સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં ભાજપને મળ્યું સમર્થન
ગુજરાતમાં મનપાથી ગામડાં સુધી ભાજપનો દબદબો, કોંગ્રેસ સુધરી, AAPનો પ્રવેશ

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ આવી રહ્યાં હતા. તમામ મહાનગરપાલિકામાં ભાજપે સત્તા મેળવી છે. જ્યારે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓનાં મોટાભાગે ભાજપને જીત મળી છે. કેટલીક સંસ્થાઓમાં ચોંકાવનારા પરિણામ પણ જોવા મળ્યા છે.
બપોર સુધીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત 9981 બેઠકોમાંથી 6876 બેઠકોના પરિણામો જાહેર થયા હતા. જેમાં ભાજપને 5525, કોંગ્રેસને 1312, આપને 383 અને અપક્ષ કે અન્ય પક્ષોને 237 જેટલી બેઠકો મળી હતી.
શહેરી મતદારોએ ફરી ભાજપ પર વિશ્વાસ મૂક્યો છે. મ્ય વિસ્તારોમાં પણ ભાજપનો દબદબો રહ્યો છે.પરંતુ કેટલાક ઉલટફેર પણ થયા છે. દિગ્ગજોના ગઢ ધરાશાયી થયા છે અને દિગ્ગજ ઉમેદવારોને કારમી હાર પણ મળી છે.
ભાજપને મળ્યું જનસમર્થન
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં શહેર હોય કે ગામડું, મતદારોનો મોટો વિશ્વાસ ફરી ભાજપ તરફ વળ્યો છે. મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં મોટા ભાગની બેઠકો પર ભાજપે ભગવો લહેરાવ્યો છે. 15 મહાનગરપાલિકામાં ભાજપે સત્તા મેળવી છે. જ્યારે 34 જિલ્લા પંચાયતમાંથી 33 ઉપર કબજો કર્યો છે. 260 તાલુકા પંચાયતમાંથી 233 તાલુકા પંચાયતો ઉપર ભગવો લહેરાવ્યો છે. જ્યારે 84 નગરપાલિકામાંથી 76 નગરપાલિકામાં ભાજપે સત્તા હાંસલ કરી છે.
બપોર સુધીમાં જાહેર થયેલા પરિણામોમાં 15 મહાનગરપાલિકાની 1044 બેઠકોમાંથી ભાજપે 833, કોંગ્રેસે 77 અને અન્ય પક્ષોએ 12 બેઠકો મેળવી હતી. 84 નગરપાલિકાની 2624 બેઠકમાંથી ભાજપે 1906, કોંગ્રેસે 418 અને અન્ય પક્ષે 167 બેઠકો મેળવી હતી. 34 જિલ્લા પંચાયતોની 1090 બેઠકોમાંથી ભાજપે 756, કોંગ્રેસે 120 અને અન્ય પક્ષોએ 41 બેઠકો મેળવી હતી. જ્યારે 260 તાલુકા પંચાયતોની 5234 બેઠકોમાંથી ભાજપે 2914, કોંગ્રેસે 781 અને અન્ય પક્ષોએ 414 બેઠકો મેળવી હતી.
પોરબંદર, મોરબી અને નવસારી મહાનગરપાલિકામાં વિપક્ષના સૂપડાં સાફ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અપેક્ષા પ્રમાણે ભાજપ જીત મેળવી રહી છે. મહાનગરપાલિકાઓમાં ભાજપે ક્લીન સ્વીપ કર્યુ છે. પોરબંદર, મોરબી અને નવસારી મહાનગરપાલિકામાં ભાજપે વિપક્ષના સૂપડાં સાફ કરી દીધાં છે. ત્રણેય મનપામાં ભાજપની ભવ્ય જીત થઈ છે.
પોરબંદર મહાનગરપાલિકાના 13 વોર્ડની 52 બેઠકો પર ભાજપે તમામ બેઠકો કબજે કરી છે. આ બેઠક પર આપ, કોંગ્રેસ અને અન્ય અપક્ષ ઉમેદવારોએ હારનો સામનો કરવો પડ્યો છે. પોરબંદર મનપામાં તમામ સભ્યો ભાજપના રહેશે.
મોરબી મહાનગર પાલિકામાં પણ ભાજપે ક્લીન સ્વીપ કરી છે. મોરબી મહાનગર પાલિકાના 13 વોર્ડની 52 બેઠકો ભાજપે કબજે કરી છે. વિપક્ષને એકપણ બેઠક મળી નથી. ભાજપે મોરબી મનપાને પોતાનો ગઢ બનાવ્યો છે.
નવસારીમાં કેન્દ્રીય મંત્રી સીઆર પાટિલના ગઢમાં ભાજપે ભવ્ય જીત મેળવી છે. નવસારીમાં ભાજપે 52 બેઠકોમાંથી 50 બેઠકો કબજે કરી છે. જ્યારે કોંગ્રેસને માત્ર બે બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે.
ભાજપની ભવ્ય જીત વચ્ચે કેટલાક રાજકીય ઝટકા પણ લાગ્યા છે. જ્યાં જીત નિશ્ચિત માનાતી હતી. ત્યાં હાર થઈ છે અને વિરોધીઓ નબળા ગણાતા હતાં ત્યાં ચોંકાવનારી જીત મળી છે. બનાસકાંઠાની ભાભર નગરપાલિકામાં ભાજપે શાનદાર જીત નોંધાવી છે. એકમાત્ર કોંગ્રેસી સાંસદ ગેનીબહેન ઠાકોરના ગઢમાં કોંગ્રેસને મતદારોનો સાથ મળ્યો નહીં અને ભાજપે કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યા છે.
