અમૂલ ડેરીઃ ભાજપ વિરૂદ્ધ સહકાર પેનલનો જામશે જંગ?
ભાજપ ઉમેદવારોની પસંદગી કરશે, પણ ચિન્હ નહી આપેઃ અસંતુષ્ટો સહકાર પેનલ બનાવે તેવી શક્યતા
12 બેઠકો માટે 1210 મતદારો મતદાન કરશેઃ 20 ઓગષ્ટથી ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થશે
12 બેઠકો માટે 1210 મતદારો મતદાન કરશેઃ 20 ઓગષ્ટથી ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થશે
અમૂલ ડેરીની ચૂંટણી જાહેર કરાતાં રાજકીય ગરમાવો આવ્યો છે. અમૂલ ડેરીની ચૂંટણીમાં ભાજપ મેન્ડેટ આપશે, પરંતુ પક્ષનું નિશાન નહી આપવાનો નિર્ણય કરાયો છે. ભાજપ પ્રેરિત પેનલ સામે ભાજપ અને કોંગ્રેસના અસંતુષ્ટ દાવેદારો સહકાર પેનલ ઉતારે તેમ હોવાથી અમૂલ ડેરીની ચૂંટણીનો જંગ જામે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાના 12 બ્લોક તેમજ એક વ્યક્તિગત વિભાગની મળીને કુલ 13 બેઠકો માટે 10 સપ્ટેમ્બરે મતદાન યોજાશે.
આણંદ અમૂલ ડેરીની ચૂંટણી માટે 15 નવા મતદારોના વધારા સાથે 1210 મતદારોની આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. ત્યારબાદ સહકાર વિભાગ દ્વારા અમૂલ ડેરીની 12 બેઠકો માટે ચૂંટણીનું જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું છે. જેમાં 10 સપ્ટેમ્બરે મતદાન અને 12 સપ્ટેમ્બરે મતગણતરી થશે. જ્યારે 20 થી 28 ઓગસ્ટ દરમિયાન ઉમેદવારીપત્રો ભરી શકાશે.
આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાના 12 બ્લોક તેમજ એક વ્યક્તિગત વિભાગની ચૂંટણી અંતર્ગત 30 જુલાઈએ કાચી મતદાર યાદીમાં 1195 મતદારોની યાદી પ્રસિદ્ધ કરાઈ હતી. 61 વાંધા અરજી બાબતે સુનાવણી કર્યા બાદ આખરી મતદાર યાદી જાહેર કરાઈ હતી. અમૂલ ડેરીની 12 બેઠકો પૈકી સૌથી વધુ 112 મતદારો કપડવંજ બ્લોકમાં અને સૌથી ઓછા 89 મતદારો પેટલાદ બ્લોકમાં નોંધાયા છે. 13 માં બ્લોક તરીકે વ્યક્તિગત સભાસદ વિભાગમાં 23 મતદારો નોંધાયા છે.
કોંગ્રેસ સમર્થકો દ્વારા ભાજપના 7 અગ્રણીઓ સામે થયેલી વાંધા અરજી નામંજૂર કરાઈ છે. આણંદના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલ, ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમાર, વાઇસ ચેરમેન કાંતિ સોઢા પરમાર, આણંદ જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ જશવંતસિંહ સોલંકી, સહકારી અગ્રણી વિપુલ પટેલના પત્ની હેતલબેનનો મતદાર યાદીમાં સમાવેશ કરાયો છે. પેટલાદ અને ઠાસરા બ્લોક મહિલા ઉમેદવારો માટે અનામત રાખવામાં આવ્યા છે.
ભાજપ દ્વારા 12 બેઠકો ઉપર ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવશે પરંતુ, ભાજપનું નિશાન આપવામાં નહીં આવે. ભાજપની પેનલના ઉમેદવારોના નિશાન એક સરખા રાખવામાં આવશે. ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
અમૂલ ડેરીની ચૂંટણીનું જાહેરનામું
અમૂલ ડેરીની 12 બેઠકો માટે 20 થી 28 ઓગસ્ટ ફોર્મ ભરી શકાશે. 29 ઓગસ્ટે ફોર્મ ચકાસણી કરાશે. 30 ઓગસ્ટે ફોર્મ પરત ખેંચી શકાશે. હરીફ ઉમેદવારની આખરી યાદી જાહેર કરાશે. 10 સપ્ટેમ્બરે બેલેટ પેપરથી મતદાન થશે અને 12 સપ્ટેમ્બરે સવારે 9 વાગ્યાથી મત ગણતરી યોજાશે.
