ઝારખંડમાં વિદ્યાર્થીઓનો હલ્લાબોલ!
પરીક્ષા ગેરરીતિ સામે વિદ્યાર્થીઓનો જંગ: વિધાનસભા કૂચ દરમિયાન પોલીસનો કડક એક્શન

ઈન્ટરનેટ

ઈન્ટરનેટ
ઝારખંડમાં વિદ્યાર્થીઓનો ઉગ્ર વિરોધ, વિધાનસભા તરફ કૂચ! પોલીસનો લાઠીચાર્જ-ટીયર ગેસ, JPSCના પૂર્વ ચેરમેનની ધરપકડથી રાજકારણ ગરમાયું
ઝારખંડની રાજધાની રાંચીમાં JPSC-JSSC પરીક્ષાઓમાં ગેરરીતિના આરોપોને લઈને વિદ્યાર્થીઓનું આંદોલન ઉગ્ર બની ગયું છે. હજારો વિદ્યાર્થીઓ વિધાનસભા તરફ કૂચ કરી પહોંચતા પોલીસ અને પ્રદર્શનકારીઓ આમને-સામને આવી ગયા હતા. સ્થિતિ વણસતાં પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના શેલ છોડ્યા હતા. વિદ્યાર્થીઓ બેરિકેડિંગ તોડીને વિધાનસભા તરફ આગળ વધવાનો પ્રયાસ કરતા પોલીસને કડક કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે JPSCના પૂર્વ ચેરમેન એલ. ખ્યાંગ્તેની CID દ્વારા ધરપકડ કરવામાં આવતા મામલો વધુ ગરમાયો છે.
વિધાનસભાથી માત્ર 100 મીટર દૂર પહોંચ્યા વિદ્યાર્થીઓ
JPSC અને JSSCની ભરતી પરીક્ષાઓમાં ગેરરીતિના આરોપોને લઈને છેલ્લા 17 દિવસથી વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે. સોમવારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિધાનસભા નજીક પહોંચી ગયા હતા અને ત્યાં ધરણા શરૂ કરી દીધા હતા. વિદ્યાર્થીઓ વિધાનસભાથી આશરે 100 મીટર નજીક સુધી પહોંચી ગયા હતા. તેમને રોકવા માટે પોલીસ દ્વારા કાંટાળા તારની બેરિકેડિંગ કરવામાં આવી હતી અને વોટર કેનન તૈનાત કરવામાં આવ્યા હતા. જોકે, વિદ્યાર્થીઓએ બેરિકેડિંગ પર ચઢીને વિરોધ કર્યો હતો. કેટલાક વિદ્યાર્થીઓ બેરિકેડિંગ પર ડાન્સ કરતા પણ જોવા મળ્યા હતા. પરિસ્થિતિ વધુ તંગ બનતાં પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના શેલ છોડ્યા હતા. સામે વિદ્યાર્થીઓ તરફથી પાણીની બોટલો અને ચંપલ ફેંકવામાં આવ્યા હોવાના અહેવાલ છે.
વિધાનસભા પર 6 સ્તરની સુરક્ષા
વિદ્યાર્થીઓના આંદોલનને ધ્યાનમાં રાખીને ઝારખંડ વિધાનસભાની આસપાસ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વિધાનસભાને ચારેય તરફથી 6 સ્તરની સુરક્ષાથી ઘેરવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થામાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો ઉપરાંત CCTV કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. આંદોલનને વધુ ધાર આપવા માટે છેલ્લા 9 દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા વિદ્યાર્થી નેતા દેવેન્દ્રનાથ મહતોને એમ્બ્યુલન્સ મારફતે વિધાનસભા માર્ચમાં સામેલ કરવામાં આવ્યા હતા.
ભાજપના ધારાસભ્યો પણ વિદ્યાર્થીઓના સમર્થનમાં
વિદ્યાર્થીઓના આંદોલન વચ્ચે રાજકીય ગરમાવો પણ વધ્યો છે. ભાજપના ધારાસભ્યો વિદ્યાર્થીઓના સમર્થનમાં મુખ્યમંત્રી આવાસ સામે ધરણા પર બેઠા હતા. જોકે, પોલીસે બાદમાં ભાજપના ધારાસભ્યોને ત્યાંથી હટાવી દીધા હતા. આમ વિદ્યાર્થીઓના વિરોધથી શરૂ થયેલો મુદ્દો હવે સરકાર અને વિપક્ષ વચ્ચેના સીધા રાજકીય ટકરાવમાં પણ ફેરવાઈ રહ્યો છે.
17 દિવસથી આંદોલન, 6 વિદ્યાર્થીઓ ભૂખ હડતાળ પર
વિદ્યાર્થીઓ JPSC અને JSSCની પરીક્ષાઓમાં ગેરરીતિના આરોપો સામે કાર્યવાહી કરવાની માંગ સાથે 17 દિવસથી આંદોલન કરી રહ્યા છે. હાલમાં 6 વિદ્યાર્થીઓ ભૂખ હડતાળ પર બેઠા છે. વિદ્યાર્થીઓની મુખ્ય માંગોમાં પરીક્ષાઓ રદ કરવી, સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવી અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાનો સમાવેશ થાય છે.
સરકાર સાથેની બેઠકમાં 98% માંગણીઓ પર સહમતિનો દાવો
