અર્શદીપ સિંહને ICCનો ફટકો: મેચ ફીમાં કાપ
ટી20 વર્લ્ડ કપ ફાઈનલમાં ડેરિલ મિશેલ સાથેની તકરાર પડી ભારે; ફટકારાયો દંડ અને ડિમેરિટ પોઈન્ટ

અર્શદીપ સિંહ

અર્શદીપ સિંહ
ભારતીય ટીમની ટી20 વિશ્વ કપ 2026ની ઐતિહાસિક જીતની ઉજવણી વચ્ચે સ્ટાર ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ માટે માઠા સમાચાર આવ્યા છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ રવિવારે રમાયેલી ફાઈનલ મેચ દરમિયાન અયોગ્ય વર્તન કરવા બદલ અર્શદીપ સિંહ પર કડક કાર્યવાહી કરી છે. મેદાન પર ખેલાડીઓ વચ્ચે થયેલી ગરમાગરમી બાદ આ શિસ્તભંગના પગલાં લેવામાં આવ્યા છે.
મેચ ફીના 15 ટકા દંડ અને ડિમેરિટ પોઈન્ટ :
ICC દ્વારા અર્શદીપ સિંહને આચાર સંહિતાના લેવલ-1ના ભંગ માટે દોષિત ઠેરવવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટના નિયમ મુજબ, મેદાન પર કોઈ ખેલાડી તરફ જોખમી રીતે બોલ ફેંકવો એ ગંભીર ગુનો ગણાય છે. આ અંતર્ગત અર્શદીપની મેચ ફીના 15 ટકા રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે. આટલું જ નહીં, તેના શિસ્ત રેકોર્ડમાં એક 'ડિમેરિટ પોઈન્ટ' પણ ઉમેરવામાં આવ્યો છે. જો આગામી 24 મહિનામાં આવા કુલ 4 પોઈન્ટ થાય, તો ખેલાડી પર પ્રતિબંધ લાદવાની જોગવાઈ છે.
શું હતી સમગ્ર ઘટના ?
ઘટના 8 માર્ચના રોજ રમાયેલી ફાઈનલ મેચની 11મી ઓવર દરમિયાન બની હતી. ન્યૂઝીલેન્ડના બેટર ડેરિલ મિશેલ ક્રીઝ પર હાજર હતા ત્યારે અર્શદીપે ફિલ્ડિંગ દરમિયાન બોલ સીધો મિશેલ તરફ ફેંક્યો હતો, જે તેના પગના ભાગે વાગ્યો હતો. આ હરકત બાદ મિશેલે મેદાન પર જ નારાજગી વ્યક્ત કરી હતી અને અમ્પાયરને ફરિયાદ કરી હતી. વાતાવરણ તંગ બનતા ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો. જોકે, મેચ પૂરી થયા બાદ અર્શદીપે ખેલદિલી બતાવીને મિશેલની માફી પણ માંગી લીધી હતી.
ICCના કડક નિયમો :
ICC આચાર સંહિતાના આર્ટિકલ 2.9 મુજબ, રમત દરમિયાન કોઈ ખેલાડીની અત્યંત નજીક સાધનો કે બોલ ફેંકવા તે જોખમી શ્રેણીમાં આવે છે. અગાઉ વેસ્ટ ઇન્ડિઝના ખેલાડી જેડન સીલ્સ પર પણ ભારતીય ખેલાડી યશસ્વી જયસ્વાલ તરફ બોલ ફેંકવા બદલ આવો જ દંડ ફટકારવામાં આવ્યો હતો. અર્શદીપ માટે રાહતની વાત એ છે કે છેલ્લા બે વર્ષમાં તેનું આ પ્રથમ ઉલ્લંઘન છે, તેથી તેને માત્ર દંડ કરીને છોડવામાં આવ્યો છે.
આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. કેટલાક ચાહકો આને મેદાનની ગરમાગરમી ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાક શિસ્ત જાળવવાની તરફેણ કરી રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણી પહેલાં ટીમ ઈન્ડિયાની પસંદગીને લઈને BCCIની ચિંતા વધી છે. પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા અને રિષભ પંતની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે. જાણો ભારતની વન-ડે ટીમની જાહેરાત, ખેલાડીઓની ઈજા અને ન્યૂઝીલેન્ડ પ્રવાસ અંગેનું મહત્ત્વનું અપડેટ.

ICC Awardsમાં ભારતનો ડબલ ધમાકો! શુભમન ગિલે 223 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી, તો શેફાલી વર્માએ 49 બોલમાં સદી ફટકારી!

માયા રાજેશ્વરન રેવતીએ માત્ર 17 વર્ષની ઉંમરે ઇતિહાસ રચ્યો! સિંગલ્સમાં ઐતિહાસિક જીત સાથે ડબલ્સનો ખિતાબ પણ જીત્યો.