Jammu Kashmir Politics: જમ્મુ-કાશ્મીરના રાજકારણમાં ઓમર અબ્દુલ્લા સરકારના મંત્રીમંડળ વિસ્તરણ બાદ નેશનલ કોન્ફરન્સ (NC)ની અંદર અસંતોષ ખુલ્લેઆમ સામે આવતો દેખાઈ રહ્યો છે. 27 ઓક્ટોબરે થયેલા મંત્રીમંડળના ફેરબદલના ગણતરીના દિવસોમાં જ 18 ધારાસભ્યોની બંધબારણે બેઠક યોજાતાં રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. આ બેઠકને પક્ષમાં ઊભા થયેલા અસંતોષ અને નેતૃત્વ સમક્ષ પોતાની વાત રજૂ કરવાની સંગઠિત કોશિશ તરીકે જોવામાં આવી રહી છે.
કુલ 18 ધારાસભ્યો હાજર રહ્યા
શ્રીનગરમાં લોલાબના ધારાસભ્ય કૈસર જમશેદ લોનના નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં 17 નેશનલ કોન્ફરન્સના ધારાસભ્યો અને સરકારને ટેકો આપતા એક અપક્ષ ધારાસભ્ય સહિત કુલ 18 ધારાસભ્યો હાજર રહ્યા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. જોકે, બેઠકમાં હાજર રહેલા એક વરિષ્ઠ ધારાસભ્યએ તેને માત્ર 'ફ્રેન્ડલી લંચ' ગણાવી રાજકીય મહત્વનો ઇનકાર કર્યો હતો. બીજી તરફ, બેઠકમાં થયેલી ચર્ચાઓ અને તૈયાર કરાયેલા મેમોરેન્ડમને કારણે પક્ષની આંતરિક સ્થિતિ ચર્ચાનો વિષય બની છે.
ઓમર અબ્દુલ્લાના મંત્રીમંડળ ફેરબદલ બાદ કેમ વધી નારાજગી?
27 ઓક્ટોબરે ઓમર અબ્દુલ્લા સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. આ ફેરબદલમાં નેશનલ કોન્ફરન્સના ચાર ધારાસભ્યો અલી મોહમ્મદ સાગર, મીર સૈફુલ્લાહ, શમીમા ફિરદોસ અને અલ્તાફ અહેમદ વાનીને મંત્રી તરીકે સામેલ કરવામાં આવ્યા હતા. બીજી તરફ, અપક્ષ ધારાસભ્ય સતીશ શર્માને મંત્રીમંડળમાંથી દૂર કરવામાં આવ્યા હતા. મંત્રીમંડળની રચના અને કેટલાક વરિષ્ઠ ધારાસભ્યોને સ્થાન ન મળવાથી પક્ષના એક વર્ગમાં નારાજગી હોવાના અહેવાલો સામે આવ્યા છે. ખાસ કરીને મંત્રીપદની અપેક્ષા રાખતા ધારાસભ્યો અને સંગઠનમાં પોતાની ભૂમિકા અંગે અસંતોષ ધરાવતા નેતાઓએ બેઠકમાં મુદ્દાઓ ઉઠાવ્યા હોવાનું સૂત્રોને ટાંકીને અહેવાલોમાં જણાવાયું છે.
18 ધારાસભ્યોની બેઠકમાં શું થયું?
શ્રીનગરમાં યોજાયેલી બેઠકમાં નઝીર અહમદ ગુરેઝી, મુબારક ગુલ, હસનૈન મસૂદી, હિલાલ અકબર લોન, સજ્જાદ શફી, મુઝફ્ફર ઇકબાલ ખાન, અબ્દુલ મજીદ લાર્મી સહિતના ધારાસભ્યો હાજર રહ્યા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. બેઠકમાં મંત્રીમંડળની રચના, પક્ષની આંતરિક કામગીરી અને ધારાસભ્યોની ફરિયાદો અંગે ચર્ચા થઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ધારાસભ્યોએ પક્ષ છોડવાનો કે નેશનલ કોન્ફરન્સમાં વિભાજન કરવાનો કોઈ પ્રયાસ ન કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે, અસંતોષ હોવા છતાં ધારાસભ્યો પક્ષની અંદર રહીને જ નેતૃત્વ સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરવા માગે છે.
ચાર સભ્યોનું પ્રતિનિધિમંડળ પક્ષના નેતૃત્વને મળશે
બેઠકમાં ધારાસભ્યોની ફરિયાદો અને માંગણીઓ રજૂ કરવા માટે પ્રતિનિધિમંડળ રચવાની ચર્ચા થઈ હતી. આ પ્રતિનિધિમંડળ નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લા અને મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા સમક્ષ મેમોરેન્ડમ રજૂ કરશે. અહેવાલો અનુસાર, ધારાસભ્યો મંત્રીમંડળમાં ફેરફાર, મંત્રીઓની કામગીરીની સમીક્ષા અને પક્ષના સંગઠનાત્મક નિર્ણયો લેવાની પ્રક્રિયામાં વધુ પારદર્શિતાની માંગ કરી રહ્યા છે. બે વર્ષથી વધુ સમયથી મંત્રીપદ સંભાળતા નેતાઓને બદલીને નવા ચહેરાઓને તક આપવાની માંગ પણ ચર્ચામાં હોવાનું સૂત્રોને ટાંકીને જણાવાયું છે.
મુખ્યમંત્રીના સલાહકારની ભૂમિકા અંગે પણ નારાજગી?
ધારાસભ્યોની નારાજગીનો એક મુદ્દો મુખ્યમંત્રીના નજીકના સલાહકારોની કથિત દખલગીરી પણ હોવાનું અહેવાલોમાં સામે આવ્યું છે. કેટલાક ધારાસભ્યોનો આરોપ છે કે પક્ષના સંગઠનાત્મક નિર્ણયોમાં બિનજરૂરી દખલગીરી થાય છે અને તેના કારણે પક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિઓની વાતને પૂરતું મહત્વ મળતું નથી.
નેશનલ કોન્ફરન્સ સામે હવે સૌથી મોટો સવાલ શું?
જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સની સરકાર માટે મંત્રીમંડળ વિસ્તરણ બાદ ઊભો થયેલો આંતરિક અસંતોષ એક મહત્વપૂર્ણ રાજકીય પડકાર બની શકે છે. ધારાસભ્યોએ પક્ષ છોડવાનો ઇનકાર કર્યો હોવા છતાં, તેમની માંગણીઓ અને નેતૃત્વનો પ્રતિભાવ આગામી રાજકીય દિશા નક્કી કરશે. હવે સૌની નજર ફારૂક અબ્દુલ્લા અને ઓમર અબ્દુલ્લા પર છે. શું પક્ષનું નેતૃત્વ ધારાસભ્યોની માંગણીઓ સ્વીકારી મંત્રીમંડળમાં ફરી ફેરફાર કરશે? કે પછી નારાજ ધારાસભ્યોને સમજાવીને મામલો થાળે પાડશે? આગામી દિવસોમાં નેશનલ કોન્ફરન્સની અંદરની આ રાજકીય ખેંચતાણ જમ્મુ-કાશ્મીરના રાજકારણમાં ચર્ચાનું કેન્દ્ર બની શકે છે.