'ક' વર્ગની યાદીને હાઈકોર્ટમાં પડકારવામાં આવી
અમુલ ડેરીની ચૂંટણીની આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થતા વિપક્ષી જૂથે નારાજગી વ્યક્ત કરી છે. 5 થી 7 દૂધ મંડળીઓએ હાઇકોર્ટમાં જવાની તૈયારી કરી છે. કપડવંજ બ્લોકમાં 7 અને નડિયાદ બ્લોકમાં 3 ઉમેદવારોને 'ક' વર્ગમાં મૂકવામાં આવ્યા છે. જેથી 'ક' વર્ગની યાદીને હાઇકોર્ટમાં પડકારવામાં આવી છે. જેની 19 ઓગસ્ટે સુનાવણી હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
શું હતો 'ક' વર્ગની યાદીનો મામલો?
અમૂલ ડેરીની પ્રાથમિક મતદાર યાદીમાં કેટલાંક નામો બાકાત કરાતાં હોબાળો મચ્યો હતો ચૂંટણી લડવા ઇચ્છુક દાવેદારોના 41થી વધુ મતદારોના નામ બાકાત કરી દેવામાં આવ્યાનો આક્ષેપ કરાયો હતો. 29 ઓગષ્ટના રોજ મુદત પૂર્ણ થતી હોવાથી ચૂંટણી યોજવાના ભાગરૂપે 1258 દૂધ મંડળીઓ પાસે ઠરાવો મંગાવ્યા હતા. જેમાંથી 1234 ઠરાવો આવ્યાં હતા. તેના આધારે અ,બ,ક અને ડ પ્રમાણે મતદાર યાદી તૈયાર કરી હતી. નડિયાદ બ્લોકમાંથી ભારતસિંહ પરમાર સહિત કેટલાંકના નામ બાકાત કરી દેવામાં આવ્યાં હતા.
બ્લોક વાઈઝ મતદારોની સંખ્યા
બ્લોક મતદારો
આણંદ 93
ખંભાત 105
બોરસદ 93
પેટલાદ 89
ઠાસરા 107
બાલાસિનોર 94
કઠલાલ 104
કપડવંજ 112
મહેમદાવાદ 104
માતર 90
નડિયાદ 107
વીરપુર 95
કુલ 1210
ઉમેદવારોની પસંદગીમાં દક્ષિણ ગુજરાતના કોન્ટ્રાક્ટરની ભૂમિકા?
અમૂલ ડેરીની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરી છે. ભાજપ દ્વારા ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવનાર છે. ભાજપના ઉમેદવારોની પસંદગી દક્ષિણ ગુજરાતના એક કોન્ટ્રાક્ટર કરે તેવી સહકારી અગ્રણીઓમાં ચર્ચા થઈ રહી છે. ઉમેદવારોની પસંદગી માટે ગુજરાતના મોટા ગજાના ભાજપના નેતાની નજીકના અને અમૂલ ડેરીમાં મોટી વગ ધરાવતાં કોન્ટ્રાક્ટરની ભૂમિકા મહત્વની રહેશે.
આ કોન્ટ્રાક્ટરે ભાજપ અને કોંગ્રેસના સહકારી આગેવાનો સાથે ગુપ્ત બેઠક કરી હતી. જેમાં ભાજપ અને કોંગ્રેસની બેઠકો નક્કી કરી ચેરમેનપદ અને વાઇસ ચેરમેનપદ અંગે રણનીતિ ઘડવામાં આવી હતી. અમૂલ ડેરીની ચૂંટણી સીધી રીતે લડવામાં ભાજપને હારનો સામનો કરવો પડે તેમ હોવાથી ભાજપે સમાધાનની ફોર્મ્યુલા અમલમાં મૂકી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
શું હશે સમાધાનની ફોર્મ્યુલા?
અમૂલ ડેરીની 12 બેઠકોમાંથી બોરસદની 1, ખેડાની 2 અને મહીસાગરની બે બેઠરમાં ભાજપ જીતી ન શકે તેવા ઉમેદવારની પસંદગી કરી કોંગ્રેસ પ્રેરિત પેનલના ઉમેદવારની જીતનો રસ્તો સરળ કરી આપે તેવી સંભાવના છે. ડેરીમાં 13માં ડિરેક્ટર તરીકે વ્યક્તિગત સભાસદ વિભાગની બેઠક હોય છે. જેમાં માત્ર 25 મત છે. આ બેઠક પરથી રણજીત પટેલ વર્ષોથી બિનહરીફ ચૂંટાઈ આવે છે.
