Uttarakhand Helicopter Crash: ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં બદ્રીનાથથી દેહરાદૂનના સહસ્ત્રધારા પરત ફરી રહેલું ટ્રાન્સ ભારત એવિએશનનું હેલિકોપ્ટર જોશીમઠ નજીક ચાયી ગામ વિસ્તારમાં ક્રેશ થયું છે. હેલિકોપ્ટર ક્રેશ થયાની પુષ્ટિ બાદ વિસ્તારમાં બચાવ અને રાહત કામગીરી તેજ કરવામાં આવી છે. દુર્ઘટનામાં પાઇલટ સહિત કુલ છ લોકો સવાર હોવાનું સામે આવ્યું છે.
બદ્રીનાથથી દેહરાદૂન જતું હેલિકોપ્ટર ક્રેશ
UCADA દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, ટ્રાન્સ ભારત એવિએશન પ્રાઇવેટ લિમિટેડનું હેલિકોપ્ટર VT-HCX બદ્રીનાથથી દેહરાદૂનના સહસ્ત્રધારા માટે રવાના થયું હતું. બપોરે આશરે 1:12થી 1:14 વાગ્યાની વચ્ચે જોશીમઠ ખીણ ઉપર ઉડાન ભરતી વખતે હેલિકોપ્ટર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. ત્યારબાદ હેલિકોપ્ટર જોશીમઠ નજીક ચાયી ગામ અને હાથી પહાડ પાછળના વિસ્તારમાં ક્રેશ થયું હોવાની પુષ્ટિ થઈ છે.
પાઇલટ સહિત 6 લોકો સવાર
હેલિકોપ્ટરમાં પાઇલટ કેપ્ટન હિમાંશુ સહિત કુલ છ લોકો સવાર હતા. મુસાફરોમાં પ્રથાપા, અરુણ, શંકર ગૌડા, સુધીર કે અને એસ.એચ. નટરાજનો સમાવેશ થાય છે. હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ પાઇલટનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દુર્ઘટનાના ચોક્કસ કારણ અને મુસાફરોની સ્થિતિ અંગે બચાવ કામગીરી સાથે વધુ માહિતી મેળવવામાં આવી રહી છે.
ખરાબ હવામાન વચ્ચે બચાવ કામગીરી
જોશીમઠ નજીક જે વિસ્તારમાં હેલિકોપ્ટર ક્રેશ થયું છે ત્યાં સતત વરસાદ અને ગાઢ વાદળોના કારણે દૃશ્યતા ખૂબ ઓછી છે. ખરાબ હવામાનને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે. ભારતીય સેના, SDRF, પોલીસ, આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટીતંત્રની ટીમો ઘટનાસ્થળે પહોંચીને સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહી છે. હેલિકોપ્ટરને શોધવા માટે ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અન્ય બે હેલિકોપ્ટર પણ શોધ અને બચાવ કામગીરી માટે તૈનાત કરવામાં આવ્યા છે.
કેટલીક શંકાસ્પદ વસ્તુઓ મળી
જોશીમઠના એસડીએમ ચંદ્રશેખર વશિષ્ઠે જણાવ્યું હતું કે હેલિકોપ્ટર ક્રેશ થયાના અહેવાલોની ચકાસણી કરવામાં આવી હતી. વિસ્તારમાં કેટલીક શંકાસ્પદ વસ્તુઓ જોવા મળ્યા બાદ હેલિકોપ્ટર ક્રેશ થયાની શક્યતા વધુ મજબૂત બની હતી. ત્યારબાદ બચાવ ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. ચમોલીના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વિવેક પ્રકાશે પણ માહિતી મળતાં વહીવટી ટીમ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
CM પુષ્કર સિંહ ધામીએ લીધી ઘટનાની નોંધ
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ જોશીમઠ નજીક છાયી ગામ પાસે હેલિકોપ્ટર ક્રેશ થવાના દુર્ભાગ્યપૂર્ણ સમાચાર મળ્યાનું જણાવ્યું છે. તેમણે કહ્યું કે જિલ્લા વહીવટીતંત્ર, આપત્તિ વ્યવસ્થાપન વિભાગ અને SDRF દ્વારા સંયુક્ત રીતે બચાવ કામગીરી ચલાવવામાં આવી રહી છે. મુખ્યમંત્રીએ ગંભીર રીતે ઘાયલ લોકોને વધુ સારી સારવાર માટે તાત્કાલિક ઉચ્ચ કેન્દ્રમાં એરલિફ્ટ કરવાની સૂચના આપી છે. તેમણે હેલિકોપ્ટરમાં સવાર મુસાફરોની સલામતી માટે પણ પ્રાર્થના કરી છે.
ટ્રાન્સ ભારત એવિએશનનો સમગ્ર કાફલો ગ્રાઉન્ડેડ
સાવચેતીના પગલા તરીકે ટ્રાન્સ ભારત એવિએશનના સમગ્ર હેલિકોપ્ટર કાફલાને ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યો છે. હાલ ચમોલી જિલ્લામાં હેલિકોપ્ટર ક્રેશ બાદ બચાવ કામગીરી ચાલી રહી છે અને ઘટનાને લઈને વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે ઓક્ટોબરમાં ચારધામ યાત્રા દરમિયાન બે હેલિકોપ્ટરના ઇમરજન્સી લેન્ડિંગની ઘટનાઓ પણ સામે આવી હતી. એક ઘટના રુદ્રપ્રયાગમાં ખરાબ હવામાનને કારણે, જ્યારે બીજી ટિહરીમાં ટેકનિકલ સમસ્યાને કારણે બની હતી.