મહેસાણા અર્બન બેન્ક ચૂંટણીઃ BJP V/S BJPનો જંગ!
ચોરાસી વિરૂદ્ધ ચોરાસીના ચૂંટણી જંગમાં સમાજના આગેવાન થવા નેતાઓ નીકળ્યા
8 બેઠકોના 26 ઉમેદવારો માટે 3 ઓગસ્ટે મતદાન, સામસામા આક્ષેપોને પગલે રાજકારણ ગરમાયું
8 બેઠકોના 26 ઉમેદવારો માટે 3 ઓગસ્ટે મતદાન, સામસામા આક્ષેપોને પગલે રાજકારણ ગરમાયું
મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેન્કની ચૂંટણી અંતર્ગત 3 ઓગસ્ટના રોજ મતદાન છે. બેન્કના નિયામક મંડળની 8 બેઠકો માટે 26 ઉમેદવારો મેદાનમાં છે. અર્બન બેન્કની ચૂંટણીમાં ભાજપ વિરૂદ્ધ ભાજપ અને ચોરાસી વિરૂદ્ધ ચોરાસી કડવા પાટીદાર સમાજના આગેવાનો વચ્ચે જંગ ખેલાયો છે. ચોરાસી કડવા પાટીદાર સમાજના પ્રમુખ કે.કે.પટેલ, પૂર્વ ઉદ્યોગ મંત્રી ખોડાભાઈ પટેલ, ડો.અનિલ પટેલ, પૂર્વ ચેરમેન જી.કે.પટેલ સહિતના ડિરેક્ટરોની બે ટર્મ પૂર્ણ થતાં રાજીનામા આપવાથી 8 બેઠકો માટે પેટા ચૂંટણી યોજાઈ રહી છે.
મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેન્કના 8 ડિરેક્ટરો માટે 69 ફોર્મ ભરાયા હતા. જેમાં મહેસાણા ભાજપના ધારાસભ્ય મુકેશ પટેલ સહિત 42 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા 26 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. 3 ઓગષ્ટના રોજ મતદાન અને 4 ઓગષ્ટના રોજ મત ગણતરી કરવામાં આવશે. જો કે, 1.09 લાખ સભાસદો કઈ પેનલને મતદાન કરે છે તેના ઉપર સૌ કોઈની મીટ મંડાઈ છે.
વિમલ ગૃપના ચંદુ પટેલની વિકાસ પેનલ, ડી.એમ.પટેલની વિશ્વાસ પેનલ અને ભાવેશ પટેલની પ્રજાનો અવાજ પેનલ વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. વિમલ ગૃપના ચંદુ પટેલના પૌત્ર કાર્તિક પટેલ, ડી.એમ.પટેલ, પૂર્વ સાંસદ શારદાબેન પટેલ અને પૂર્વ મંત્રી અનિલ પટેલના પુત્ર એપોલો ગૃપના આનંદ પટેલ સહિતના નેતાઓ વચ્ચે સીધો જંગ જામ્યો છે.
એક હજાર કરોડના આક્ષેપથી ખળભળાટ
અર્બન બેંક ચૂંટણીના પ્રચાર દરમિયાન વિકાસ અને વિશ્વાસ પેનલના ઉમેદવારોએ એકબીજા પર ગંભીર આક્ષેપો કર્યા છે. આ ચૂંટણીમાં પ્રથમ વખત NPAનો મુદ્દો ઉછળ્યો છે. વિશ્વાસ પેનલના ડી.એમ.પટેલે વર્તમાન ચેરમેન જી.કે.પટેલ અને સસ્પેન્ડેડ સીઈઓ વિનોદ પટેલ સામે ગંભીર આક્ષેપ કર્યા છે. તેમણે જણાવ્યુ કે, અર્બન બેન્કમાં ₹1000 કરોડનું કૌભાંડ આચરાયુ છે.
વિનોદ પટેલ (સસ્પેન્ડેડ સીઈઓ) અને જી.કે.પટેલ (વર્તમાન ચેરમેન) અને અન્ય બે સાગરિતો દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું છે. ખોટી કંપની બનાવી નોમિનલ મોર્ગેજ સામે મોટા ધિરાણ આપ્યા છે. આ ધિરાણ હવે NPA (નોન-પર્ફોર્મિંગ એસેટ્સ) બન્યા છે. લાગતા-વળગતા લોકોને ધિરાણ આપીને તેનાથી જમીનો ખરીદવામાં આવી છે. ધિરાણના પૈસે ખરીદ કરેલી જમીનોની એક યાદી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.
અર્બન બેંકમાં ગેરરીતિના કારણે RBIએ ડિરેક્ટર મૂકવાની ફરજ પડી
મહેસાણા અર્બન બેંકમાં ખોટી કંપનીઓ બનાવી નોમિનલ મોર્ગેજ સામે કરોડો રૂપિયાના ધિરાણ આપ્યા હોવાની રિઝર્વ બેન્કમાં ફરિયાદ થઈ હતી. કરોડો રૂપિયાના ધિરાણો હવે NPA (નોન-પર્ફોર્મિંગ એસેટ્સ) બન્યા છે. રિઝર્વ બેંકના મોનિટરિંગ દરમિયાન ગેરરીતિઓ ધ્યાને આવતાં RBIએ અર્બન બેંકને પેનલ્ટી ફટકારી પોતાનો ડિરેક્ટર મૂકવાની ફરજ પડી છે. રિઝર્વ બેંકે વર્ષ 2018 માં 1 કરોડ અને વર્ષ 2019માં 5 કરોડની પેનલ્ટી પણ ફટકારી હતી.
