સ્થાનિક સ્વરાજ્યમાં ભાજપનો વોટ શેર 6.46 ટકા વધ્યો
ભાજપે મહાનગરોમાં પોતાનો ગઢ સાચવી રાખ્યો, બીજા સ્થાન માટે કોંગ્રેસ અને AAP વચ્ચે સ્પર્ધા

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણી-2026 ના વોટશેર આંકડાઓ રાજકીય દિશા બદલાતી હોવાના સંકેત આપી રહ્યા છે. આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે, ભાજપે મોટા શહેરોમાં પોતાની મજબૂત પકડ યથાવત રાખી છે. જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે બીજું સ્થાન મેળવવા માટે સ્પર્ધા જોવા મળી રહી છે.
ગુજરાતનું રાજકારણ હવે બદલાઈ રહ્યું છે. ભાજપે રાજ્યભરમાં 50 ટકા કરતાં વધુ વોટશેર જાળવી રાખીને પોતાનું પ્રભુત્વ સાબિત કર્યું છે. કોંગ્રેસ હજુ પણ મુખ્ય વિરોધ પક્ષ તરીકે ટકી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં તેનો આધાર મજબૂત છે. આમ આદમી પાર્ટી શહેરોથી બહાર આવીને ગામડાઓમાં પોતાનો આધાર વધારી રહી છે.
શહેરી મતદારોએ ભાજપ પર મજબૂત વિશ્વાસ દર્શાવ્યો છે. મહાનગરપાલિકાઓમાં ભાજપે 59.36 ટકા વોટ શેર સાથે પ્રચંડ જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસને 26.46 ટકા વોટ મળ્યા છે. મહાનગરપાલિકાઓમાં આમ આદમી પાર્ટીએ 10.27 ટકા વોટ મેળવીને શહેરી રાજકારણમાં હાજરી મજબૂત કરી છે.
વર્ષ 2021ની ચૂંટણીની વાત કરીએ તો તે સમયે ભાજપનો વોટ શેર 52.90 ટકા હતો. જે વર્ષ 2026માં 6.46 ટકા વધીને 59.36 ટકા થયો છે. જ્યારે કોંગ્રેસનો વોટ શેર 26.75 ટકા હતો તે આંશિક ઘટીને 26.46 ટકા થયો છે. સૌથી મોટો ફટકો આમ આદમી પાર્ટીને પડ્યો છે. AAPનો વોટ શેર 2021માં મહાનગરોમાં 13.91 ટકા હતો તે 3.46 ટકા ઘટીને 10.27 ટકા થઈ ગયો છે.
જ્યારે ગામડાઓમાં રાજકીય ચિત્ર ઉલટું જોવા મળ્યું છે. જિલ્લા અને તાલુકા પંચાયતોમાં આમ આદમી પાર્ટીએ સારો દેખાવ કર્યો છે. જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટીનો વોટ શેર 2.89 ટકા વધીને 12.04 ટકા થયો છે. તાલુકા પંચાયતમાં AAPનો વોટ શેર વર્ષ 2021માં 10.11 ટકા હતો તે 2.56 ટકા વધીને 12.67 ટકા થયો છે. જ્યારે ગામડાઓના મતદારોએ ભાજપ અને કોંગ્રેસ બંનેને ઝટકો આપ્યો છે. કોંગ્રેસનો વોટ શેર જિલ્લા પંચાયતમાં 5.18 ટકા અને તાલુકા પંચાયતમાં 5.14 ટકા ઘટ્યો છે. ત્રીજા પક્ષ તરીકે AAPની એન્ટ્રીના કારણે કોંગ્રેસના પરંપરાગત મતોમાં ગાબડું પડ્યું છે.
જો કે, નાના શહેરો એટલે કે નગરપાલિકાઓમાં કોંગ્રેસ માટે સારા સમાચાર છે. જ્યાં કોંગ્રેસનો વોટ શેર 1.7 ટકા વધીને 30.68 ટકા થયો છે. નાના શહેરોમાં સૌથી ચોંકાવનારું પ્રદર્શન અપક્ષોનું રહ્યું છે. વર્ષ 2021માં અપક્ષો માત્ર 1.19 ટકા વોટ શેર ધરાવતાં હતા. વર્ષ 2026માં વોટ શેર વધારીને 9.33 ટકા મતો મેળવવામાં સફળ રહ્યા છે. મુખ્ય પક્ષો દ્વારા ટિકિટ વહેંચણીમાં થયેલા વિવાદોના કારણે જનતાએ અપક્ષ ઉમેદવારો પર પસંદગી ઉતારી હોય તેવું લાગી રહ્યું છે.
વર્ષ 2026ની ચૂંટણીની સમીક્ષા કરીએ તો મહાનગરપાલિકાઓ સિવાયના વિસ્તારોમાં શાસક પક્ષ ભાજપના વોટ શેરમાં આંશિક ઘટાડો નોંધાયો છે. જ્યારે કોંગ્રેસ માટે ગામડાઓમાં ' AAP' મોટો પડકાર બનીને ઉભર્યો છે. નગરપાલિકાઓમાં અપક્ષોનું વધેલું વર્ચસ્વ દરેક પક્ષો માટે લાલબત્તી સમાન છે.
નગરપાલિકાઓમાં ભાજપનો વોટશેર 52.51 ટકા થયો છે. કોંગ્રેસે 30.68 ટકા વોટ મેળવીને મહાનગરો કરતાં સારો દેખાવ કર્યો છે. નગરપાલિકામાં આમ આદમી પાર્ટીનો વોટશેર 04.89 ટકા રહ્યો છે. જો કે, નગરપાલિકાઓમાં અપક્ષ ઉમેદવારોએ 9.33 ટકા વોટ મેળવ્યા છે.
અપક્ષોના વોટશેર પરથી સ્પષ્ટ થયું છે કે, સ્થાનિક પ્રશ્નો મુદ્દે મતદારોએ અપક્ષો ઉપર ભરોસો મૂક્યો છે. ગુજરાતના ગામડાઓનું રાજકારણ હવે માત્ર બે પાર્ટી વચ્ચે સીમિત નથી રહ્યું. ત્રીજી પાર્ટીની હાજરી પણ નિર્ણાયક બની રહી છે. તમામ સંસ્થાઓમાં ભાજપે 50 ટકાથી વધુ વોટશેર જાળવી રાખી પકડ યથાવત રાખી છે. કોંગ્રેસ હજુ પણ મુખ્ય વિરોધપક્ષ તરીકે ટકી રહ્યો છે. શહેરો કરતાં ગામડાઓમાં કોંગ્રેસનો વોટશેર પ્રભાવી રહ્યો છે. આમ આદમી પાર્ટીએ પંચાયતોમાં 12 ટકાથી વધુ વોટ મેળવીને મોટા શહેરો બાદ નાના શહેરોની સાથે ગામડાઓમાં પગપેસારો કર્યો છે.
વર્ષ 2026ની ચૂંટણીમાં રાજકીય પક્ષોનો વોટશેર
મહાનગરપાલિકામાં વોટશેર
ભાજપ 59.36%, કોંગ્રેસ- 26.46%, AAP- 10.27%, અપક્ષ- 01.15%

