સહકારી બેંકોના 1,045 ડિરેક્ટરો કાયદો ઘોળીને પી ગયા
રાજ્યની 161 સહકારી બેંકોના ડિરેક્ટરો 8 વર્ષ કરતાં વધુ સમયથી કાર્યરત હોવાથી કોંગ્રેસના સવાલ
કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે પૂછેલા સવાલના જવાબમાં નાણામંત્રીએ રાજ્યસભામાં આપ્યો જવાબ
કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે પૂછેલા સવાલના જવાબમાં નાણામંત્રીએ રાજ્યસભામાં આપ્યો જવાબ
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા(RBI)ના આશીર્વાદથી ગુજરાતના 1,045 સહકારી બેંકોના ડિરેક્ટરો 8 વર્ષ કરતાં વધુ સમયથી કાર્યરત હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. તમામ ડિરેક્ટરોનો કાર્યકાળ સહકારી કાયદાની જોગવાઈ મુજબ 8 વર્ષનો પૂર્ણ થઈ ગયો હોવા છતાં દૂર કરાયા નથી. કોંગ્રેસના સાંસદ શક્તિસિંહે પૂછેલા એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય નાણામંત્રીએ રાજ્યસભામાં વિગતો આપી હતી.
કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલના મતે કાયદો તમામ નાગરિકો માટે એકસમાન હોવો જોઈએ. પરંતુ, તમામ બેંકો ભાજપ શાસિત હોવાથી તેવા ડિરેક્ટરોને દૂર કરીને નવી ચૂંટણી કરવામાં આવી રહી નથી. તેથી તાત્કાલિક રીતે સહકારી બેંકિંગ કાયદાનો અમલ કરાવી યોગ્ય કાર્યવાહી કરવા તેમણે માગણી કરી છે. કેન્દ્રીય સહકારીતા મંત્રી અમિત શાહને નિશાન બનાવી તેમણે અમદાવાદ ડિસ્ટ્રીક્ટ બેંકમાં થઈ રહેલા ભ્રષ્ટાચારને અટકાવવા નવેસરથી ચૂંટણી કરાવવા આગળ આવવું જોઈએ તેમ કહ્યું છે.

કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં સહકારી બેંકોમાં ડિરેક્ટરોના મહત્તમ કાર્યકાળ અંગેના રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના કાયદાની જોગવાઈ અંગે પ્રશ્ન કર્યો હતો. જ્યારે ગુજરાતમાં કાયદાની જોગવાઈ કરતાં વધુ સમય થઈ ગયો હોવા છતાં કેટલી સહકારી બેંકોના ડિરેક્ટરો કાર્યરત છે તેવા ડિરેક્ટરોની સંખ્યા, બેંકની વિગતો સાથે જવાબ આપવા કહ્યું હતું.

કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે પૂછેલાં સવાલનો કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રાજ્યસભામાં જવાબ આપ્યો હતો. જેમાં તેમણે 8 વર્ષ કરતાં વધુ સમયથી વિવિધ બેંકોમાં રહેલાં ડિરેક્ટરોની વિગતો રાજ્યસભામાં રજૂ કરી હતી. કેન્દ્ર સરકાર દ્વારા ઘડવામાં આવેલા કાયદાની જોગવાઈ મુજબ ગુજરાતની 16 મોટી સહકારી બેંકોના 169 ડિરેક્ટરો તેમજ 145 સહકારી બેંકોના 876 ડિરેક્ટરોનો 8 વર્ષથી વધુનો મહત્તમ કાર્યકાળ પૂર્ણ થઈ ગયો છે.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રાજ્યસભામાં રજૂ કરેલી વિગતો મુજબ 15 ડિસ્ટ્રીક્ટ બેંકો અને કોડીનાર તાલુકા સહકારી બેંકિગ યુનિયન લિમિટેડ મળીને 16 બેંકોમાં 8 વર્ષ કરતાં વધુ સમયથી 169 ડિરેક્ટરો કાર્યરત છે. જેમાં સૌથી વધારે અમદાવાદ ડિસ્ટ્રીક્ટ બેંકમાં 19 ડિરેક્ટરો 8 વર્ષ કરતાં વધુ સમયથી ચીટકી રહ્યા છે. આ ઉપરાંત 145 સહકારી બેંકોમાં 876 ડિરેક્ટરો 8 વર્ષ કરતાં વધુ સમયથી હોદ્દા ઉપર કાર્યરત છે.

કેન્દ્ર સરકારે અગાઉ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના મોનિટરિંગ માટે ઘડેલા કાયદામાં સહકારી બેંકોના ડિરેક્ટરો માટે મહત્તમ કાર્યકાળમાં 8 વર્ષની જોગવાઈ કરી હતી. 16 મોટી સહકારી બેંકો અને 145 નાની સહકારી બેંકોના 1,045 ડિરેક્ટરોનો મહત્તમ કાર્યકાળ સહકારી કાયદાની જોગવાઈ મુજબ પૂર્ણ થઈ ગયો છે. તેમ છતાં તેઓને દૂર કરીને નવી ચૂંટણી કરવામાં આવી નથી.

