બિહાર રાજકારણમાં મોટો વળાંક
રાજીનામા પહેલા નીતિશ કુમાર ભાવુક, 20 વર્ષના શાસનને યાદ કર્યું

રાજીનામા પહેલા નીતિશ કુમાર ભાવુક

રાજીનામા પહેલા નીતિશ કુમાર ભાવુક
બિહારના રાજકારણમાં આજે એક મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળી રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમાર આજે પોતાના પદેથી રાજીનામું આપી શકે છે તેવી રાજકીય ચર્ચાઓ વચ્ચે તેમણે પોતાના કાર્યકાળની અંતિમ કેબિનેટ બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન વાતાવરણ ભાવુક બની ગયું હતું અને નીતિશ કુમાર પોતે પણ ભાવુક દેખાયા હતા.
કેબિનેટ બેઠકમાં નીતિશ કુમારે વર્ષ 2005થી લઈને આજ સુધી બિહારના વિકાસ માટે કરેલા કાર્યોને યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે, “જ્યારથી હું સત્તામાં આવ્યો ત્યારથી લઈને અત્યાર સુધી મારી શક્તિ મુજબ મેં બિહાર માટે કામ કર્યું છે. રાજ્યના વિકાસ માટે દરેક શક્ય પ્રયાસ કર્યો છે.” તેમના આ શબ્દો સાંભળીને બેઠકમાં હાજર અન્ય મંત્રીઓ અને અધિકારીઓ પણ ભાવુક બની ગયા હતા.
આ અંતિમ બેઠકમાં નીતિશ કુમારે નવી બનનારી સરકારને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું કે, રાજ્યના વિકાસના કાર્યો અટકવા જોઈએ નહીં અને બિહાર પ્રગતિના માર્ગ પર સતત આગળ વધતું રહેવું જોઈએ. સાથે જ તેમણે ખાતરી આપી હતી કે ભવિષ્યમાં જો નવી સરકારને માર્ગદર્શનની જરૂર પડશે તો તેઓ હંમેશા મદદ માટે તૈયાર રહેશે.
કેબિનેટ બેઠક બાદ રાજકીય વર્તુળોમાં ગમગીની છવાઈ ગઈ હતી. જેડીયુ અને ભાજપના નેતાઓએ નીતિશ કુમારના યોગદાનની પ્રશંસા કરી હતી. મંત્રી લેશી સિંહે જણાવ્યું હતું કે, “તેમના જેવો વડીલ સમાન નેતા બિહારને ફરી નહીં મળે.” જ્યારે ભાજપના ધારાસભ્ય લાખેન્દ્ર કુમારે પણ કહ્યું હતું કે, “નીતીશજી ભલે રાજીનામું આપે, પરંતુ તેઓ હંમેશા અમારા માર્ગદર્શક રહેશે.”
નીતીશ કુમારની રાજકીય સફર પણ અત્યંત રસપ્રદ અને પ્રેરણાદાયક રહી છે. વર્ષ 1974માં જયપ્રકાશ નારાયણના આંદોલનથી તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ 1985માં પહેલીવાર બિહાર વિધાનસભામાં ચૂંટાઈ આવ્યા અને પછી 1989માં લોકસભા સુધીનો સફર કર્યો.
1990ના દાયકામાં તેમણે લાલુ પ્રસાદ યાદવ સાથે મતભેદોને કારણે અલગ રસ્તો અપનાવ્યો અને જ્યોર્જ ફર્નાન્ડિસ સાથે સમતા પાર્ટીની સ્થાપના કરી. 1998થી 2004 દરમિયાન તેઓ અટલ બિહારી વાજપેયીની સરકારમાં રેલવે મંત્રી અને કૃષિ મંત્રી તરીકે મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી હતી.
3 માર્ચ, 2000ના રોજ તેઓ પહેલીવાર બિહારના મુખ્યમંત્રી બન્યા હતા, જોકે બહુમતીના અભાવે તેમને માત્ર 7 દિવસમાં રાજીનામું આપવું પડ્યું હતું. ત્યારબાદ 2005માં ભાજપ સાથે ગઠબંધન કરીને તેમણે ફરી સત્તા મેળવી અને બિહારમાં વિકાસના નવા અધ્યાયની શરૂઆત કરી.
2010માં તેઓ ભારે બહુમતી સાથે ફરી સત્તામાં આવ્યા. ત્યારબાદ રાજકીય સમીકરણોમાં અનેક ફેરફારો આવ્યા. ક્યારે ભાજપ સાથે, તો ક્યારે આરજેડી સાથે ગઠબંધન કરીને તેમણે સત્તા સંભાળી. 2020 અને ત્યારબાદના વર્ષોમાં પણ તેઓ સતત રાજકીય કેન્દ્રમાં રહ્યા.
2025ની વિધાનસભા ચૂંટણીમાં પણ નીતિશ કુમારે પોતાની પકડ જાળવી રાખીને દસમી વખત મુખ્યમંત્રી બનીને ઈતિહાસ રચ્યો હતો. હવે તેમના સંભવિત રાજીનામા સાથે બિહારના રાજકારણમાં નવા અધ્યાયની શરૂઆત થવાની સંભાવના છે.
આ સમગ્ર ઘટનાક્રમને કારણે બિહારમાં રાજકીય હલચલ તેજ બની ગઈ છે અને આગામી દિવસોમાં રાજ્યની રાજનીતિમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અંકિતા ભંડારીના માતા-પિતા વહેલી સવારે અટકાયત બાદ મલ્લિકાર્જુન ખડગેનો મોદી સરકાર પર આકરો પ્રહાર... તો બીજી તરફ દુષ્યંત ગૌતમની સિક્કિમ રાજ્યપાલ તરીકેની નિમણૂક પર કોંગ્રેસના સવાલો!

રાજકોટના રાજવી પેલેસમાં તલવાર રાસ નિહાળ્યા બાદ પૂર્વ શિક્ષણ મંત્રીએ દિલ્હી અને રાજકોટના યુવાનો વચ્ચે સરખામણી કરી.

સૌરવ દાસ અને આશુતોષ રંકાની ધરપકડ પર રાહુલ ગાંધીના સવાલો, દિલ્હી પોલીસનો અલગ દાવો અને SIRનો મુદ્દો