કોણ છે વરિષ્ઠ IPS અધિકારી મહેશ દીક્ષિત?
જેમને સોંપાઈ ઇન્ટેલિજન્સ બ્યુરોની સૌથી મોટી જવાબદારી,જાણો અત્યાર સુધીની તેમની સફર

ફાઇલ ફોટો

ફાઇલ ફોટો
Mahesh Dixit : કેન્દ્ર સરકારે ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)ના સ્પેશિયલ ડિરેક્ટર મહેશ દીક્ષિતને દેશની આંતરિક ગુપ્તચર એજન્સીના નવા ચીફ તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ 30 જૂને તેમનો કાર્યકાળ પૂરો કરી રહેલા તપન કુમાર ડેકાનું સ્થાન લેશે. કેન્દ્ર સરકારે મહેશને બે વર્ષ માટે IB ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે.મહેશ દીક્ષિત 1993 બેચના આંધ્ર પ્રદેશ કેડરના IPS અધિકારી છે.હાલમાં તેઓ IB માં સ્પેશિયલ ડિરેક્ટર અને એજન્સીના બીજા સૌથી વરિષ્ઠ અધિકારી હતા.આ પહેલા તેઓ જમ્મુ-કાશ્મીરમાં સબસિડિયરી ઇન્ટેલિજન્સ બ્યુરો (SIB) ના પ્રમુખ રહી ચૂક્યા છે.તેમને એન્ટી ટેરરિઝમ અને ગુપ્તચર ઓપરેશનનો લાંબો અનુભવ છે.વર્તમાન IB ડિરેક્ટર તપન કુમાર ડેકાનો કાર્યકાળ 30 જૂન 2026ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે.ડેકા 1988 બેચના હિમાચલ પ્રદેશ કેડરના IPS અધિકારી છે. તેઓ જુલાઈ 2022 થી IB પ્રમુખ હતા.સરકારે તેમને બે વાર સેવા વિસ્તરણ આપ્યું હતું.
તપન કુમાર ડેકાનું લેશે સ્થાન
મહેશ દીક્ષિત 1993 બેચના IPS અધિકારી છે,જેમને શરૂઆતમાં આંધ્રપ્રદેશ કેડર મળ્યું હતું અને રાજ્યના વિભાજન બાદ તેઓ તેલંગાણા કેડરમાં કાર્યરત હતા.તેઓ લાંબા સમયથી આઈબી સાથે જોડાયેલા છે અને દિલ્હીમાં સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.ખાસ કરીને જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ, તેમણે ત્યાંની સબસીડિયરી ઈન્ટેલિજન્સ બ્યુરોનું નેતૃત્વ કરી વિસ્તારમાં સુરક્ષા અને સ્થિરતા જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.તેમની અસાધારણ સેવા બદલ તેમને 2009માં ‘પોલીસ મેડલ’ અને 2016માં ‘રાષ્ટ્રપતિ પોલીસ મેડલ’થી નવાજવામાં આવ્યા છે.
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સામે રહ્યું છે આકરું વલણ
કોઈપણ IB ચીફ માટે સૌથી મોટી લાયકાત એ ગણાય છે કે તેને દેશના સંવેદનશીલ વિસ્તારોનો કેટલો વ્યવહારુ અનુભવ છે. ડૉ. મહેશ દીક્ષિત પાસે દેશની આંતરિક સુરક્ષા અને ખાસ કરીને સરહદોને લગતી જટિલ બાબતોનો બહોળો અને ઊંડો અનુભવ છે. તેમણે પોતાની શાનદાર કારકિર્દીનો એક લાંબો અને અગત્યનો સમયગાળો જમ્મુ અને કાશ્મીર જેવા અત્યંત પડકારજનક વિસ્તારમાં વિતાવ્યો છે.આ વિસ્તારમાં કામ કરવું એ કોઈપણ અધિકારી માટે લોઢાના ચણા ચાવવા સમાન હોય છે, પરંતુ ડૉ. દીક્ષિતે આતંકવાદ સામે હંમેશા કડક વલણ અપનાવીને પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે.
મહેશ દીક્ષિતની કાર્યકુશળતાનું શ્રેષ્ઠ ઉદાહરણ
વર્ષ 2023માં શ્રીનગરમાં આયોજિત G20 ટુરિઝમ વર્કિંગ ગ્રુપની સફળ બેઠક મહેશ દીક્ષિતની કાર્યકુશળતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બનેલી આ બેઠક દરમિયાન સુરક્ષાની કમાન તેમના હાથમાં હતી. તેમની સચોટ આકલન શક્તિને કારણે જ સુરક્ષા વચ્ચે પણ વિદેશી મહેમાનો અને રાજદ્વારીઓ માટે સુરક્ષિત વાતાવરણ સર્જાયું હતું. આ કાર્યક્રમની સફળતાએ વૈશ્વિક સ્તરે ભારતની છબિ સુધારી હતી અને જમ્મુ-કાશ્મીરમાં બદલાયેલી સકારાત્મક સ્થિતિનું પ્રતીક બની હતી. હવે જ્યારે મહેશ દીક્ષિત IBના નવા ડિરેક્ટર તરીકે કમાન સંભાળી રહ્યા છે, ત્યારે દેશને આશા છે કે તેમની આગેવાની હેઠળ ભારતની ગુપ્તચર એજન્સી વધુ સક્રિય અને સજ્જ બનશે. દેશની આંતરિક સુરક્ષાને વધુ મજબૂત બનાવવાની દિશામાં તેમનો કાર્યકાળ અત્યંત નિર્ણાયક સાબિત થશે.