પૂર્વ IPS મનોજ નિનામાની કારમી હાર
અરવલ્લી જિલ્લાના ઓડ બેઠક પર ભાજપે પૂર્વ IPS અધિકારી મનોજ નિનામાને મેદાનમાં ઉતાર્યા હતા. રાજીનામું આપી રાજકારણમાં એન્ટ્રી કરનાર મનોજ નિનામાની પહેલી રાજકીય ઇનિંગ નિરાશાજનક રહી છે. ઓડ જિલ્લા પંચાયત બેઠક પર 2700 મતથી કારમી હાર મળી છે. કોંગ્રેસના સુરેશ નિનામાએ જીત મેળવી છે.
મોઢવાડિયાના વતનમાં આમ આદમી પાર્ટીની જીત
વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાના ગામ મોઢવાડામાં આમ આદમી પાર્ટીએ જીતનો ઝંડો લહેરાવ્યો છે. પોરબંદર તાલુકા પંચાયતની મોઢવાડા બેઠક પર AAP ઉમેદવાર શાંતિબેન મોઢવાડિયાએ વિજય મેળવ્યો છે. કેબિનેટ મંત્રીના ગામમાં વિરોધપક્ષની જીત ચર્ચાનો વિષય બની છે...
પક્ષપલટું ભૂપત ભાયાણી ઘરભેગા
જૂનાગઢ જિલ્લા પંચાયતની ભેંસાણ બેઠક પર ભાજપના ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીનો 1700 મતથી પરાજય થયો છે. આમ આદમી પાર્ટીના દિનેશ રૂપારેલિયાએ ભૂપત ભાયાણીને હરાવ્યા છે. વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી ભાજપમાં જોડાયા બાદ પહેલી ચૂંટણીમાં હારી ગયા છે.
ડભોઈ નગરપાલિકામાં કોંગ્રેસની જીત
વડોદરા જિલ્લાની ડભોઈ નગરપાલિકામાં ભાજપની હાર થઈ છે. મતદાન પહેલા ધારાસભ્ય શૈલેષ મહેતા વિવાદિત નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા હતા. હવે અહીં કોંગ્રેસે જીત મેળવી છે. ડભોઈ નગરપાલિકામાં કુલ 36 સીટોમાંથી કોંગ્રેસને 21 બેઠકો મળી છે. જ્યારે ભાજપને 15 બેઠકો મળી છે. ડભોઈના થુવાવીમાં ધારાસભ્ય શૈલેષ મહેતાએ મતદાન પહેલા વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે 13 તારીખે ડભોઈમાં બબાલ થઈ તેમાં કાર્યકરોને કંઈ થવા દીધું નહોતું. હવે ચૂંટણીના બે દિવસ બાકી છે. જે કરવું હોય તે બધી છૂટ હું બેઠો છું તમને કંઈ થવા દઈશ નહીં.
નર્મદા જિલ્લા પંચાયત અને પાંચ તાલુકા પંચાયત પર AAPનો કબજો
આમ આદમી પાર્ટીએ નર્મદા જિલ્લા પંચાયત અને પાંચ તાલુકા પંચાયત પર કબજો કર્યો છે. નર્મદા જિલ્લા પંચાયતની 22 બેઠકોમાંથી 15 બેઠકો ઉપર AAPના ઉમેદવારો જીત્યા છે. જ્યારે વાલીયા, ચીકદા, ગરુડેશ્વર, લાલપુર અને બગસરા તાલુકા પંચાયતમાં AAPની મોટી જીત થઈ છે.
ભાજપ, કોંગ્રેસ અને AAPના દિગ્ગજ નેતાઓની હાર
વડોદરામાં કોંગ્રેસના બાળુ સૂર્વે અને અમી રાવતની હાર
રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર RJ આભા પણ હારી ગયાં
સુરતમાં આમ આદમી પાર્ટીના મનોજ સોરઠિયાનો પરાજય
ઓડ જિલ્લા પંચાયતમાં પૂર્વ IPS મનોજ નિનામાની હાર
રાજકોટમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
લાઠી તાલુકાની ચાવંડ બેઠક પર માયા આહિરના પુત્રી સોનલબેન ડેરનો પરાજય
જૂનાગઢ જિલ્લા પંચાયતમાં પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીની હાર
સુરતના વિપક્ષના નેતા પાયલ સાકરિયાનો પરાજય
રાજકોટમાં કોંગ્રેસના નેતા વશરામ સાગઠિયાની પણ હાર

અનામતના મુદ્દે ભાજપ સામે નવો રાજકીય પડકાર ઊભો થયો છે. ઉચ્ચ જાતિના સંગઠનો અનામત સુધારણાની માંગ કરી રહ્યા છે, જ્યારે વિપક્ષ OBC, દલિત અને સામાજિક ન્યાયના મુદ્દે BJPને ઘેરી રહ્યો છે.

સુરતના નાનપુરા-લક્કડકોટમાં ₹3.90 કરોડની નવી ફિશ માર્કેટના નામકરણને લઈને વિવાદ થયો છે. ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ના બોર્ડ સામે સ્થાનિક વિરોધ, મનપાની મંજૂરી અને વેપારી એસોસિએશનના દાવા વચ્ચે ચર્ચા તેજ બની છે.

તમિલનાડુમાં હિન્દી વિરોધી આંદોલનનો ઇતિહાસ જાણો. 1937, 1965 અને 1986ના આંદોલનથી DMK, તમિલ અસ્મિતા અને NEP 2020 સુધીની સંપૂર્ણ કહાની.