કોંગ્રેસમાં આંતરિક વિખવાદઃ મેવાણી-પટેલ સામસામે
પાટણમાં વિવાદિત નિવેદન બાદ કોંગ્રેસના બે ધારાસભ્યો સામસામે આવ્યા, રાજકારણમાં ભારે ગરમાવો

કિરીટ પટેલ અને જીજ્ઞેશ મેવાણીની ફાઈલ તસવીર

કિરીટ પટેલ અને જીજ્ઞેશ મેવાણીની ફાઈલ તસવીર
વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના વિવાદિત નિવેદનથી પાટણ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. વીર મેઘમાયા સાતમની ઉજવણીના પ્રસંગે પાટણ આવેલાં વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ પર આડકતરી રીતે નિશાન સાધીને મેવાણીએ ખુલ્લેઆમ પડકાર ફેંક્યો છે. નામ લીધા વિના જીજ્ઞેશ મેવાણીએ કહ્યું કે, હિતેન્દ્ર પીઠડિયાને મારવાનો ફાંકો હોય તો કાઢી નાંખજો. તારા જેવા ચણાનું ફુદુ એ પણ નહીં આવે
વીર મેઘમાયા સાતમ નિમિત્તે પાટણમાં રેલી યોજવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના જિજ્ઞેશ મેવાણી અને હિતેન્દ્ર પીઠડિયા સહિતના અનુસૂચિત જાતિના આગેવાનો જોડાયા હતા. આ ઉજવણી ચર્ચાનો વિષય બની છે. તાજેતરમાં અનુસૂચિત જાતિના મહિલા પ્રમુખ જયાબેન શાહે એક વીડિયો વાયરલ કર્યો હતો. જેમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે હિતેન્દ્ર પીઠડીયાને મારવાની વાત કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. આ મુદ્દે મૌન તોડતા જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું કે, જે પણ માણસને મનમાં ફાંકો હોય કે હિતેન્દ્ર પીઠડીયાને પાટણની ધરતી પર મારીશું. તે ફાંકો કાઢી નાંખે. અમે ગુજરાતની સરકારને ઉંચી-નીચી કરનારા માણસો છીએ, તારા જેવા ચણાનું ફુદું એ નહીં આવે. જિજ્ઞેશ મેવાણીએ ઉમેર્યું કે, જો આટલો જ ફાંકો હોય તો જ્યાં સરદાર પટેલનું નામ બદલ્યું ત્યાં જઈને પોતાની તાકાત બતાવે.
વીર માયા સ્મારક ખાતે જિજ્ઞેશ મેવાણીએ કહ્યું હતું કે, કોઈ રાજકીય પક્ષનો માણસ હિતેન્દ્ર પીઠડીયાને મારવાની વાત કરે તો પાટણ અને ગુજરાતના 50 લાખ દલિતોએ ચૂપ રહેવાનું છે. આ મુદ્દે જડબાતોડ જવાબ આપીશું. હું જે દિવસે આહવાન કરું તે દિવસે બધાએ મોટી સંખ્યામાં બહાર આવવાનું છે. મારી પાર્ટીનો હોય કે સામેવાળી પાર્ટીનો હોય કે ત્રીજી કોઈ પાર્ટીનો હોય. આત્મસન્માન માટે અમે કોઈ દિવસ સમાધાન કરતા નથી.
તેમણે ઉમેર્યું કે, કોઈના મનમાં ફાંકો હોય તો તમારા જેવી ચૌદશોનો ફાંકો કાઢવા જિજ્ઞેશ મેવાણીનો જન્મ થયો છે. મારા ભાઈ હિતેન્દ્ર પીઠડિયાનું નામ ફરીવાર લેતા વિચારજો. હું એ જ જિજ્ઞેશ મેવાણી છું. જેણે ભાનુભાઈ વણકરના બલિદાન વખતે આખી ગુજરાત સરકારને દોડતી કરી હતી. તારો તો ચણો ય નહીં આવે. જિજ્ઞેશ મેવાણીના વિવાદિત નિવેદનથી પાટણ કોગ્રેસનું રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના બે ધારાસભ્યો સામસામે આવી જતાં કોગ્રેસનો આંતરિક વિખવાદ બહાર આવ્યો છે. .