જમ્મુ-કાશ્મીરમાં નિભાવી મહત્વની ભૂમિકા
વરિષ્ઠ IPS મહેશ દીક્ષિતના કરિયરનો સૌથી મહત્વપૂર્ણ પડાવ ઓગસ્ટ 2019માં આવ્યો હતો, જ્યારે કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો. આ સંવેદનશીલ સમયગાળામાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા અને સુરક્ષાની વ્યૂહરચના તૈયાર કરવામાં મહેશ દીક્ષિતે મુખ્ય ભૂમિકા ભજવી હતી. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના વિભાજન બાદ ત્યાંની સ્થિતિને સ્થિર બનાવવામાં તેમની ગુપ્તચર માહિતી અને આયોજન ખૂબ જ અસરકારક સાબિત થયા હતા. તેમના નેતૃત્વમાં જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થાને એવી રીતે મજબૂત કરવામાં આવી કે જેનાથી પ્રદેશમાં સામાન્ય જનજીવન પાટા પર આવ્યું.
શ્રીનગર SIB ના વડા તરીકે ભજવી છે ઐતિહાસિક ભૂમિકા
જમ્મુ-કાશ્મીરમાં તેમની કામગીરીનું સૌથી મોટું પાસું એ રહ્યું છે કે, તેઓ IB ની સૌથી મહત્વપૂર્ણ વિંગમાંની એક એવી 'સબસિડિયરી ઇન્ટેલિજન્સ બ્યુરો'શ્રીનગરના વડા રહી ચૂક્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન જમ્મુ, કાશ્મીર ખીણ અને લેહ-લદ્દાખ જેવા અત્યંત સંવેદનશીલ અને ભૌગોલિક-રાજકીય દ્રષ્ટિએ જટિલ વિસ્તારોની સુરક્ષા અને બાતમીની સીધી જવાબદારી તેમના જ હાથમાં હતી.
ઘૂસણખોરી પર લગામ
પાકિસ્તાન તરફથી સરહદ પારથી થતી આતંકવાદીઓની ઘૂસણખોરીને રોકવા માટે સચોટ બાતમી એકત્ર કરવી.આતંકવાદી સંગઠનો સુધી પહોંચતા આર્થિક ભંડોળ (ટેરર ફંડિંગ) ની કમર તોડવી અને તેમના નેટવર્કને નષ્ટ કરવું.સ્થાનિક ઇન્ટેલિજન્સ નેટવર્ક : કાશ્મીરની ભૌગોલિક અને સામાજિક સ્થિતિને સમજીને ત્યાંના સ્થાનિક લોકો વચ્ચે એક મજબૂત ગુપ્તચર નેટવર્ક ઊભું કરવું,જેથી આતંકવાદીઓના મનસૂબા પાર પડે તે પહેલા જ નિષ્ફળ બનાવી શકાય.
આ ક્ષેત્રમાં ઘણા દાયકાઓનો અનુભવ
વરિષ્ઠ IPS મહેશ દીક્ષિતનું કરિયર અત્યંત પ્રભાવશાળી રહ્યું છે.મેડિકલ ક્ષેત્રે ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ તેમણે પોલીસ દળમાં જોડાયા અને પોતાની એક અલગ ઓળખ બનાવી. ખાસ કરીને ઈન્ટેલિજન્સ બ્યુરોમાં ડેપ્યુટેશન પર રહીને તેમણે દેશની ગુપ્તચર ક્ષમતાઓને મજબૂત કરવામાં મોટું યોગદાન આપ્યું છે. દક્ષિણ ભારતના રાજ્યો જેવા કે આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ અને કર્ણાટકમાં આતંકવાદી નેટવર્કને તોડવામાં તેમની ભૂમિકા મહત્વની રહી છે. તેમના અનુભવ અને આતંકવાદ વિરોધી અભિયાનને કારણે તેમને સુરક્ષા ક્ષેત્રે 'આતંકનો કાળ' માનવામાં આવે છે.
આ નિમણૂક અત્યારે શા માટે મહત્વની છે?
સરકારે તેમની આ અદભુત કાબેલિયત, નિર્ણય લેવાની ક્ષમતા અને જમીની હકીકતની ઊંડી સમજણને ધ્યાનમાં રાખીને જ તેમને આ સૌથી મોટી જવાબદારી સોંપી છે. આજે જ્યારે વૈશ્વિક પરિદ્રશ્ય ખૂબ જ ઝડપથી બદલાઈ રહ્યું છે, પડોશી દેશોમાં રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે અને આંતરિક સુરક્ષા સામે સાયબર ક્રાઈમ તેમજ હાઈબ્રિડ આતંકવાદ જેવા નવા અને આધુનિક પડકારો ઊભા થઈ રહ્યા છે, ત્યારે ડૉ. મહેશ દીક્ષિત જેવા અનુભવી અધિકારીનું IB ચીફ બનવું દેશ માટે ખૂબ જ આવકારદાયક પગલું છે. તેમની રણનીતિક વિચારસરણી અને લાંબો અનુભવ આવનારા સમયમાં ભારતના ગુપ્તચર તંત્રને વધુ મજબૂત અને અભેદ્ય બનાવશે તેમાં કોઈ શંકા નથી. દેશની સુરક્ષા હવે વધુ અનુભવી હાથોમાં સુપરત કરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

કર્ણાટકમાં અનામતના મુદ્દે મોટો ઝટકો! SC માટે 17% અને ST માટે 7% અનામત વધારતો કાયદો હાઈકોર્ટે કેમ રદ કર્યો?