર્યા હવે બીજા ક્રમે આવી ગયો છે.
ક્રિસ ગેલ: 88 રન (કેપ્ટન તરીકે ડેબ્યૂ મેચમાં સૌથી વધુ રન)
સૂર્યકુમાર યાદવ: 84 રન (બીજો સૌથી મોટો સ્કોર)
ભારતીય કેપ્ટન તરીકે વર્લ્ડ કપની પ્રથમ મેચમાં જ આવું શાનદાર પ્રદર્શન કરીને તેણે આલોચકોના મોઢા બંધ કરી દીધા છે.
ટીમ ઈન્ડિયાએ આ મેચ 29 રનથી જીતીને ટૂર્નામેન્ટની શાનદાર શરૂઆત કરી છે. સૂર્યાની આ ઈનિંગે સાબિત કર્યું કે તે માત્ર વિસ્ફોટક બેટ્સમેન જ નથી, પણ એક જવાબદાર લીડર પણ છે. ગૌતમ ગંભીર અને સૂર્યકુમારની આ જોડી આગામી મેચોમાં વિરોધી ટીમો માટે ચોક્કસપણે ચિંતાનો વિષય બનશે. ભારતની આ જીતથી ચાહકોમાં ફરી એકવાર વર્લ્ડ કપ જીતવાની આશા જીવંત થઈ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સુચિકા તારિયાલની સેમિફાઇનલમાં એવું શું થયું કે મેચ ડ્રો જાહેર થયા બાદ પણ તે ફાઇનલમાં ન પહોંચી?

ભારતીય મહિલા A ટીમે ઓસ્ટ્રેલિયા Aને 4 વિકેટે હરાવી ODI શ્રેણીમાં 1-0ની લીડ મેળવી. તેજલ હસબનીસે 81 અને અનુષ્કા શર્માએ 55 રન બનાવ્યા, જ્યારે બંને વચ્ચે 126 રનની ભાગીદારીએ ભારતની જીતનો પાયો નાખ્યો.

શ્રીલંકાને 3-0થી હરાવ્યા બાદ ઈંગ્લેન્ડે ભારતને પાછળ છોડી ICC T20I રેન્કિંગમાં નંબર-1 સ્થાન મેળવ્યું, બંને વચ્ચે માત્ર 0.04 પોઈન્ટનો તફાવત.