વંદે માતરમ ગાવા અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
રાષ્ટ્રીય ગીત અંગે ગૃહ મંત્રાલયનો પરિપત્ર ફરજિયાત નથી, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દીધી

વંદે માતરમ સુપ્રીમ કોર્ટ ચુકાદો

વંદે માતરમ સુપ્રીમ કોર્ટ ચુકાદો
ભારતની સર્વોચ્ચ અદાલતે બુધવારે રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ' ગાવા અંગેના ગૃહ મંત્રાલયના પરિપત્રને પડકારતી અરજી પર મહત્વપૂર્ણ સુનાવણી કરી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે સાર્વજનિક સ્થળો અને કાર્યક્રમો માટે જારી કરાયેલા આ નિર્દેશો માત્ર એક પ્રોટોકોલ છે અને તેનું પાલન કરવું નાગરિકો માટે કાયદાકીય રીતે ફરજિયાત નથી.
અરજી ફગાવતા કોર્ટનું અવલોકન :
CJI જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે આ મામલે સુનાવણી કરતા જણાવ્યું હતું કે, ગૃહ મંત્રાલયની એડવાઇઝરીમાં ગીત ન ગાવા બદલ કોઈ દંડાત્મક કાર્યવાહી કે સજાની જોગવાઈ કરવામાં આવી નથી. અદાલતે અરજદાર મુહમ્મદ સઈદ નૂરીની અરજીને સમય પહેલાની ગણાવીને ફગાવી દીધી હતી. જસ્ટિસ બાગચીએ નોંધ્યું હતું કે હાલમાં આ અરજી માત્ર એક અસ્પષ્ટ ડર પર આધારિત છે અને જ્યાં સુધી કોઈ વ્યક્તિ વિરુદ્ધ વાસ્તવિક કાર્યવાહી ન થાય ત્યાં સુધી અદાલત આમાં દખલ કરશે નહીં.
શું હતો ગૃહ મંત્રાલયનો આદેશ ?
ગૃહ મંત્રાલય દ્વારા ૨૮ જાન્યુઆરીના રોજ એક માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી. આ આદેશ મુજબ, સરકારી કાર્યક્રમો અને શાળાઓમાં રાષ્ટ્રગાન 'જન ગણ મન' ની સાથે રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ' પણ વગાડવાનું સૂચન કરવામાં આવ્યું હતું. નવા નિયમો મુજબ રાષ્ટ્રીય ગીતના તમામ ૬ અંતરા ગાવાનું નક્કી કરાયું છે, જેની કુલ અવધિ ૩ મિનિટ ૧૦ સેકન્ડની રહેશે. આ દરમિયાન ઉપસ્થિત તમામ લોકોએ સાવધાનની મુદ્રામાં ઊભા રહેવું પડશે તેવું પ્રોટોકોલમાં જણાવાયું હતું.
વંદે માતરમનો ગૌરવશાળી ઈતિહાસ :
ભારતનું રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ' બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા ૭ નવેમ્બર ૧૮૭૫ના રોજ લખવામાં આવ્યું હતું. ત્યારબાદ ૧૮૮૨માં તેમની પ્રસિદ્ધ નવલકથા 'આનંદમઠ' માં તેનો સમાવેશ કરવામાં આવ્યો. ૧૮૯૬માં રવીન્દ્રનાથ ટાગોરે પ્રથમ વખત કોંગ્રેસના અધિવેશનમાં આ ગીત ગાયું હતું. સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આ ગીત ક્રાંતિકારીઓ માટે જોમ અને જુસ્સો પૂરું પાડનારું મુખ્ય સૂત્ર બની ગયું હતું. સંસ્કૃતના આ શબ્દનો અર્થ 'હે માતા, હું તને નમન કરું છું' એવો થાય છે.
અદાલતે અંતમાં જણાવ્યું કે જો ભવિષ્યમાં આ પ્રોટોકોલના નામે કોઈને ફરજિયાત ગીત ગાવા મજબૂર કરવામાં આવે અથવા કોઈ શિક્ષાત્મક નોટિસ આપવામાં આવે, તો જ અરજદાર ફરીથી ન્યાય મેળવવા અદાલતના દ્વાર ખખડાવી શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

કર્ણાટકમાં અનામતના મુદ્દે મોટો ઝટકો! SC માટે 17% અને ST માટે 7% અનામત વધારતો કાયદો હાઈકોર્ટે કેમ રદ કર્યો?