Haris Rauf Fined ICC Code of Conduct: પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી રોમાંચક ODI મેચ બાદ હવે મેદાન પરના વિવાદને લઈને મોટી કાર્યવાહી થઈ છે. પાકિસ્તાનના ફાસ્ટ બોલર હારિસ રઉફને ICCએ મેચ ફીના 20 ટકા દંડ ફટકાર્યો છે. સાથે જ તેને સત્તાવાર ઠપકો અને ડિમેરિટ પોઈન્ટ પણ આપવામાં આવ્યા છે. બીજી તરફ, સ્લો ઓવર રેટ બદલ ઇંગ્લેન્ડની ટીમને પણ મેચ ફીના 15 ટકા દંડની સજા થઈ છે.
હારિસ રઉફ અને વિલ જેક્સ વચ્ચે શું થયું?
લાહોરમાં રમાયેલી મેચ દરમિયાન પાકિસ્તાનની ઇનિંગ્સની 46મી ઓવર બાદ વિવાદ સર્જાયો હતો. નોન-સ્ટ્રાઇકર એન્ડ પર ઊભેલા હારિસ રઉફે વાઇડ બોલ માટે અપીલ કરી હતી. ત્યારબાદ ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર વિલ જેક્સ સાથે તેની બોલાચાલી થઈ હતી. ICCના જણાવ્યા અનુસાર, દલીલ દરમિયાન રઉફે પોતાનું બેટ ઊંચું કર્યું હતું. મેદાની અમ્પાયરની ચેતવણી છતાં તેણે દલીલ ચાલુ રાખી અને જેક્સ તરફ આગળ વધ્યો હતો. આ વર્તનને ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટેની ICC આચારસંહિતાની કલમ 2.2 હેઠળ ઉલ્લંઘન ગણવામાં આવ્યું હતું.
24 મહિનામાં ત્રીજો ગુનો, પાંચ ડિમેરિટ પોઈન્ટ
હારિસ રઉફને મેચ ફીના 20 ટકા દંડ ઉપરાંત સત્તાવાર ઠપકો આપવામાં આવ્યો છે. 24 મહિનાના સમયગાળામાં આ પ્રકારનો તેનો ત્રીજો ગુનો હોવાથી તેને પાંચ ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યા છે. રઉફે પોતાની સામેના આરોપો અને મેચ રેફરી દ્વારા સૂચવવામાં આવેલી સજા સ્વીકારી લીધી હતી. તેથી આ મામલે ઔપચારિક સુનાવણી યોજવાની જરૂર પડી નહોતી.
ઇંગ્લેન્ડને સ્લો ઓવર રેટ બદલ 15% દંડ
આ જ મેચમાં ઇંગ્લેન્ડની ટીમ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. નિર્ધારિત ઓવર રેટ કરતાં ત્રણ ઓવર પાછળ રહેવા બદલ ટીમના ખેલાડીઓને મેચ ફીના 15 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. ICCના નિયમ મુજબ, નિર્ધારિત સમયમર્યાદામાં જરૂરી ઓવર પૂર્ણ ન કરવા બદલ દરેક ઓવર માટે ખેલાડીઓની મેચ ફીના પાંચ ટકા દંડની જોગવાઈ છે. ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુકે પણ આરોપ અને સજા સ્વીકારી હતી.
શાદાબ ખાનની સદીએ પાકિસ્તાનને અપાવી જીત
આ શિસ્તભંગની કાર્યવાહી એવી મેચ બાદ થઈ છે, જેમાં પાકિસ્તાને ઇંગ્લેન્ડ સામે એક વિકેટથી રોમાંચક જીત મેળવી હતી. ઇંગ્લેન્ડે 242 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. પાકિસ્તાનની ટીમ એક સમયે નવ વિકેટ ગુમાવીને મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. પરંતુ શાદાબ ખાને અણનમ સદી ફટકારીને મેચનું પાસું પલટી નાખ્યું હતું. છેલ્લી વિકેટ માટે શાદાબ અને હારિસ રઉફ વચ્ચે 89 રનની મહત્વપૂર્ણ ભાગીદારી થઈ હતી. તેના આધારે પાકિસ્તાને લક્ષ્યાંક હાંસલ કરીને યાદગાર જીત મેળવી હતી. આમ, એક તરફ પાકિસ્તાનની જીતની ચર્ચા થઈ રહી છે, તો બીજી તરફ હારિસ રઉફ પર ICCની કાર્યવાહી અને ઇંગ્લેન્ડના સ્લો ઓવર રેટનો દંડ પણ ક્રિકેટ જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે.