ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લાના ઘોલતીર વિસ્તારમાં આજે એક ભયાનક દુર્ઘટના સર્જાઈ છે. બદ્રીનાથ નેશનલ હાઈવે પર એક યાત્રી બસ ઉફનતી અલકનંદા નદીમાં ખાબકી છે, જેના કારણે હાહાકાર મચી ગયો છે. પ્રાથમિક માહિતી અનુસાર બસમાં કુલ 18 યાત્રીઓ સવાર હતા, જેમાંથી પાંચ લોકો બહાર કુદી ગયા હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ અનેક યાત્રીઓ નદીના તેજ પ્રવાહમાં વહી ગયા હોવાની આશંકા સેવાઈ રહી છે.
તમને જણાવી દઈએ કે, આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે, જેમાં એક ગુજરાતી વ્યક્તિનો પણ સમાવેશ થાય છે. બસમાં સવાર આઠ લોકો ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દુર્ભાગ્યે, અનેક લોકો હજુ પણ ગુમ હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા છે.
સુરતના 7 લોકો બસમાં સવાર...
પ્રાપ્ત માહિતી અનુસાર, આ દુર્ભાગ્યપૂર્ણ બસમાં સુરતના સાત યાત્રીઓ પણ સવાર હતા. આ ઘટનાથી સુરતમાં તેમના પરિવારજનોમાં ચિંતા અને શોકનો માહોલ છવાઈ ગયો છે. હાલ રાહત અને બચાવ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે, અને ગુમ થયેલા લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
પ્રકૃતિનો પ્રકોપ કે તંત્રની બેદરકારી?
છેલ્લા કેટલાય દિવસોથી ઉત્તરાખંડમાં સતત વરસી રહેલા વરસાદને કારણે નદીઓમાં પ્રવાહ તેજ બન્યો છે. આ પરિસ્થિતિમાં બસ નદીમાં ખાબકવાની ઘટના ગંભીર સવાલો ઊભા કરે છે. શું ખરાબ હવામાન હોવા છતાં મુસાફરી ચાલુ રાખવામાં આવી? શું માર્ગો પર સલામતીના પૂરતા પગલાં લેવાયા હતા? આ ઘટના પ્રકૃતિના પ્રકોપનું પરિણામ છે કે તંત્રની બેદરકારીનો ભોગ પ્રજા બની છે, તે તપાસનો વિષય છે.
આ પણ વાંચો : ટ્રેનની યાત્રા થશે મોંઘી, 1 જુલાઈથી નોન-એસી અને એસી ટ્રેનોના ભાડામાં થશે વધારો
ભયાવહ દ્રશ્યો અને રાહત-બચાવ કાર્ય...
ઘટના સ્થળે પહોંચેલી રેસ્ક્યુ ટીમ દ્વારા તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ નદીનો તેજ પ્રવાહ કામગીરીમાં અવરોધરૂપ બની રહ્યો છે. જીવ બચાવવાની આશા સાથે પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા છે, અને ચારે તરફ ભયાવહ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વહી ગયેલા યાત્રીઓને શોધવા માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, પરંતુ નદીના પ્રવાહને કારણે તેમની શોધખોળ અત્યંત મુશ્કેલ બની રહી છે.
આ પણ વાંચો : હિમાચલના કુલ્લુમાં બે જગ્યાએ વાદળ ફાટ્યા: ભારે વરસાદથી નુકસાન
આ દુર્ઘટના ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં ચોમાસા દરમિયાન મુસાફરીની જોખમી સ્થિતિને ફરી એકવાર ઉજાગર કરે છે. શું ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે સરકાર અને તંત્ર કોઈ નક્કર પગલાં લેશે?
આ પણ વાંચો : આગ્રા-લખનૌ એક્સપ્રેસ વે પર બિહારથી દિલ્હી આવી રહેલી બસનો ભયાનક અકસ્માત, 40 લોકો ઘાયલ
ટ્રકે ટક્કર મારી હતી : ડ્રાઈવરનો દાવો
બસના ડ્રાઈવરે પોલીસને જણાવ્યું છે કે, પાછળથી એક ટ્રકે ટક્કર મારતા બસ અનિયંત્રિત થઈને નદીમાં ખાબકી હતી. જોકે, આ દાવાની સચ્ચાઈ પોલીસ તપાસ બાદ જ સામે આવશે. આ ઘટનાએ ફરી એકવાર પહાડી વિસ્તારોમાં માર્ગ સલામતી અને વાહન ચાલકોની સાવચેતી અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના આત્માને શાંતિ મળે અને ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના.
આ પણ વાંચો : ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત, અમદાવાદ-સુરતમાં 'વિકાસ'ના દાવાઓનો પર્દાફાશ!