ગાંધીનગર કમલમ ખાતે સી.આર.પાટીલે શું આપ્યો સંકેત?
ભાજપ સંગઠન અને ધારાસભ્યોની યોજાયેલી બેઠકમાં પાટીલે કહ્યું કે, ‘આપણે જલ્દી બે વખત મળીશું’
પ્રદેશ પ્રમુખની નિમણૂક થયા બાદ મંત્રીમંડળમાં ફેરફાર અંગે સંકેતો આપ્યા હોવાની કાર્યકરોમાં ચર્ચા
પ્રદેશ પ્રમુખની નિમણૂક થયા બાદ મંત્રીમંડળમાં ફેરફાર અંગે સંકેતો આપ્યા હોવાની કાર્યકરોમાં ચર્ચા
ગુજરાતમાં છેલ્લાં એક વર્ષથી મંત્રીમંડળના વિસ્તરણનું ભૂત ધૂણી રહ્યું છે પરંતુ મંત્રીમંડળ વિસ્તરણની ચર્ચા કરીને હવે ભાજપના ધારાસભ્યો પણ કંટાળી ગયા છે. જો કે, ગાંધીનગર કમલમ ખાતે યોજાયેલી સંગઠન, સાંસદો અને ધારાસભ્યોની બેઠકમાં પ્રદેશ પ્રમુખે તાજેતરમાં નવા પ્રમુખની નિમણૂક અને મંત્રી મંડળમાં ફેરફાર થવાના સંકેત આપ્યા છે. પાટીલે તેમના સંબોધનમાં કહ્યુ હતું કે, ‘આપણે જલ્દી બે વખત મળીશું’. પાટીલના આ સંકેતથી ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં ફરીથી ચર્ચા શરૂ થઈ છે.
ગાંધીનગર ભાજપ કાર્યાલય કમલમ ખાતે સંગઠનની બેઠક મળી હતી. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં મહામંત્રી રત્નાકર, રજની પટેલ, વિનોદ ચાવડા સહિતના પદાધિકારી, સાંસદો અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયાની ઉજવણી કરવાનું આયોજન કરાયું હતું. 17 સપ્ટેમ્બરે વડાપ્રધાનના જન્મદિવસથી શરૂ કરીને 2 ઓક્ટોબર સુધી સમગ્ર ગુજરાતમાં ઉજવણી કરવામાં આવશે. આ સેવા પખવાડિયાના કાર્યક્રમોના આયોજન માટે કાર્યશાળા યોજવામાં આવી હતી.
આ બેઠકમાં સી.આર.પાટીલે મંત્રીમંડળમાં ફેરફાર અંગે મોટા સંકેત આપ્યા હતા. મંત્રીમંડળના વિસ્તરણ પહેલાં નવા પ્રદેશ પ્રમુખની વરણી થવાનો સંકેત આપ્યો હતો. ભાજપના એક નેતાએ નામ નહી લખવાની શરતે જણાવ્યું હતું કે, પાટીલે સંબોધનમાં કહ્યું કે, જલદી આપણે બે વખત મળીશું. ટૂંક સમયમાં નવા પ્રદેશ પ્રમુખ આવશે તેવો ઈશારો કર્યો હતો. ત્યારબાદ મંત્રીમંડળનું વિસ્તરણ કરવાના સંકેતો આપ્યા હતા. તે માટે ભાજપના નેતાએ અને કાર્યકરોને ભગવાન ગણેશને પ્રાર્થના કરવાની ટકોર કરી હતી.
કમલમ ખાતે મળેલી આ બેઠકમાં પ્રથમ વખત સંઘના અગ્રણી હાજર રહ્યા હતા. RSS ના ગુજરાત પ્રાંત કાર્યવાહ શૈલેષ પટેલ બેઠકમાં જોવા મળ્યા હતા. પક્ષના સંગઠન, સાસદો અને ધારાસભ્યો સાથે RSS ના હોદ્દેદાર હાજર રહેતાં ભાજપ સંગઠનમાં નવાજૂની થવાની શક્યતાઓ વધી ગઈ છે.
પ્રદેશ પ્રમુખની વરણી બાદ મંત્રીમંડળમાં ફેરફાર
ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આગામી 9, 10 અને 11 સપ્ટેમ્બરના રોજ મળનાર છે. તે માટે ધારાસભ્યો પાસેથી પ્રશ્નો પણ મંગાવાયા છે. તે માટેનું સમગ્ર આયોજન કરી દેવામાં આવ્યુ છે. તેથી ચોમાસુ સત્ર પહેલાં મંત્રીમંડળના વિસ્તરણની શક્યતા નથી. પ્રદેશ ભાજપ પ્રમુખની વરણી થયા બાદ મંત્રીમંડળનું વિસ્તરણ થવાની સંભાવના છે. તેથી આગામી સપ્તાહમાં નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થાય તેવી શક્યતા છે.
નવા પ્રદેશ પ્રમુખનું કોકડું કેમ ગૂંચવાયું?
ભાજપના સંગઠનની સંરચના અંતર્ગત શહેર, તાલુકા અને જિલ્લાના પ્રમુખોની વરણી કરી દેવામાં આવી છે. જ્યારે નવા પ્રદેશ પ્રમુખની વરણી 8 માસથી વિલંબિત થઈ છે. ગુજરાત ભાજપ પ્રમુખની વરણી જાન્યુઆરી-2025માં થવાની હતી. પરંતુ, જાતિ અને વિસ્તારના સમીકરણ પ્રમાણે ભાજપને યોગ્ય પ્રદેશ પ્રમુખ નહી મળતાં કોકડું ગૂંચવાયુ છે.
