સ્થાનિક સ્વરાજ્યમાં બહુમતી છતાં વિપક્ષને પ્રમુખપદ?
મોરબી, બહુચરાજીમાં ભાજપનું ગણિત ઉંધુ પડ્યું, અનેક તાલુકા પંચાયતોમાં તોડજોડની નીતિ અપનાવાશે

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર
ભાજપે 80 ટકાથી વધુ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં કબજો મેળવી લીધો છે. તેમ છતાં કેટલીક સંસ્થાઓમાં ભાજપના નેતાઓનું ગણિત ઉંધુ પડી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. મોરબી જિલ્લા પંચાયત અને બહુચરાજી તાલુકા પંચાયતમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી હોવા છતાં પ્રમુખપદ વિપક્ષને એટલે કે કોંગ્રેસને સોંપવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
અનામત અને સંખ્યાબળ વચ્ચે બદલાયું સત્તાનું ગણિત
સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં ચૂંટણી પરિણામો બાદ રાજકીય સમીકરણોમાં અચાનક ફેરફાર જોવા મળી રહ્યો છે. કેટલીક સંસ્થાઓમાં બહુમતી હોવા છતાં ભાજપ સત્તાથી દૂર રહે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. તેવા સમયે ભાજપ તોડજોડની નીતિ અપનાવીને સત્તા મેળવે તેવી શક્યતા છે.
મોરબીમાં કોંગ્રેસને પ્રમુખપદની શક્યતા
મોરબી જિલ્લા પંચાયતમાં કુલ 24માંથી 17 બેઠકો ભાજપે જીતવા છતાં પ્રમુખપદ કોંગ્રેસને મળવાની સ્થિતિ ઊભી થઈ છે. આ પદ અનુસૂચિત જનજાતિ માટે અનામત હોવાથી એકમાત્ર ચૂંટાયેલા કોંગ્રેસ ઉમેદવારને પ્રમુખ બનવાનો રસ્તો ખુલ્યો છે. મોરબી જિલ્લા પંચાયતમાં કુલ 24 બેઠકો પૈકી 17 બેઠકો ઉપર ભાજપ અને 7 બેઠકો ઉપર કોંગ્રેસ જીતી છે. જિલ્લા પંચાયતની નેકનામ બેઠક પરથી કોંગ્રેસના ગીતાબેન દુબરિયા જીત્યા છે. અનુસૂચિત જનજાતિમાંથી એકમાત્ર સભ્ય ચૂંટાયા હોવાથી ભાજપની બહુમતી હોવા છતાં કોંગ્રેસના ઉમેદવારને પ્રમુખ બનાવવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
બહુચરાજીમાં ભાજપનું ગણિત ઉંધું
મહેસાણા જિલ્લાની બહુચરાજી તાલુકા પંચાયતમાં પણ સમાન સ્થિતિ છે. ભાજપે 13 બેઠકો જીતવા છતાં અનુસૂચિત જાતિ માટે અનામત પ્રમુખપદને કારણે કોંગ્રેસના ઉમેદવારને આગળ વધારવો પડે તેવી પરિસ્થિતિ છે. બહુચરાજી તાલુકા પંચાયતમાં 13 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મેળવનાર ભાજપને 3 બેઠક જીતનાર કોંગ્રેસને પ્રમુખ પદ આપવું પડશે. બહુચરાજી તાલુકા પંચાયતની શંખલપુર બેઠક ઉપર અનુસૂચિત જાતિના હિતેષ મકવાણા કોંગ્રેસના ઉમેદવાર તરીકે જીત્યા છે. તેથી કુલ 16 બેઠકોમાંથી 13 બેઠકો મેળવનાર ભાજપે કોંગ્રેસના ઉમેદવારને પ્રમુખપદ સોંપવું પડશે. સ્પષ્ટ બહુમતી મેળવનાર ભાજપનું રાજકીય ગણિત પ્રમુખપદ મામલે ઉંધુ પડ્યું છે.
નેત્રંગમાં જોડતોડની રાજનીતિ
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકા પંચાયતમાં કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી નથી. આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સંખ્યાબળનું તણાવભર્યું સમીકરણ સર્જાયું છે. જેના કારણે રાજકીય જોડાણો અને વ્યૂહરચનાઓ તેજ બની છે. આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા 8 તાલુકા પંચાયતના સભ્યોને અજ્ઞાત સ્થળે લઈ જવાયા છે. કુલ 16 સભ્યોની નેત્રંગ તાલુકા પંચાયતમાં બહુમતી માટે 9 સભ્યોની જરૂરીયાત છે. આમ આદમી પાર્ટીના 8, ભાજપના 7 અને કોંગ્રેસના 1 ઉમેદવાર જીત્યા છે.
તાલાલા અને જૂનાગઢ તાલુકા પંચાયતમાં ટક્કર
