ઉમરેઠ પેટા ચૂંટણીમાં ઉમેદવારોનું ભાવિ EVM માં સીલ
5 વાગ્યા સુધીમાં 54.43 ટકા નિરસ મતદાન, ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ બન્યો

ભાજપના ઉમેદવાર હર્ષદ પરમાર અને કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણની તસવીર

ભાજપના ઉમેદવાર હર્ષદ પરમાર અને કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણની તસવીર
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સાથે ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીનો જંગ ખેલાયો છે. ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી અંતર્ગત ગુરૂવારે (23 એપ્રિલ) મતદાન થયું હતું. બપોરે 5 વાગ્યા સુધીમાં 54.43 ટકા મતદાન નોંધાયું હતું. ગરમીના કારણે મતદાન નિરસ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. આ બેઠક ઉપર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે 6 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થઈ ગયું છે. 4 મે ના રોજ મત ગણતરી કરવામાં આવશે.
ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં ઉમરેઠ તાલુકો અને આણંદ ગ્રામ્ય વિસ્તારના મળીને 46 ગામોનો સમાવેશ થાય છે. જ્યારે ત્રણ નગરપાલિકાઓ ઓડ, ઉમરેઠ અને બોરીયાવીનો પણ સમાવેશ થાય છે. પેટાચૂંટણીમાં 6 હરીફ ઉમેદવારો મેદાને છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર છે.
ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી અંતર્ગત સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. સવારે 9 વાગ્યા સુધીમાં 7 ટકા મતદાન નોંધાયું હતું. ત્યારબાદ બપોરે 11 વાગ્યા સુધીમાં 25 ટકા મતદાન થયું હતું. જ્યારે 1 વાગ્યા સુધીમા 37.14 ટકા મતદાન નોંધાયું હતું. 3 વાગ્યા સુધીમાં 46.66 અને 5 વાગ્યા સુધીમાં 54.43 ટકા મતદાન નોંધાયું હતું. મતદાન મથકો પર અસહ્ય ગરમીની અસર જોવા મળી હતી. બપોરે ગરમીના કારણે મતદાન કેન્દ્રોમાં મતદારોની સંખ્યા નહિવત જોવા મળી હતી.
2.45 લાખ મતદારો ઉમેદવારોનું ભાવિ ઘડશે
આ બેઠક ઉપર 18 થી 19 વર્ષની વય ધરાવતા 4,174 યુવા મતદારો છે. જ્યારે 85 વર્ષ કરતા વધુ વયના સુપર સિનિયર સિટીઝન 1,556 મતદારો છે. આ ઉપરાંત 1,546 જેટલા દિવ્યાંગ મતદારો પણ છે. 85 વર્ષથી વધુ વયના 88 અને 13 દિવ્યાંગ મતદારો ઘરેથી મતદાન કરી ચુક્યા છે. ઉમરેઠ બેઠકની પેટા ચૂંટણીમાં 1,26,545 પુરુષ મતદારો, 1,19,072 મહિલા મતદારો અને અન્ય 06 મતદારો મળીને કુલ 2,45,623 મતદારો નોંધાયા છે.
શહેરી 68 અને ગ્રામ્ય 238 મળી 306 મતદાન મથકો
ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં શહેરી વિસ્તારમાં 68 મતદાન મથકો અને ગ્રામ્ય વિસ્તારમાં 238 મળી કુલ 306 મતદાન મથકો છે. મતદાનની સમગ્ર પ્રક્રિયામાં 1348 મતદાન સ્ટાફ, 22 માઇક્રો ઓબ્ઝર્વર અને 19 જિલ્લા કક્ષાના નોડલ અધિકારીઓ સહિત અંદાજે 1500 કર્મચારીઓ તૈનાત કરાયા હતા.
ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ
ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન થતાં પેટાચૂંટણી યોજાઈ રહી છે. ભાજપે ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ પરમારને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે ભૃગુરાજસિંહ ચૌહાણને મેદાનમાં ઉતાર્યા છે. આ બેઠક પર છેલ્લી બે ટર્મથી ભાજપનો કબજો રહ્યો છે.
