Election Commission Flags Amritpal Singh Party: પંજાબના રાજકારણમાં 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં એક નવો વિવાદ સામે આવ્યો છે. ખાલિસ્તાન સમર્થક સાંસદ અમૃતપાલ સિંહ સાથે જોડાયેલા અકાલી દળ (વારિસ પંજાબ દે)ને રાજકીય પક્ષ તરીકે નોંધણી કરાવવાના પ્રયાસમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતીય ચૂંટણી પંચે દિલ્હી હાઈકોર્ટમાં રજૂ કરેલા સોગંદનામામાં જણાવ્યું છે કે સંગઠનને રાજકીય પક્ષ તરીકે નોંધણી આપતાં પહેલાં તેની પૃષ્ઠભૂમિ અને કથિત અલગતાવાદી સંબંધોની ઊંડાણપૂર્વક તપાસ જરૂરી છે.
ચૂંટણી પંચને સંગઠન અંગે અત્યંત સંવેદનશીલ માહિતી મળી
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, 9 જુલાઈ, 2026ના રોજ તેને સંગઠન અંગે અત્યંત સંવેદનશીલ માહિતી મળી હતી. આ માહિતીમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે સંગઠનનાં મૂળ અલગતાવાદી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલાં છે અને તેની સ્થાપના રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (NSA) હેઠળ અટકાયતમાં રહેલા વ્યક્તિઓ દ્વારા કરવામાં આવી હતી. પંચે આ આરોપોને ગંભીર ગણાવતાં કહ્યું છે કે આ મુદ્દા દેશની સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતા પ્રત્યે સંગઠનની પ્રતિબદ્ધતા અંગે પ્રશ્નો ઊભા કરે છે.
પંજાબ CEOનો રિપોર્ટ હકારાત્મક, પછી નવી તપાસના આદેશ
ચૂંટણી પંચે કોર્ટને જણાવ્યું કે પંજાબના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO)એ 27 એપ્રિલ, 2026ના રોજ સંગઠન અંગે હકારાત્મક ચકાસણી રિપોર્ટ આપ્યો હતો. પરંતુ ત્યારબાદ 9 જુલાઈએ મળેલી નવી સંવેદનશીલ માહિતીના આધારે પંચે 14 જુલાઈએ પંજાબના CEOને સંગઠનની પૃષ્ઠભૂમિની વ્યાપક તપાસ કરીને વિગતવાર રિપોર્ટ આપવા સૂચના આપી હતી. પંચના જણાવ્યા અનુસાર, આ તપાસનો રિપોર્ટ હજુ મળ્યો નથી અને તેના માટે યાદ અપાવતાં પત્રો પણ મોકલવામાં આવ્યા છે. તપાસ પૂર્ણ થયા વિના નોંધણીની પ્રક્રિયા આગળ વધારવી યોગ્ય નહીં હોવાનું પંચે કોર્ટ સમક્ષ જણાવ્યું છે.
અમૃતપાલ સિંહનું સંગઠન 2027ની પંજાબ ચૂંટણી લડવા માગે છે
અકાલી દળ (વારિસ પંજાબ દે)નું નેતૃત્વ હાલમાં જેલમાં બંધ ખડૂર સાહિબના સાંસદ અમૃતપાલ સિંહ સાથે જોડાયેલું છે. આ સંગઠનની સ્થાપના 2021માં દિવંગત દીપ સિદ્ધુએ કરી હતી. જાન્યુઆરી 2025માં અમૃતપાલ સિંહના પિતા અને સાંસદ સરબજીત સિંહ ખાલસાએ 'અકાલી દળ (વારિસ પંજાબ દે)' નામે રાજકીય પક્ષ બનાવવાની જાહેરાત કરી હતી. સંગઠને 22 જાન્યુઆરી, 2025ના રોજ ચૂંટણી પંચ સમક્ષ રાજકીય પક્ષ તરીકે નોંધણી માટે અરજી કરી હતી. હવે તે 2027ની શરૂઆતમાં યોજાનારી પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલાં નોંધણીની પ્રક્રિયા પૂર્ણ કરાવવા માગે છે.
દિલ્હી હાઈકોર્ટમાં હવે 11 જાન્યુઆરીએ સુનાવણી
નોંધણીની અરજી પર સમયમર્યાદામાં નિર્ણય લેવા માટે સંગઠને દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. ચૂંટણી પંચે કોર્ટમાં સ્પષ્ટ કર્યું છે કે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 29A હેઠળ રાજકીય પક્ષની નોંધણી માત્ર ઔપચારિક પ્રક્રિયા નથી. દેશની સાર્વભૌમત્વ અને અખંડિતતા સાથે જોડાયેલા સવાલોની તપાસ કર્યા વિના નોંધણી આપી શકાય નહીં. દિલ્હી હાઈકોર્ટે ચૂંટણી પંચની રજૂઆતોને રેકોર્ડ પર લીધી છે. હવે આ મામલે આગામી સુનાવણી 11 જાન્યુઆરી, 2027ના રોજ થશે. હાલ ચૂંટણી પંચે સંગઠનની નોંધણી ફગાવી નથી, પરંતુ તપાસનો રિપોર્ટ આવ્યા બાદ જ આગળની કાર્યવાહી કરવાનો અભિગમ અપનાવ્યો છે. તેથી 2027ની પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલાં અકાલી દળ (વારિસ પંજાબ દે)ને રાજકીય પક્ષ તરીકે માન્યતા મળશે કે નહીં, તેના પર સૌની નજર રહેશે.