AAPમાં આંતરિક વિવાદ અને રાજીનામાથી ખળભળાટ
AAPના સહ પ્રભારી હિતુભા રાઠોડે પક્ષને ગુંડાઓ અને અમીરોની પાર્ટી ગણાવી રાજીનામું આપ્યું

મોરબીમાં AAPની પરિવર્તન સભામાં હોબાળો કરી હિતુભા રાઠોડે પક્ષની પોલ ખોલતાં ખળભળાટ

મોરબીમાં AAPની પરિવર્તન સભામાં હોબાળો કરી હિતુભા રાઠોડે પક્ષની પોલ ખોલતાં ખળભળાટ
સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થાય તે પહેલાં રાજકીય પક્ષોએ પ્રચાર ઝુંબેશ તેજ બનાવી છે. કોંગ્રેસે જન આક્રોશ યાત્રા કાઢીને તેમજ આમ આદમી પાર્ટીએ પરિવર્તન સભાઓ કરીને પ્રચાર શરૂ કર્યો છે. તેવામાં આમ આદમી પાર્ટીમાં ડખાઓ શરૂ થયા છે.
મોરબીમાં યોજાયેલી પરિવર્તન સભામાં પક્ષના સહ પ્રભારી હિતુભા રાઠોડે હોબાળો કરીને આમ આદમી પાર્ટીમાં ભાજપ કરતાં વધુ ભ્રષ્ટાચાર હોવાનો આક્ષેપ કર્યો હતો. ત્યારબાદ પક્ષમાંથી રાજીનામુ ધરી દેતાં AAP પાર્ટી માટે રાજકીય પડકાર ઉભો થયો છે.
મોરબીના રવાપર રોડ પર બાપા સીતારામ ચોકમાં આમ આદમી પાર્ટી દ્વારા પરિવર્તન સભા યોજાઈ હતી. પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપસ્થિતિમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો હતો તેવામાં પક્ષના સહ-પ્રભારીએ ગંભીર આક્ષેપો સાથે રાજીનામું આપતાં ખળભળાટ મચી ગયો છે.
પરિવર્તન સભામાં રાજકીય ડ્રામા સર્જાયો હતો. ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવી મંચ પરથી પરિવર્તનની વાતો કરી રહ્યા હતા. તેવામાં પક્ષના સહ-પ્રભારી હિતુભા રાઠોડે આમ આદમી પાર્ટીને 'ગુંડાઓ અને અમીરોની પાર્ટી' ગણાવી રાજીનામું ધરી દીધું હતું.
સહ-પ્રભારી હિતુભા રાઠોડે પોતાના પક્ષની પોલ ખોલતાં આક્ષેપ કર્યો હતો કે, આમ આદમી પાર્ટીમાં ભાજપ કરતાં પણ વધુ ભ્રષ્ટાચાર ચાલે છે. અહીં નાના કાર્યકરોની કોઈ કિંમત નથી. તેમણે લોકોને અપીલ કરતાં કહ્યું હતું કે, કોઈએ આ પાર્ટીમાં જોડાવું નહીં. કારણ કે આ માત્ર અમીરોની પાર્ટી છે, ગરીબોની નહીં.
તેમને સભાના સ્ટેજ સુધી જવા ન દેવાતાં રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે ગોપાલ ઇટાલિયાનાં જૂનાં નિવેદનોને ટાંકીને જણાવ્યું કે જે પક્ષ પોલીસને ‘ટોમી’ ગણે છે અને પટ્ટા ગળામાં પહેરાવવાની વાત કરે છે. જો તેની સરકાર આવશે તો દિલ્હીથી ગુંડાઓ લાવીને ગુજરાતમાં ગુંડારાજ ચલાવશે. આ તાનાશાહી સહન ન થતાં તેમણે પક્ષ સાથે છેડો ફાડી નાખ્યો હોવાનું કહ્યું હતું.
મોરબીની પરિવર્તન સભાના સ્થળની બહાર પણ ચોંકાવનારાં દ્રશ્યો જોવા મળ્યાં હતાં. એક તરફ પક્ષ પરિવર્તનના દાવા કરતો હતો ત્યારે રસ્તા પર આમ આદમી પાર્ટીના ખેસ રઝળતા જોવા મળ્યા હતા. પક્ષના આંતરિક ડખાને કારણે સભાનો મૂળ ઉદ્દેશ બાજુ પર રહી ગયો હતો અને ચારેબાજુ રાજીનામાં અને આક્ષેપોની ચર્ચા જોવા મળી હતી.
મંચ પરથી ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ભાજપ સરકાર પર નિશાન સાધતાં કહ્યું હતું કે, ભાજપના ધારાસભ્યોનાં કામ અધિકારીઓ કરતા નથી. જો વેપારીઓ અને કારખાનેદારો દબાયેલા રહેશે તો પરિવર્તન નિશ્ચિત છે. જો કે પક્ષની અંદર જ ઊઠેલા બળવાએ ઇટાલિયાના દાવાઓ સામે મોટાં સવાલો ઊભાં કર્યાં છે.
મોરબીમાં AAPએ ભાજપ સરકાર સામે શક્તિ પ્રદર્શન તો કર્યું હતું. પરંતુ તેમના જ પક્ષના સહ પ્રભારીએ આંતરિક અસંતોષ અને ગંભીર આક્ષેપો કરી રાજીનામુ આપતાં આમ આદમી પાર્ટી માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પડકારજનક સાબિત થઈ શકે તેમ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

એક તરફ વિકાસના દાવા, તો બીજી તરફ ખેડૂતો પર દેવાનો મોટો બોજ! અહેવાલ મુજબ, ગુજરાતના ખેડૂતો પર રૂ.1,05,097 કરોડની પાક લોન અને રૂ.63,363 કરોડની ટર્મ લોન બાકી છે.

અંબાજીથી નર્મદા સુધીના આદિવાસી પટ્ટામાં સરકારની અચાનક સક્રિયતા પાછળ શું છે? વર્ષોથી પડતર પ્રશ્નો, આંદોલનો અને સાગબારાના જંગલ વિવાદ વચ્ચે હવે શું થશે?

અંકિતા ભંડારીના માતા-પિતા વહેલી સવારે અટકાયત બાદ મલ્લિકાર્જુન ખડગેનો મોદી સરકાર પર આકરો પ્રહાર... તો બીજી તરફ દુષ્યંત ગૌતમની સિક્કિમ રાજ્યપાલ તરીકેની નિમણૂક પર કોંગ્રેસના સવાલો!