ગુજરાતના રાજકારણમાં અમિત શાહ, આનંદીબેન પટેલ અને સી.આર.પાટીલની મહત્વની ભૂમિકા હોય છે. તેવા સમયે ત્રણેય જૂથના સર્વસામાન્ય નેતાની પસંદગી કરવી અઘરી સાબિત થઈ રહી છે. તેવામાં RSS એ પણ રાષ્ટ્રીય પ્રમુખની સાથે ગુજરાતમાં પણ પોતાની વિચારધારાવાળા વ્યક્તિની પસંદગી માટે હઠાગ્રહ રાખ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે.
હાલમાં મુખ્યમંત્રી મધ્ય ગુજરાત અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દક્ષિણ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. મુખ્યમંત્રી પાટીદાર સમાજમાંથી હોવાથી હવે સૌરાષ્ટ્ર અથવા ઉત્તર ગુજરાતમાંથી ઓબીસી અથવા ક્ષત્રિય સમાજના પ્રદેશ પ્રમુખની પસંદગી થવાની શક્યતા છે. તેવા સમયે જાતિગત સમીકરણ અને વિસ્તારનું સમીકરણ સાચવવા પક્ષમાં ગડમથલ ચાલી રહી હોવાનું જાણવા મળ્યુ છે.
વડાપ્રધાનની મુલાકાત ઉપર સૌ કોઈની નજર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની બે દિવસની મુલાકાતે છે. તેઓ નિકોલમાં રોડ શો અને જાહેર સભા કર્યા બાદ રાજભવનમાં રોકાણ કરવાના છે. રાજભવનમાં તેઓ કોની સાથે મુલાકાત કરે છે તેના ઉપર ભાજપના નેતાઓ અને કાર્યકરોની મીટ મંડાઈ છે. વડાપ્રધાનની મુલાકાત દરમિયાન પ્રદેશ પ્રમુખના નામ ઉપર મહોર વાગે તેવી સંભાવનાએ આગામી સપ્તાહે જાહેરાત થવાની શક્યતા છે.
મંત્રીમંડળના વિસ્તરણ અંગે ચર્ચા શરૂ
ગુજરાતમાં મુખ્યમંત્રી સહિત 18નું મંત્રીમંડળ છે. વિધાનસભાની 182 બેઠકોના 15 ટકા પ્રમાણે હજુ 10 મંત્રીઓનો સમાવેશ થઈ શકે તેમ છે. ભાજપના આંતરિક સૂત્રોના મતે 17 મંત્રીઓ પૈકી 6 મંત્રીઓનું પરફોર્મન્સ સારૂ છે. જ્યારે 11 જેટલાં મંત્રીઓનું પરફોર્મન્સ નબળું છે. નબળા પરફોર્મન્સવાળા મંત્રીઓને છૂટા કરી નવા ચહેરાને સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે.
કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા અર્જૂન મોઢવાડિયા અને સી.જે. ચાવડાનો પણ મંત્રીમંડળમાં સમાવેશ કરાય તેવી સંભાવના છે. ભાજપના સૂત્રોના મતે, સૌરાષ્ટ્રના કેટલાંક મંત્રીઓને પડતા મૂકી નવા ચહેરાનો સમાવેશ કરાશે. જ્યારે ઉત્તર ગુજરાતમાં કેટલાક મંત્રીઓનું કદ ઘટાડી નવા ચહેરાને સ્થાન મળી શકે તેમ છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં બચુ ખાબડ જેવા ભ્રષ્ટાચારી મંત્રીઓની હકાલપટ્ટી કરી વિસ્તાર તેમજ જાતિ સમીકરણનું બેલેન્સ કરવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

એક તરફ વિકાસના દાવા, તો બીજી તરફ ખેડૂતો પર દેવાનો મોટો બોજ! અહેવાલ મુજબ, ગુજરાતના ખેડૂતો પર રૂ.1,05,097 કરોડની પાક લોન અને રૂ.63,363 કરોડની ટર્મ લોન બાકી છે.

અંબાજીથી નર્મદા સુધીના આદિવાસી પટ્ટામાં સરકારની અચાનક સક્રિયતા પાછળ શું છે? વર્ષોથી પડતર પ્રશ્નો, આંદોલનો અને સાગબારાના જંગલ વિવાદ વચ્ચે હવે શું થશે?

અંકિતા ભંડારીના માતા-પિતા વહેલી સવારે અટકાયત બાદ મલ્લિકાર્જુન ખડગેનો મોદી સરકાર પર આકરો પ્રહાર... તો બીજી તરફ દુષ્યંત ગૌતમની સિક્કિમ રાજ્યપાલ તરીકેની નિમણૂક પર કોંગ્રેસના સવાલો!