સૌરાષ્ટ્રમાં ભાજપ અને AAP વચ્ચે મોરે-મોરો!
રાજકોટમાં આમ આદમી પાર્ટીની જાહેર સભા બાદ ભાજપના નેતાઓ સક્રિય થતાં રાજકીય ગરમાવો
વિસાવદરવાળી કરવાના ઈટાલિયાના દાવા સામે કાનગડનો વળતો પ્રહાર ‘ભાજપ 2027માં 156 રિપિટ કરશે’
વિસાવદરવાળી કરવાના ઈટાલિયાના દાવા સામે કાનગડનો વળતો પ્રહાર ‘ભાજપ 2027માં 156 રિપિટ કરશે’
રાજકોટમાં AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાની જાહેર સભાથી રાજકારણ ગરમાયું છે. ગોપાલ ઈટાલિયાએ રાજકોટ મનપામાં વિસાવદરવાળી કરવાના દાવા સામે રાજકોટ પૂર્વના ધારાસભ્ય ઉદય કાનગડે વળતો પ્રહાર કરીને કહ્યું કે, “ભાજપ પણ 2027માં 156 વાળી રિપીટ કરશે, જાતિવાદથી લોકોને ઉશ્કેરવા સહેલા છે. વર્ષ 2022મા પણ મારી બેઠક પર આમ આદમી પાર્ટી જાતિવાદનો પ્રયોગ કરી ચૂકી છે. પરંતુ તેઓ સફળ નહીં થાય.
રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકમાં રાજકીય ગરમાવો આવ્યો છે. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાની સભાથી ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે મોરે-મોરો શરૂ થયો છે. ગોપાલ ઈટાલિયાએ રાજકોટ મનપામાં વિસાવદરવાળી કરવાનો દાવો કર્યો છે. જ્યારે રાજકોટ પૂર્વમાં પણ રિપીટ થશે તેવો દાવો કરતાં રાજકોટ પૂર્વના ભાજપના ધારાસભ્ય ઉદય કાનગડે વળતો પ્રહાર કરતાં બંને પક્ષોના નેતાઓના નિવેદનોથી રાજકીય માહોલ વધુ ગરમાયો છે.
રાજકોટમાં AAPની જાહેરસભામાં એક વ્યક્તિએ વિરોધ કરતાં ઇટાલિયાએ ભાજપની વ્યક્તિ ગણાવ્યા હતા. તેની સામે ભાજપના ધારાસભ્ય કાનગડે આક્ષેપ કર્યો કે AAP રીલ અને સ્ટોરી બનાવવામાં માસ્ટર લોકો છે. પોતે જ આવા લોકોને ઊભા રાખીને સ્ટંટ કરતા હોય છે. ચૂંટણી પહેલાં આવા લોકો દેખાય છે અને ચૂંટણી પત્યા પછી લોકોને ક્યાય દેખાતા પણ નથી. ભાજપમાં અચાનક સક્રિય થયેલા પૂર્વ ધારાસભ્ય અરવિંદ રૈયાણી બાબતે પૂછવામાં આવતાં કાનગડે બધા મીડિયાના વિષયો હશે એમ કહી રૈયાણીને ભાજપના કાર્યકર્તા ગણાવ્યા હતા.
ગોપાલ ઇટાલિયાની જાહેરસભામાં એક યુવાન પંજાબમાં AAPની સરકાર હોવા છતાં ખરાબ રસ્તાને લઈ પ્રશ્ન પૂછવા ઊભો થતાં ગોપાલ ઇટાલિયાએ વળતાં જવાબમાં કહ્યું કે, ભાજપ 5 હજાર આપી લોકોને તેમની સભામાં પ્રશ્નો પૂછવા મોકલે છે. હું તમને 10 હજાર આપું... હિંમત હોય તો સી. આર. પાટીલ કે હર્ષ સંઘવીને પ્રશ્નો પૂછીને બતાવો. સવાલ ઉઠાવનાર યુવાનને ઈટાલિયાએ વિરોધી જૂથનો ગણાવતાં કહ્યું, લોકોને ગુજરાતમાં પડેલા ખાડા નથી દેખાતાં અને 5 હજાર કિલોમીટર દૂર પંજાબના ખાડા દેખાય છે. અહીંની સરકારને સવાલ પૂછવાની કોઈ હિંમત નહીં કરી શકે. હિંમત કરશે તો પોલીસ દંડા મારી જેલમાં પૂરી દેશે.
રાજકોટ પૂર્વના ભાજપના ધારાસભ્ય ઉદય કાનગડે જણાવ્યું કે લોકશાહીમાં આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે NCP હોય, તેઓ પોતાના વિચારો વ્યક્ત કરતા હોય છે. ઇલેક્શન આવતું હોય તેના ત્રણ-ચાર મહિના પહેલાં આ પ્રકારના લોકોની મૂવમેન્ટ વધી જતી હોય છે. ચૂંટણી પહેલાં આ લોકો આવે છે અને ચૂંટણી પત્યા પછી તેઓ ક્યાં હોય છે તેની લોકોને ખબર પણ હોતી નથી. અમે 24 કલાક લોકોની વચ્ચે રહીએ છીએ.
ભાજપના પૂર્વ ધારાસભ્ય અરવિંદ રૈયાણી ફરી સક્રિય થયા છે તે અંગે પૂછતાં કાનગડે જણાવ્યું કે, આ બધા મીડિયાના વિષય હશે. પરંતુ અમારા માટે તેઓ ભારતીય જનતા પક્ષના કાર્યકર્તા હતા, છે અને રહેવાના છે અને પરિવારની ભાવના સાથે એક વિચારને વરીને કામ કરવા વાળા અમે લોકો છીએ. અમારા માટે કોઈ હોદ્દો કે પદ કરતા રાષ્ટ્ર પ્રથમ છે. લોકોની સેવા કરવી એ જ અમારા સંસ્કાર છે તેનાથી વધારે વિશેષ કંઈ મારે કહેવું નથી.
ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, ભાજપની સામે ન પડાય, ભાજપની સામે ન બોલાય, એવું કહેતા, પણ બધા એવા ન હોય. મારી માએ મને સવા કિલો સૂંઠ ખાઈને જન્મ આપ્યો છે, ભાજપ આવે કે ભાજપનો બાપ આવે, ગોપાલ ઈટાલિયા ડરતો નથી. ભાજપ સરકારમાં દમ નથી કે એ અમારો અવાજ દબાવી શકે. નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. આટલાં વર્ષોથી આપણે આટલું બધું સહન કરતા આવીએ છીએ. આટલું બધું કેમ સહન કરો છો, એ મારે તમને બધાને પૂછવું છે. 20 વર્ષ પહેલાં તમે જે ભાજપના નેતાને મત આપ્યો હતો એ નેતા અને નેતાના છોકરા ક્યાં પહોંચ્યા, તમે જુઓ અને તમે આજે 20 વર્ષે ક્યાં છો અને તમારા છોકરા ક્યાં છે. જુઓ એ નેતાના દીકરા ફોરેન ભણવા જતા રહ્યા અને વિદેશમાં સેટ થઇ ગયા. તમારા છોકરાને ભણવા માટે રાજકોટમાં સારી એક સરકારી શાળા પણ નથી.
ઈટાલિયાએ ઉમેર્યું કે, ભાજપના નેતાઓ સક્રિય થયા અંગેની વાતને કેન્દ્ર રાખી કહ્યું હતું કે વિસાવદરની જનતાએ ગુજરાતને એક નવો રસ્તો બતાવવાનું કામ કર્યું છે. જૂના ભંગારમાં કશું નથી, આપણે બધા ભેગા મળી નવી પાર્ટી, નવી ટીમ, નવું માળખું, નવું લક્ષ મળતું હોય તો જૂનું મોડલ શું કામ લેવું જોઈએ. જૂનું ભંગારમાં આપી દો, નવું લઇ લો, વિસાવદરથી રસ્તો ખૂલ્યો છે. તમારા બધા માટે જૂનામાં પડવા જેવું છે જ નહીં.
ભાજપના જૂથવાદનો લાભ લેવા AAPની તૈયારી
રાજકોટ પૂર્વ વિસ્તારમાં ભાજપનો આંતરિક જૂથવાદ હોવાનું અને કોંગ્રેસના કમિટેડ વોટર તોડવા માટે આમ આદમી પાર્ટીએ લાભ ઉઠાવવા ઝંપલાવ્યું હોય એવું લાગી રહ્યું છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં પૂર્વ વિસ્તારમાંથી આપના રાહુલ ભૂવા ચૂંટણી લડ્યા હતા અને તેમને 35 હજારથી વધુ મત મળ્યા હતા, જ્યારે ગત મનપાની ચૂંટણીમાં પણ આપને 18 ટકા વોટ રાજકોટમાં મળ્યા હતા. ગોપાલ ઈટાલિયાએ છેલ્લાં બે મહિના દરમિયાન રાજકોટમાં ત્રીજી મુલાકાત કરીને છે, તેના કારણે ભાજપના નેતાઓમાં દોડધામ મચી છે.
રાજકોટ ભાજપના નેતાઓમાં દોડધામ
વિસાવદરની બેઠક જીત્યા બાદ આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાએ રાજકોટમાં ભાજપના ગઢમાં જાહેરસભાનું આયોજન કરતાં ભાજપના નેતાઓમાં દોડધામ મચી ગઈ છે. જાહેરસભા કરીને લેઉવા પટેલના મતદારોને આપ સાથે જોડવાની ગતિવિધિ હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે. રાજકોટ પૂર્વ વિધાનસભા વિસ્તાર સંવેદનશીલ ઉપરાંત લેઉવા પટેલનો ગઢ ગણાય છે. ભૂતકાળમાં પૂર્વ બેઠક પર કોંગ્રેસના ઈન્દ્રનિલ રાજ્યગુરુએ ભાજપના કશ્યપ શુકલને વિધાનસભા ચૂંટણીમાં હરાવ્યા હતા. બાદમાં ભાજપે ફરીથી જીતીને બેઠક કબજે કરી લીધી છે. હાલમાં ઉદય કાનગડ ઓબીસી સમાજમાંથી આવે છે. તેઓ ઉપલા કાંઠાના મજબૂત નેતા માનવામાં આવે છે.

અનામતના મુદ્દે ભાજપ સામે નવો રાજકીય પડકાર ઊભો થયો છે. ઉચ્ચ જાતિના સંગઠનો અનામત સુધારણાની માંગ કરી રહ્યા છે, જ્યારે વિપક્ષ OBC, દલિત અને સામાજિક ન્યાયના મુદ્દે BJPને ઘેરી રહ્યો છે.

સુરતના નાનપુરા-લક્કડકોટમાં ₹3.90 કરોડની નવી ફિશ માર્કેટના નામકરણને લઈને વિવાદ થયો છે. ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ના બોર્ડ સામે સ્થાનિક વિરોધ, મનપાની મંજૂરી અને વેપારી એસોસિએશનના દાવા વચ્ચે ચર્ચા તેજ બની છે.

તમિલનાડુમાં હિન્દી વિરોધી આંદોલનનો ઇતિહાસ જાણો. 1937, 1965 અને 1986ના આંદોલનથી DMK, તમિલ અસ્મિતા અને NEP 2020 સુધીની સંપૂર્ણ કહાની.