નગરપાલિકામાં વોટશેર
ભાજપ- 52.51%, કોંગ્રેસ- 30.68%, AAP- 04.89%, અપક્ષ- 09.33%

જિલ્લા પંચાયતમાં વોટશેર
ભાજપ- 52.23%, કોંગ્રેસ- 33.07%, AAP- 12.04%, અપક્ષ- 01.34%

તાલુકા પંચાયતમાં વોટશેર
ભાજપ- 51.00%, કોંગ્રેસ- 32.89%, AAP- 12.67%, અપક્ષ- 03.03%

પાંચ વર્ષ દરમિયાન રાજકીય પક્ષોના વોટશેરની સ્થિતિ
સ્થાનિક સ્વરાજની સંસ્થા ભાજપ કોંગ્રેસ AAP અપક્ષ
મહાનગરપાલિકા વધ્યો(6.46%) ઘટ્યો(0.29%) ઘટ્યો(3.64%) આંશિક વધ્યો
જિલ્લા પંચાયત ઘટ્યો(0.65%) ઘટ્યો(5.18%) વધ્યો(9.15%) ઘટ્યો
તાલુકા પંચાયત ઘટ્યો(0.20%) ઘટ્યો(5.14%) વધ્યો(10.11%) વધ્યો
નગરપાલિકા સ્થિર(-0.01%) વધ્યો(1.7%) વધ્યો(0.75%) વધ્યો(8.14%)

અનામતના મુદ્દે ભાજપ સામે નવો રાજકીય પડકાર ઊભો થયો છે. ઉચ્ચ જાતિના સંગઠનો અનામત સુધારણાની માંગ કરી રહ્યા છે, જ્યારે વિપક્ષ OBC, દલિત અને સામાજિક ન્યાયના મુદ્દે BJPને ઘેરી રહ્યો છે.

સુરતના નાનપુરા-લક્કડકોટમાં ₹3.90 કરોડની નવી ફિશ માર્કેટના નામકરણને લઈને વિવાદ થયો છે. ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ના બોર્ડ સામે સ્થાનિક વિરોધ, મનપાની મંજૂરી અને વેપારી એસોસિએશનના દાવા વચ્ચે ચર્ચા તેજ બની છે.

તમિલનાડુમાં હિન્દી વિરોધી આંદોલનનો ઇતિહાસ જાણો. 1937, 1965 અને 1986ના આંદોલનથી DMK, તમિલ અસ્મિતા અને NEP 2020 સુધીની સંપૂર્ણ કહાની.