સહકારી બેંકોના ડિરેક્ટરોનો કાર્યકાળ તાજેતરમાં 1 ઓગષ્ટ 2025ના રોજ 8 વર્ષથી વધારીને 10 વર્ષ કરવામાં આવ્યો છે. જો કે, 8 વર્ષની જોગવાઈ હોવા છતાં 8 વર્ષ કરતાં વધુ સમયથી ડિરેક્ટર પદે રહેલાં ગુજરાતની સહકારી બેંકોના 1,045 ડિરેક્ટરોને દૂર કરવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

સહકારી બેંકિંગ એક્ટમાં શું છે જોગવાઈ?
કેન્દ્રીય નાણામંત્રીએ રાજ્યસભામાં રજૂ કરેલા જવાબમાં જણાવ્યું છે કે, બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 (BR એક્ટ) ની કલમ 10A (પેટા કલમ 2A (i)) માં તાજેતરના સુધારા મુજબ, સહકારી બેંકોના ડિરેક્ટરો (ચેરમેન અને પૂર્ણ-સમય ડિરેક્ટરો સિવાય) નો મહત્તમ નિયમિત કાર્યકાળ 8 વર્ષથી વધારીને 10 વર્ષ કરવામાં આવ્યો છે. આ જોગવાઈ 1 ઓગસ્ટ, 2025 થી અમલમાં આવી છે.
સહકારી બેંકો મૂળભૂત રીતે સહકારી સંસ્થાઓ છે જે સંબંધિત રાજ્યના સહકારી મંડળીઓ અધિનિયમ હેઠળ અથવા બહુ-રાજ્ય સહકારી મંડળીઓ અધિનિયમ હેઠળ નોંધાયેલી હોય છે. સહકારી મંડળીઓ બેંકિંગ વ્યવસાય કરે છે, ત્યારે તેઓ ભારતીય રિઝર્વ બેંક (RBI) ના નિયમનકારી અધિકારક્ષેત્ર હેઠળ આવે છે અને BR અધિનિયમ, 1949 ની સંબંધિત જોગવાઈઓનું પાલન રાજ્ય સરકારો સાથે સંકલન કરી સુનિશ્ચિત કરવામાં આવે છે. મેનેજમેન્ટ લાયકાતો, મૂડી જારી, ઓડિટ અને સહકારી બેંકોના લિક્વિડેશન વગેરે જેવા ક્ષેત્રોમાં RBI કાયદાનું યોગ્ય અમલીકરણ કરાવે છે.

સહકારી બેંકોએ તેમના ચેરમેન અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ માટે નિર્ધારિત લાયકાતોનું પાલન કરવું જરૂરી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને અયોગ્ય જણાય તેવા ચેરમેનને દૂર કરવાની અને જો જરૂરી હોય તો, બોર્ડનું પુનર્ગઠન કરવાનો નિર્દેશ આપવાની સત્તા આપવામાં આવી છે. વધુમાં RBI ને ડિરેક્ટર બોર્ડને રદ કરવાની સત્તા તમામ સહકારી બેંકોને આપવામાં આવી છે. રાજ્ય-રજિસ્ટર્ડ બેંકો માટે કાર્યવાહી રાજ્ય સરકાર સાથે પરામર્શ કરીને કરવાની રહેશે.
સહકારી બેંકોએ અનુસૂચિત વાણિજ્યિક બેંકોની સમકક્ષ ઓડિટ કરાવવું જરૂરી છે, જેમાં RBI પાસે ખાસ ઓડિટનો આદેશ આપવાની અને લિક્વિડેશન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવાની સત્તા છે.
સહકારી બેંકોને RBI ની પૂર્વ મંજૂરી સાથે જાહેર જનતા પાસેથી ઇક્વિટી અને અસુરક્ષિત દેવાની મૂડી એકત્ર કરવાની પરવાનગી છે, જેનાથી તેમની નાણાકીય સ્થિરતા અને કાર્યકારી કાર્યક્ષમતામાં વધારો થાય છે.

અનામતના મુદ્દે ભાજપ સામે નવો રાજકીય પડકાર ઊભો થયો છે. ઉચ્ચ જાતિના સંગઠનો અનામત સુધારણાની માંગ કરી રહ્યા છે, જ્યારે વિપક્ષ OBC, દલિત અને સામાજિક ન્યાયના મુદ્દે BJPને ઘેરી રહ્યો છે.

સુરતના નાનપુરા-લક્કડકોટમાં ₹3.90 કરોડની નવી ફિશ માર્કેટના નામકરણને લઈને વિવાદ થયો છે. ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ના બોર્ડ સામે સ્થાનિક વિરોધ, મનપાની મંજૂરી અને વેપારી એસોસિએશનના દાવા વચ્ચે ચર્ચા તેજ બની છે.

તમિલનાડુમાં હિન્દી વિરોધી આંદોલનનો ઇતિહાસ જાણો. 1937, 1965 અને 1986ના આંદોલનથી DMK, તમિલ અસ્મિતા અને NEP 2020 સુધીની સંપૂર્ણ કહાની.