પાટીદાર નેતા દિનેશ બાંભણિયા અને વરૂણ પટેલે કિરીટ પટેલના સમર્થનમાં પોસ્ટ કરી છે. દિનેશ બાંભણીયાએ કહ્યું કે, કિરીટ પટેલ એક ખૂબ જ મજબુત સામાજિક અને સરકાર સામે લડતા આગેવાન અને અમારા જ સાથી છે. પોતાના અસ્તિત્વ માટે લડાઈ કરતા નેતાનો સામાજિક વર્ગ વિગ્રહ કરવાનો પ્રયાસ ક્યારેય સફળ નહીં થાય. અહમમાં મર્યાદા ના ભૂલશો. તમામ સમાજના લોકો કિરીટ પટેલની દરેક સ્થિતિમાં સાથે છે.
જિજ્ઞેશ મેવાણીના વિવાદિત નિવેદન પહેલાં અનુસૂચિત જાતિ વિભાગના નવનિયુક્ત પ્રમુખ જયાબેન શાહે ધારાસભ્ય કિરીટ પટેલ સામે મોરચો ખોલી સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કર્યો હતો. જેમાં તેમણે દાવો કર્યો કે, નવી બોડીની નિમણૂક અને મીટિંગમાં હાજર રહેવા બાબતે ધારાસભ્યએ સહકાર આપવાનો સાફ ઈન્કાર કર્યો હતો. ધારાસભ્ય કિરીટ પટેલે કોંગ્રેસના હાઈકમાન્ડ અને ટોચના નેતાઓને 'ફૂટેલી તોપ' ગણાવી અપમાન કર્યું. કિરીટ પટેલે કોંગ્રેસ નેતા હિતેન્દ્ર પીઠડીયાને પણ 'ફૂટેલી તોપ' કહી તેમને માર મારવાનું જણાવ્યું હોવાનો વીડિયોમાં આક્ષેપ કર્યો. વીડિયોમાં જયાબેને કહ્યું કે, જો હિતેન્દ્ર પીઠડીયા પર કોઈ હુમલો થશે તો તેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસન અને કિરીટ પટેલની રહેશે.
શું છે સમગ્ર મામલો?
પાટણ જિલ્લા કોંગ્રેસમાં અનુસૂચિત જાતિ (SC) વિભાગના પ્રમુખ તરીકે જયાબેન શાહની વરણી કરવામાં આવી છે. પૂર્વ પ્રમુખ હસમુખ સક્સેનાએ રિપિટ કરવાની માગ સાથે 20 દિવસ પહેલાં કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો હતો. આ સમયે જીજ્ઞેશ મેવાણી અને હિતેન્દ્ર પીઠડિયા વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. જે તે સમયે હસમુખ સક્સેનાએ જણાવ્યું હતું કે, જિગ્નેશ મેવાણી અને હિતેન્દ્ર પીઠડિયા પાટણ જિલ્લા પર પોતાનો કબજો જમાવવા માંગે છે. સમગ્ર ગુજરાતમાં અનુસૂચિત જાતિને પોતાના વશમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. એ કોઈ કારણે થવા નહી દઈએ.
હસમુખ સક્સેનાનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ નવી વરણીમાં રિપિટ નહી કરાતા વિરોધ ઉભો થયો છે. હસમુખ સક્સેનાના કાર્યકાળ દરમિયાન કોંગ્રેસની પકડ SC મતદારોમાં મજબૂત બની હતી. જિલ્લાના વર્તમાન અને પૂર્વ ધારાસભ્યો સહિત લગભગ 250 આગેવાને તેમને ફરીથી પ્રમુખ બનાવવાની ભલામણ કરી હતી. જેને પક્ષ દ્વારા અવગણવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો છે.

સુરતના નાનપુરા-લક્કડકોટમાં ₹3.90 કરોડની નવી ફિશ માર્કેટના નામકરણને લઈને વિવાદ થયો છે. ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ના બોર્ડ સામે સ્થાનિક વિરોધ, મનપાની મંજૂરી અને વેપારી એસોસિએશનના દાવા વચ્ચે ચર્ચા તેજ બની છે.

તમિલનાડુમાં હિન્દી વિરોધી આંદોલનનો ઇતિહાસ જાણો. 1937, 1965 અને 1986ના આંદોલનથી DMK, તમિલ અસ્મિતા અને NEP 2020 સુધીની સંપૂર્ણ કહાની.

મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા વિવાદ ફરી ગરમાયો છે. 1960થી 2026 સુધી મરાઠી અસ્મિતા, શિવસેના, MNS, સ્થાનિક રોજગાર, પરપ્રાંતીયો અને હિન્દી વિરોધની સંપૂર્ણ રાજકીય કહાની જાણો.