સિંગલ મધરના અધિકાર પર બોમ્બે હાઈકોર્ટની મહોર
બાળકની ઓળખ અસ્તિત્વ ન ધરાવતા પિતા સાથે જોડવી અન્યાયી; માતાની જ્ઞાતિ વાપરવાની છૂટ: હાઈકોર્ટ

બોમ્બે HCનો મહત્વનો ચુકાદો

બોમ્બે HCનો મહત્વનો ચુકાદો
બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ બેન્ચે સિંગલ મધર્સ (એકલી માતાઓ)ના અધિકારોને લઈને એક અત્યંત પ્રગતિશીલ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.
હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જે માતા પોતાના બાળકને એકલા હાથે ઉછેરે છે, તેને સંપૂર્ણ વાલી તરીકે માન્યતા આપવી એ કોઈ 'મહેરબાની' કે 'દયા' નથી, પરંતુ બંધારણ પ્રત્યેની ફરજ છે.
શું હતો સમગ્ર મામલો?
આ કેસમાં અરજદાર એક રેપ સર્વાઈવર છે. ડીએનએ ટેસ્ટમાં આરોપી જ જૈવિક પિતા હોવાનું સાબિત થયું હતું, પરંતુ તે વ્યક્તિ બાળકના ઉછેરમાં ક્યાંય પણ સહભાગી નહોતો. તેમ છતાં, જન્મ પ્રમાણપત્ર અને શાળાના રેકોર્ડમાં તે વ્યક્તિનું નામ પિતા તરીકે નોંધાયેલું હતું. જ્યારે માતા અને પુત્રીએ આ નામ હટાવીને માત્ર માતાનું નામ રાખવા માટે શાળાનો સંપર્ક કર્યો, ત્યારે શાળાએ તેમ કરવાની ના પાડી દીધી હતી. અંતે, પીડિતાએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.
સમગ્ર મામલામાં કોર્ટની વેધક ટિપ્પણીઓ:
જસ્ટિસ વિભા કાંકણવાડી અને જસ્ટિસ હિતેન વેણેગાવકરની ખંડપીઠે જણાવ્યું કે:
ઓળખનો અધિકાર: કલમ 21 મુજબ દરેક વ્યક્તિને સન્માન સાથે જીવવાનો અધિકાર છે, અને પોતાની ઓળખ કેવી રાખવી તે આ ગરિમાનો ભાગ છે.
પિતૃસત્તાક પરંપરાનો અંત: વહીવટી તંત્રો પિતાનું નામ ફરજિયાત અને માતાનું નામ વૈકલ્પિક રાખે છે, જે દસ્તાવેજી સ્તરે અસમાનતાને જન્મ આપે છે.
શાળાના રેકોર્ડ્સ: શાળાના દસ્તાવેજો જાહેર દસ્તાવેજો છે જે વ્યક્તિ સાથે આજીવન રહે છે. તેથી, જે પિતા સાથે બાળકનો કોઈ સંબંધ જ નથી, તેની ઓળખ આજીવન લાદી શકાય નહીં.
જ્ઞાતિમાં ફેરફાર અંગે આદેશ
કોર્ટે માત્ર નામ જ નહીં, પરંતુ બાળકની જ્ઞાતિ પણ માતાની જ્ઞાતિ મુજબ બદલવાની મંજૂરી આપી છે. કોર્ટે અવલોકન કર્યું કે જો કોઈ બાળક અનુસૂચિત જાતિની માતાના સામાજિક પરિવેશમાં ઉછરી રહ્યું હોય, તો રાજ્ય તેને પિતૃસત્તાક નિયમો હેઠળ પિતાની જ્ઞાતિ જાળવી રાખવા દબાણ કરી શકે નહીં.
આ ચુકાદો ભારતની કાયદાકીય પ્રણાલીમાં પિતૃસત્તાક જોગવાઈઓથી બંધારણીય પસંદગી તરફના સ્થળાંતરને દર્શાવે છે. કોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો કે શાળાના રેકોર્ડમાં પિતાના નામ અને અટકને બદલે માતાનું નામ અને અટક દાખલ કરવાથી કોઈ જાહેર હિતને નુકસાન થતું નથી, ઉલટાનું તે સત્ય અને ન્યાયને વધુ ચોકસાઈથી પ્રતિબિંબિત કરે છે.

પૂર્વ ટ્યુટરે ધોરણ 5માં વિદ્યાર્થિની પર આચર્યું હતું દુષ્કર્મ; 11 વર્ષ બાદ થયો ખુલાસો..

RCOM લોન ફ્રોડ કેસ: અનિલ અંબાણીની મની લોન્ડરિંગ કેસમાં બીજી રાઉન્ડની પૂછપરછ

RTIના આધારે SSC ટેન્ડર પ્રક્રિયા પર ઉઠાવ્યા હતા સવાલ; હવે કાનૂની જંગ; વીડિયો હટાવવાની માંગ