ગીર સોમનાથના તાલાલા તાલુકા પંચાયતમાં ભાજપને સત્તા માટે એક સભ્યની જરૂર છે. જ્યારે કોંગ્રેસના સભ્યો નિર્ણાયક બની રહ્યા છે. જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપ અને આમ આદમી પાર્ટી બંનેએ સમાન બેઠકો જીતતા ટાઈની સ્થિતિ સર્જાઈ છે. તાલાલા તાલુકા પંચાયતમાં કોંગ્રેસના સભ્ય તરીકે ચૂંટાયેલા રોહિત વાજાને લાખોની ઓફરો આપવામાં આવી રહી છે. તાલાલા તાલુકા પંચાયતની 18 બેઠકોમાંથી ભાજપ 9, આમ આદમી પાર્ટી 7 અને કોંગ્રેસ 2 બેઠકો જીતી છે. ભાજપને સત્તા મેળવવા માટે એક સભ્યની જરૂર છે. તેવા સમયે કોંગ્રેસના ઉમેદવાર હુકમના એક્કો સાબિત થનાર છે.
જૂનાગઢ તાલુકા પંચાયતના પરિણામોએ રસપ્રદ ચિત્ર ઊભું કર્યું છે. કુલ 18 બેઠકોમાંથી ભાજપ અને આમ આદમી પાર્ટી બંનેએ 9-9 બેઠકો જીતતા ટાઈની સ્થિતિ સર્જાઈ છે. પરિણામ બાદ હવે પ્રમુખપદ કઈ પાર્ટીના ફાળે જશે તે મુદ્દે ચર્ચાઓ થઈ રહી છે. હાલમાં તાલુકા પંચાયતના પ્રમુખપદને લઈને રાજકીય વર્તુળોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
ગીર સોમનાથના કોડીનાર અને ખેડાના વસોમાં કિંગમેકર
કોડીનાર તાલુકા પંચાયતમાં કોઈ પક્ષને બહુમતી નથી મળતા અપક્ષ ઉમેદવાર કિંગમેકર બની ગયા છે. વસો તાલુકા પંચાયતમાં પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સત્તા માટે કડક સ્પર્ધા જોવા મળી રહી છે.
ગીર સોમનાથ જિલ્લાની કોડીનાર તાલુકા પંચાયતમાં કોંગ્રેસના 12 બેઠક, ભાજપના 11 અને એક અપક્ષ ઉમેદવાર જીત્યા છે. કોઇ પક્ષને સ્પષ્ટ બહુમતી ના મળતા હવે સત્તા માટે ખેંચતાણ શરૂ થઇ છે. તાલુકા પંચાયતમાં સત્તા મેળવવા જરૂરી 13 બેઠકના આંકડાથી કોંગ્રેસ માત્ર એક બેઠક દૂર છે. જ્યારે ભાજપને સત્તા મેળવવા માટે હજુ બે સભ્યોની જરૂર છે. તેવામાં અપક્ષ ઉમેદવાર કિંગ મેકરની ભૂમિકામાં આવી ગયો છે. બંને પક્ષો પોત પોતાના પક્ષમાં સંખ્યાબળ વધારવા માટે સતત વ્યૂહરચના બનાવી રહ્યા છે.
ખેડા જિલ્લાની વસો તાલુકા પંચાયતમાં કુલ 16 બેઠકોમાંથી ભાજપે 8 બેઠકો અને કોંગ્રેસ 7 બેઠકો જીતી છે. 1 બેઠક અન્ય પક્ષના ઉમેદવારે જીતી છે. તેથી વસો તાલુકા પંચાયતમાં સત્તા મેળવવા ભાજપને એક અને કોંગ્રેસને બે સભ્યોની જરૂર છે. બંને પક્ષોના ઉમેદવારોને અજ્ઞાત સ્થળે રાખી એકબીજાના સભ્યો તોડવાની રણનીતિ ઘડવામાં આવી રહી છે.
વલભીપુરમાં અપક્ષોનો દબદબો
વલભીપુર તાલુકા પંચાયતમાં અપક્ષ ઉમેદવારોનું પ્રભુત્વ જોવા મળ્યું છે. અહીં મુખ્ય પક્ષોને બહુમતી ન મળતાં નવી રાજકીય દિશા જોવા મળી રહી છે. વલભીપુર તાલુકા પંચાયતના મતદારોએ ચોંકાવનારૂ પરિણામ આપ્યું છે. વલભીપુર તાલુકા પંચાયતમાં કોઇપણ પક્ષને બહુમતી મળી નથી. વલભીપુર તાલુકા પંચાયતની 16 બેઠક પૈકી ભાજપ 6 બેઠક જીત્યું છે. જ્યારે 10 અપક્ષ ઉમેદવારો જીત્યા છે.

અનામતના મુદ્દે ભાજપ સામે નવો રાજકીય પડકાર ઊભો થયો છે. ઉચ્ચ જાતિના સંગઠનો અનામત સુધારણાની માંગ કરી રહ્યા છે, જ્યારે વિપક્ષ OBC, દલિત અને સામાજિક ન્યાયના મુદ્દે BJPને ઘેરી રહ્યો છે.

સુરતના નાનપુરા-લક્કડકોટમાં ₹3.90 કરોડની નવી ફિશ માર્કેટના નામકરણને લઈને વિવાદ થયો છે. ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ના બોર્ડ સામે સ્થાનિક વિરોધ, મનપાની મંજૂરી અને વેપારી એસોસિએશનના દાવા વચ્ચે ચર્ચા તેજ બની છે.

તમિલનાડુમાં હિન્દી વિરોધી આંદોલનનો ઇતિહાસ જાણો. 1937, 1965 અને 1986ના આંદોલનથી DMK, તમિલ અસ્મિતા અને NEP 2020 સુધીની સંપૂર્ણ કહાની.