84 કડવા પાટીદાર સમાજવાદનો મુદ્દો ઉછળ્યો
વિશ્વાસ પેનલના ડી.એમ.પટેલની ઓડિયો ક્લીપ વાયરલ થઈ છે. માત્ર ચોરાસી સમાજના લોકોને સભ્ય બનાવવા ઓડિયો ક્લીપમાં કહી રહ્યા છે. અન્ય કોલર સાથેની વાતચીત દરમિયાન ચોરાસી સમાજના લોકોને જ સભ્ય બનાવવાના હોવાની તેઓ વાત કરી રહ્યા છે. ચોરાસી સમાજના લોકોને જ સભાસદ બનાવવાનું કામ ચાલી રહ્યું હોય તેવો સંવાદ સામે આવ્યો છે. તેના કારણે અર્બન બેંકની ચૂંટણીમાં સમાજવાદનો મુદ્દો ઉછળ્યો છે.
ચૂંટણી સમરસ કરાવવામાં બે મંત્રીઓ નિષ્ફળ
મહેસાણા અર્બન બેંકની ચૂંટણી અગાઉ ભાજપ સરકારના બે મંત્રીઓએ ડી.એમ.પટેલ અને જી.કે.પટેલના ગૃપો સાથે બેઠક કરી હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ બંને જૂથના નેતાઓ સાથે બેઠક કરી હતી. બેઠકમાં બંને જૂથોના દાવાઓ સાંભળ્યા બાદ તેમને મનાવવામાં બંને નેતાઓ નિષ્ફળ ગયા હતા. તેથી બેંકની ચૂંટણી સમરસ થઈ શકી નહોતી. આ ચૂંટણીમાં ભાજપ વિરૂદ્ધ ભાજપનો જંગ હોવાથી તેની અસર અન્ય સહકારી સંસ્થાઓ ઉપર થવાની સંભાવના છે.
અર્બન બેંકમાં ચોરાસી કડવા પાટીદાર સમાજનું વર્ચસ્વ
મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેન્કની સ્થાપનાથી ચોરાસી કડવા પાટીદાર સમાજના આગેવાનોનું વર્ચસ્વ રહ્યું છે. અત્યાર સુધીની મોટાભાગની પેનલોમાં ચોરાસી સમાજના આગેવાનોએ જ નેતૃત્વ કર્યુ છે. મહેસાણાના રાજકારણમાં પણ ચોરાસી સમાજનો દબદબો છે. મહેસાણાના સાંસદ હરી પટેલ, પ્રદેશ મહામંત્રી રજની પટેલ, મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલ, પૂર્વ સાંસદ જયશ્રીબેન પટેલ, વિમલ ગૃપના ચંદુ પટેલ, વિશ્વાસ પેનલના ડી.એમ.પટેલ સહિત ભાજપના અનેક નેતાઓ ચોરાસી કડવા પાટીદાર સમાજમાંથી આવે છે.
પ્રદેશ મહામંત્રી રજની પટેલે સ્પષ્ટતા કરવી પડી
પ્રદેશ ભાજપ મહામંત્રી રજની પટેલ ચોરાસી કડવા પાટીદાર સમાજના અગ્રણી નેતા છે. તેમના નામે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ હતી. તેઓ વિકાસ પેનલને સમર્થન કરતાં હોવાની પોસ્ટ વાયરલ થતાં રજની પટેલે સ્પષ્ટતા કરવાની ફરજ પડી હતી. તેઓ કોઈપણ પેનલના સમર્થમાં નહી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરીને સ્પષ્ટતા કરી હતી. કોઈપણ પેનલને સમર્થન કરે તો ભવિષ્યમાં તેમની રાજકીય કારકિર્દીને અસર થાય તેમ હોવાથી સ્પષ્ટતા કરવાની ફરજ પડી હતી.

અનામતના મુદ્દે ભાજપ સામે નવો રાજકીય પડકાર ઊભો થયો છે. ઉચ્ચ જાતિના સંગઠનો અનામત સુધારણાની માંગ કરી રહ્યા છે, જ્યારે વિપક્ષ OBC, દલિત અને સામાજિક ન્યાયના મુદ્દે BJPને ઘેરી રહ્યો છે.

સુરતના નાનપુરા-લક્કડકોટમાં ₹3.90 કરોડની નવી ફિશ માર્કેટના નામકરણને લઈને વિવાદ થયો છે. ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ના બોર્ડ સામે સ્થાનિક વિરોધ, મનપાની મંજૂરી અને વેપારી એસોસિએશનના દાવા વચ્ચે ચર્ચા તેજ બની છે.

તમિલનાડુમાં હિન્દી વિરોધી આંદોલનનો ઇતિહાસ જાણો. 1937, 1965 અને 1986ના આંદોલનથી DMK, તમિલ અસ્મિતા અને NEP 2020 સુધીની સંપૂર્ણ કહાની.