રવિવારે વિદ્યાર્થીઓ અને સરકાર વચ્ચે ત્રીજા રાઉન્ડની બેઠક યોજાઈ હતી. સરકારનો દાવો છે કે વિદ્યાર્થીઓની આશરે 98 ટકા માંગણીઓ સ્વીકારી લેવામાં આવી છે. સરકારે JPSC-PT પરીક્ષા રદ કરવા માટે સંમતિ દર્શાવી છે. જોકે, JSSC-CGL પરીક્ષા રદ કરવાની અને સમગ્ર મામલાની CBI તપાસ કરાવવાની માંગ પર હજુ સહમતિ બની નથી. આ જ મુદ્દો વિદ્યાર્થીઓના આંદોલનને વધુ ઉગ્ર બનાવી રહ્યો છે.
JPSCના પૂર્વ ચેરમેન એલ. ખ્યાંગ્તેની CIDએ કરી ધરપકડ
વિદ્યાર્થીઓના ઉગ્ર વિરોધ વચ્ચે CIDએ JPSCના પૂર્વ ચેરમેન એલ. ખ્યાંગ્તેની ધરપકડ કરી છે. 21 જુલાઈએ JPSC કાર્યાલયમાં CID અને રાંચી પોલીસે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી બાદ એલ. ખ્યાંગ્તેએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. 22 જુલાઈએ રાજ્યપાલ સંતોષ કુમાર ગંગવારે તેમનું રાજીનામું મંજૂર કર્યું હતું. ત્યારબાદથી CID દ્વારા તેમની સતત પૂછપરછ કરવામાં આવી રહી હતી અને હવે તેમની ધરપકડ કરવામાં આવી છે.
JPSCના ત્રણ સભ્યોના પણ રાજીનામાં
મામલો અહીં અટક્યો નથી. JPSCમાં વધુ એક મોટો વહીવટી ફેરફાર થયો છે. આયોગના ત્રણ સભ્યો—અજીતા ભટ્ટાચાર્ય, જમીલ અહેમદ અને અનિમા હાંસદા—એ પોતાના પદ પરથી રાજીનામાં આપી દીધા છે. ત્રણેયના રાજીનામાં રાજ્યપાલને મોકલવામાં આવ્યા હતા, જેને મંજૂરી આપવામાં આવી છે. હાલ JPSCની ભરતી પરીક્ષાઓમાં ગેરરીતિના આરોપોની CID તપાસ કરી રહી છે. આ તપાસના ભાગરૂપે આયોગના સભ્યોની પૂછપરછ પણ ચાલી રહી છે. આગામી 10 ઓગસ્ટે ડૉ. અજીતા ભટ્ટાચાર્યની પૂછપરછ થવાની છે.
બાબુલાલ મરાંડીએ સરકાર પર સાધ્યું નિશાન
વિપક્ષના નેતા બાબુલાલ મરાંડીએ પૂર્વ JPSC અધ્યક્ષની ધરપકડને લઈને હેમંત સોરેન સરકાર પર આકરો પ્રહાર કર્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેમણે આરોપ લગાવ્યો કે પૂર્વ અધ્યક્ષની ધરપકડ માત્ર દેખાડો છે અને સરકાર બાદમાં ચાર્જશીટ દાખલ કર્યા વિના તેમને ડિફોલ્ટ જામીન અપાવીને સમગ્ર મામલો ઠંડો પાડી શકે છે. મરાંડીએ આરોપ લગાવ્યો કે વિદ્યાર્થીઓની માગ માત્ર JPSC પૂરતી મર્યાદિત નથી. JSSCની સહાયક આચાર્ય, CGL, ઉત્પાદ સિપાહી અને PGT સહિતની પરીક્ષાઓમાં પણ મોટા પાયે ગેરરીતિના આરોપો છે. વિપક્ષે માંગ કરી છે કે જો સરકાર ખરેખર કડક કાર્યવાહી કરવા માગતી હોય તો JPSCના ત્રણેય સભ્યો ઉપરાંત JSSC-CGL પરીક્ષા દરમિયાન જવાબદાર રહેલા તત્કાલીન અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવે.
લાઠીચાર્જથી લઈને ધરપકડ સુધી... ઝારખંડમાં રાજકીય તાપમાન ચરમસીમાએ
એક તરફ હજારો વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગેરરીતિ સામે રસ્તા પર ઉતર્યા છે, તો બીજી તરફ સરકાર અને વિપક્ષ વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર શરૂ થયો છે. વિધાનસભાથી માત્ર 100 મીટર દૂર વિદ્યાર્થીઓનો હલ્લાબોલ, પોલીસનો લાઠીચાર્જ અને ટીયર ગેસ, ભાજપનું ધરણું અને JPSCના પૂર્વ ચેરમેનની ધરપકડ—આ સમગ્ર ઘટનાક્રમે ઝારખંડની રાજનીતિમાં ભારે ગરમાવો લાવી દીધો છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે સરકાર વિદ્યાર્થીઓની બાકી રહેલી માંગણીઓ પર શું નિર્ણય લે છે અને પરીક્ષા ગેરરીતિના આરોપોની તપાસ ક્યાં સુધી પહોંચે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

દેશના આકાશમાં મોટો ફેરફાર! IMDની નવી સેટેલાઇટ તસવીરોમાં ભારતના લગભગ 90% વિસ્તારમાં વાદળો ઘટ્યા છે… તો શું ચોમાસું હવે વિદાય તરફ છે?

વર્ષોની મહેનત બાદ પરીક્ષા પ્રક્રિયા અંગે ઉઠેલા સવાલો વિદ્યાર્થીઓના ભવિષ્યને કેવી રીતે અસર કરી શકે છે? પુણેમાં થનારા વિરોધથી લઈને ઉમેદવારોની તમામ માગણીઓ સુધી જાણો સમગ્ર મામલો...

શ્રીનગર એરપોર્ટ પર ઈન્ડિગોની ફ્લાઈટ 6E 225 સાથે બનેલી ઘટનાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. જાણો ઘટના કેવી રીતે બની અને તપાસમાં કયા પાસાં પર ધ્યાન અપાઈ રહ્યું છે.