રામસિંહ પરમારની ભૂમિકા મહત્વની રહેશે
વર્ષ 2020ની ચૂંટણીમાં ભાજપને સાત અને કોંગ્રેસને પાંચ બેઠકો મળી હતી. રામસિંહ પરમારના 10 ઉમેદવારો જીતવામાં સફળ રહ્યા હતા. ભાજપે ચેરમેનપદ રામસિંહ પરમારને આપી વાઇસ ચેરમેન કોંગ્રેસના રાજેન્દ્રસિંહ પરમારને બનાવ્યા હતા. બીજી ટર્મમાં ભાજપે ત્રણ ડિરેક્ટરોની સરકારી પ્રતિનિધિ તરીકે નિમણૂક કરી બહુમતીના જોરે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારને વાઇસ ચેરમેનપદે અને ચેરમેનપદેથી રામસિંહ પરમારને દૂર કર્યા હતા. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કાંતિ સોઢા પરમારને ભાજપમાં પ્રવેશ કરાવી વાઇસ ચેરમેનપદ આપીને વિપુલ પટેલને ચેરમન બનાવ્યા હતા. રામસિંહ પરમાર હાલ ભાજપના ધારાસભ્ય છે. તેમને અમૂલમાંથી દૂર કરવામાં આવતા અંદરખાને અસંતોષ જોવા મળી રહ્યો છે. રામસિંહ પરમારના સમર્થકો દ્વારા ખેડા અને મહીસાગર જિલ્લાના ઉમેદવારોને પછાડવા ચોકઠાં ગોઠવવામાં આવી રહ્યા છે.
રામસિંહ પરમારના પૌત્રવધુ ઉમેદવાર બને તેવી ચર્ચા
અમૂલ ડેરીની ચૂંટણીમાં 12 બેઠકો પૈકી પેટલાદ અને ઠાસરા મહિલા ઉમેદવારો માટે અનામત જાહેર કરવામાં આવી છે. રામસિંહ પરમાર ઠાસરા બેઠક પરથી ઉમેદવાર રહ્યા છે. તેથી આ ચૂંટણીમાં રામસિંહ પરમારના પૌત્રવધુ ઠાસરા બેઠકના ઉમેદવાર બને તેવી ચર્ચા થઈ રહી છે.
અમૂલ ડેરીનો ઇતિહાસ
14 ડિસેમ્બર, 1946ના રોજ ત્રિભુવનદાસ પટેલે 'ધ ખેડા ડિસ્ટ્રિક કો-ઑપરેટિવ મિલ્ક પ્રોડક્શન યુનિયન લિમિટેડ'ની સ્થાપના કરી. જે આજે 'અમૂલ' તરીકે વિશ્વપ્રસિદ્ધ છે. શરૂઆતમાં દિવસનું 200 લિટર દૂધની આવક ધરાવતો સંઘ 1952માં દિવસનું 20 હજાર લિટર દૂધ આવક મેળવવા લાગ્યો હતો. અમૂલ ડેરીમાં ખેડા અને આણંદ જિલ્લા અને મહીસાગર જિલ્લાના બે તાલુકાના 6.25 લાખ સભાસદો છે. ડેરીનું સરેરાશ વાર્ષિક દૂધ ઉત્પાદન 25 લાખ લિટર છે. જ્યારે સિઝનમાં 35 લાખ લિટર સુધી પહોંચી જાય છે. અમૂલ ડેરીનું વાર્ષિક ટર્નઓવર 7 હજાર કરોડ રૂપિયા છે.

અનામતના મુદ્દે ભાજપ સામે નવો રાજકીય પડકાર ઊભો થયો છે. ઉચ્ચ જાતિના સંગઠનો અનામત સુધારણાની માંગ કરી રહ્યા છે, જ્યારે વિપક્ષ OBC, દલિત અને સામાજિક ન્યાયના મુદ્દે BJPને ઘેરી રહ્યો છે.

સુરતના નાનપુરા-લક્કડકોટમાં ₹3.90 કરોડની નવી ફિશ માર્કેટના નામકરણને લઈને વિવાદ થયો છે. ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ના બોર્ડ સામે સ્થાનિક વિરોધ, મનપાની મંજૂરી અને વેપારી એસોસિએશનના દાવા વચ્ચે ચર્ચા તેજ બની છે.

તમિલનાડુમાં હિન્દી વિરોધી આંદોલનનો ઇતિહાસ જાણો. 1937, 1965 અને 1986ના આંદોલનથી DMK, તમિલ અસ્મિતા અને NEP 2020 સુધીની સંપૂર્ણ કહાની.