Vaibhav Suryavanshi’s Selection Controversy: 15 વર્ષના યુવા ભારતીય બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવાને લઈને હાલમાં વિશ્વ ક્રિકેટમાં ભારે ચર્ચા જાગી છે. આ મુદ્દે ક્રિકેટ જગતના દિગ્ગજો અને ચાહકો 2 જૂથમાં વહેંચાઈ ગયા છે. એક જૂથની દલીલ છે કે વૈભવની અસાધારણ પ્રતિભાને જોતાં તેને વહેલી તકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક આપવી જોઈએ. જ્યારે બીજું જૂથ માને છે કે આટલી નાની ઉંમરે તેના કરિયરને લઈને કોઈ ઉતાવળ કરવી જોઈએ નહીં. બીજી તરફ, ભારતીય ટીમ મેનેજમેન્ટ હાલમાં વૈભવને લઈને ધીરજ રાખવાની નીતિ અપનાવી રહ્યું છે, જેના કારણે દક્ષિણ આફ્રિકાના પૂર્વ ખેલાડી એબી ડી વિલિયર્સ સહિતના ક્રિકેટ ફેન્સ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.
એબી ડી વિલિયર્સનો આક્રોશ
દક્ષિણ આફ્રિકાના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન એબી ડી વિલિયર્સે પોતાની યુટ્યુબ ચેનલ પર ભારતીય ક્રિકેટ મેનેજમેન્ટની આકરી ટીકા કરી છે. ડી વિલિયર્સના મતે વૈભવ સૂર્યવંશીએ અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરી લેવું જોઈતું હતું. તેણે ભારતીય ટીમના આસિસ્ટન્ટ કોચ રાયન ડેન ડોશેટના એ નિવેદનને સંપૂર્ણપણે નકારી કાઢ્યું હતું જેમાં કહેવાયું હતું કે વૈભવને પણ અન્ય ખેલાડીઓની જેમ સામાન્ય ઘરેલું પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. ડી વિલિયર્સે જણાવ્યું કે, "વૈભવે IPL માં જે રીતે શાનદાર પ્રદર્શન કર્યું છે, તે જોતાં તેને આયર્લેન્ડ પ્રવાસ પર જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો અનુભવ મેળવવાની સુવર્ણ તક આપવી જોઈતી હતી. આયર્લેન્ડ જેવી નીચલા ક્રમાંકિત ટીમ સામે તેને મેદાનમાં ઉતારવા માટે આ એક પરફેક્ટ સમય હતો, પરંતુ તેને તક ન મળી તે દુર્ભાગ્યપૂર્ણ છે."
'બ્રિટનની સ્થિતિમાં ભારતે નવી શરૂઆત કરવી પડશે'
ભારતીય ટીમ આયર્લેન્ડ પ્રવાસ પર 2 મેચની T20 શ્રેણી હારી ગઈ હતી અને ત્યારબાદ ઇંગ્લેન્ડ સામેની પહેલી T20 મેચ પણ વરસાદને કારણે રદ થઈ ગઈ હતી. શ્રેયસ અય્યરની આગેવાની હેઠળની આ યુવા ભારતીય ટીમ હજુ સુધી એક પણ જીત મેળવી શકી નથી. ડી વિલિયર્સે યુકે (UK) ની સ્થિતિ પર વાત કરતા કહ્યું કે, "ટીમ ઈન્ડિયાએ ઇંગ્લેન્ડની કન્ડિશનમાં રમવા માટે નવી રણનીતિ બનાવવી પડશે. અહીં આઈપીએલની જેમ 250 કે 260 રનનો જંગી સ્કોર સરળતાથી નહીં બને. બ્રિટનની પીચો પર ક્રિકેટ વધુ વ્યૂહરચના સાથે રમાય છે, જ્યાં ક્યારેક 140 થી 160 રન બનાવવામાં પણ પરસેવો વળી જાય છે."
BCCI નો વીડિયો વાઇરલ થતાં સોશિયલ મીડિયા પર ફેન્સનો હોબાળો
ઇંગ્લેન્ડ સામેની પ્રથમ T20 મેચ વરસાદમાં ધોવાઈ ગયા બાદ ભારતીય ટીમ શ્રેણીની બીજી મેચ માટે માન્ચેસ્ટર પહોંચી ગઈ છે, જે શનિવારે (4 જુલાઈ) ના રોજ રમાવાની છે. માન્ચેસ્ટર પ્રવાસ દરમિયાન BCCIએ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ખેલાડીઓની સફરનો એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોની શરૂઆત વૈભવ સૂર્યવંશીના સ્ટાઇલિશ ચશ્મા અને સ્વેગર લુક સાથે કરવામાં આવી હતી. આ વીડિયો સામે આવતા જ ચાહકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. નેટિઝન્સે પ્રશ્ન ઉઠાવ્યો કે જો પ્રથમ T20 ની પ્લેઈંગ ઈલેવનમાં વૈભવનો સમાવેશ જ નહોતો કરાયો, તો પછી સોશિયલ મીડિયા પર વ્યૂઝ મેળવવા માટે તેનો ઉપયોગ કેમ કરાઈ રહ્યો છે? એક યુઝરે ગુસ્સામાં લખ્યું, "BCCI વૈભવના નામે મેચો વેચી રહ્યું છે પરંતુ તેને રમવાની તક આપતું નથી." જ્યારે અન્ય એક ફેને કટાક્ષ કર્યો કે, "જેમ તમે વીડિયોની શરૂઆત વૈભવથી કરી છે, તેમ બીજી T20 માં ભારતની બેટિંગની શરૂઆત પણ વૈભવથી જ થવી જોઈએ."
વૈભવ-અભિષેકની ઓપનિંગ જોડીની અટકળો
બીજી T20 મેચ પહેલા જ ઇન્ટરનેટ પર વૈભવ સૂર્યવંશીને ટીમમાં સામેલ કરવા માટે ટ્રેન્ડ શરૂ થઈ ગયા છે. ક્રિકેટ રસિકો સોશિયલ મીડિયા પર ભવિષ્યની ઓપનિંગ જોડી વિશે પણ અટકળો લગાવી રહ્યા છે. એક ચાહકે લખ્યું, "કલ્પના કરો કે જો આગામી મેચમાં વૈભવ સૂર્યવંશી અને અભિષેક શર્મા એકસાથે ભારત માટે ઇનિંગ્સની ઓપનિંગ કરશે તો કેવો ધમાકો થશે." આ ઉપરાંત, સોશિયલ મીડિયા પર ટીમ કોમ્બિનેશનને લઈને પણ ચાહકોએ મેનેજમેન્ટને સલાહ આપી છે કે ખરાબ ફોર્મમાં ચાલી રહેલા તિલક વર્માના સ્થાને વિસ્ફોટક ફિનિશર રિંકુ સિંહને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળવું જોઈએ. સાથે જ, કોમેન્ટ સેક્શનમાં ફેન્સે પૂર્વ ટી૨૦ કેપ્ટન સૂર્યકુમાર યાદવની ગેરહાજરીને પણ યાદ કરી હતી. હવે આ તમામ વિવાદો અને સોશિયલ મીડિયાના દબાણ વચ્ચે જોવાનું એ રહેશે કે 4 જુલાઈએ રમાનારી બીજી T20 મેચમાં ભારતીય મેનેજમેન્ટ વૈભવ સૂર્યવંશીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરવાની તક આપે છે કે નહીં.