ઐતિહાસિક રીતે આ બેઠક ભાજપ અને કોંગ્રેસ સિવાય એનસીપી પાસે પણ રહી ચૂકી છે. ભાજપ માટે પોતાનો દબદબો ટકાવી રાખવા પેટા ચૂંટણીમાં જીતવું અનિવાર્ય છે. જ્યારે આણંદ જિલ્લો કોંગ્રેસનો ગઢ હોવાથી તેમજ પ્રદેશ પ્રમુખનો વિસ્તાર હોવાથી બેઠક આંચકી લેવા કોંગ્રેસે પણ મહેનત કરી છે.
રાજકીય પંડિતોનું માનવું છે કે, ઉમરેઠ બેઠક પર પાટીદાર, ક્ષત્રિય અને ઓબીસી મતદારો નિર્ણાયક ભૂમિકામાં છે. અહીં પટેલ અને ઓબીસી મતદારો સિવાય ખેડાવળ બ્રાહ્મણ અને વૈષ્ણવોનું પણ પ્રભુત્વ છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના પરિવારનું પણ અહીંયા જોર છે. વિસાવદર અને કડીની પેટા ચૂંટણીમાં ભાજપે કડી બેઠક પર જીત મેળવી હતી. વિસાવદરમાં આમ આદમી પાર્ટીએ બાજી મારી હતી. તેથી ઉમરેઠ બેઠક પણ પ્રતિષ્ઠાનો જંગ બની છે.
પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પરમારને વિવાદ નડશે?
ઉમરેઠ બેઠક 2022ની ચૂંટણી પછી અનેક વિવાદમાં રહી છે. વર્ષ 2023માં ઉંઢેલા કાંડમાં ધારાસભ્ય ગોવિંદ પરમારનું નામ ઊછળ્યું હતું. આ ઉપરાંત લોકલ નાઇટ મૅચમાં ચિખોદરામાં થયેલી કોમી હિંસામાં પણ ગોવિંદ પરમારના ભાણેજ અને અન્ય સગાંનાં નામ ઊછળ્યાં હતાં. તેના કારણે લઘુમતી સમાજમાં રોષની લાગણી છે.આ પેટાચૂંટણીમાં એન્ટી-ઇન્કમબન્સી એક ફેક્ટર છે કે નહીં એ પણ નક્કી થશે. જોકે, આ બેઠક પર લઘુમતી સમુદાય નિર્ણાયક મતદારો નથી.
ઉમરેઠ બેઠકનો ઈતિહાસ
ઉમરેઠ બેઠક પર કોંગ્રેસનો દબદબો રહ્યો છે. 1972માં કોંગ્રેસના ઉદેસિંહ વડોદિયા જીત્યા એ પછી અહીં ખંભોળજા પરિવારનો દબદબો રહ્યો હતો. 1975 અને 1980માં કોંગ્રેસની ટિકિટ પર હરિહર ખંભોળજા અને 1985માં કુસુમબહેન ખંભોળજા જીત્યાં હતાં. 1990માં આ બેઠક પર જનતાદળના સુભાષ શેલતની જીત થઈ હતી. ત્યારબાદ બે ચૂંટણીઓમાં સુભાષ શેલત કોંગ્રેસ તરફથી લડ્યા હતા અને 1995 અને 1998માં તેમણે જીત મેળવી હતી. વર્ષ 2002માં પ્રથમ વખત ભાજપે આ બેઠક પર જીત મેળવી હતી. ભાજપના ઉમેદવાર વિષ્ણુ પટેલ જીત્યા હતા.
2007માં ફરીથી આ બેઠક કોંગ્રેસ પાસે ગઈ હતી અને લાલસિંહ વડોદિયાએ જીત મેળવી હતી. 2012માં એનસીપીના જયંત પટેલ બોસ્કીએ આ બેઠક પર જીત મેળવી હતી. 2017 અને 2022માં આ બેઠક ભાજપે જીતી હતી. છેલ્લી બે ટર્મથી ભાજપના ગોવિંદ પરમાર ધારાસભ્ય હતા. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ગોવિંદ પરમારે આ બેઠક પર 26,717 મતે જીત મેળવી હતી. કોંગ્રેસે ગઠબંધન હેઠળ અહીં 2022માં ચૂંટણી લડી નહોતી અને એનસીપીના જયંત પટેલ બોસ્કી બીજા નંબરે રહ્યા હતા. ભાજપના ગોવિંદ પરમારને કુલ 95,639 મત તથા એનસીપીના જયંત પટેલ બોસ્કીને 68,922 મત મળ્યા હતા.

અનામતના મુદ્દે ભાજપ સામે નવો રાજકીય પડકાર ઊભો થયો છે. ઉચ્ચ જાતિના સંગઠનો અનામત સુધારણાની માંગ કરી રહ્યા છે, જ્યારે વિપક્ષ OBC, દલિત અને સામાજિક ન્યાયના મુદ્દે BJPને ઘેરી રહ્યો છે.

સુરતના નાનપુરા-લક્કડકોટમાં ₹3.90 કરોડની નવી ફિશ માર્કેટના નામકરણને લઈને વિવાદ થયો છે. ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ના બોર્ડ સામે સ્થાનિક વિરોધ, મનપાની મંજૂરી અને વેપારી એસોસિએશનના દાવા વચ્ચે ચર્ચા તેજ બની છે.

તમિલનાડુમાં હિન્દી વિરોધી આંદોલનનો ઇતિહાસ જાણો. 1937, 1965 અને 1986ના આંદોલનથી DMK, તમિલ અસ્મિતા અને NEP 2020 સુધીની સંપૂર્ણ કહાની.