વાંગચુકના પારણાં બાદ CJPનો આરપારની લડાઈનો દાવો
CJP સાથે વાંગચુકના મતભેદની અટકળો વચ્ચે જંતર-મંતર પર વિરોધ યથાવત

ઈન્ટરનેટ

ઈન્ટરનેટ
Jantar Mantar Protest: દેશભરમાં ભારે વિવાદ સર્જનાર NEET પરીક્ષા પેપર લીક અને પરીક્ષા પ્રણાલીમાં ગેરરીતિઓના વિરોધમાં ચાલતા આંદોલને એક નવો વળાંક લીધો છે. પાટનગર દિલ્હીમાં છેલ્લા 26 દિવસથી અન્ન-જળનો ત્યાગ કરીને અનિશ્ચિત મુદતની ભૂખ હડતાળ પર બેઠેલા જાણીતા સામાજિક કાર્યકર સોનમ વાંગચુકે આખરે સરકાર તરફથી મળેલી લેખિત ખાતરીઓ બાદ પોતાના ઉપવાસ સમાપ્ત કર્યા છે. ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા વાંગચુકને કેન્દ્રીય મંત્રીઓ જે.પી. નડ્ડા અને જીતેન્દ્ર સિંહે મુલાકાત લઈને પારણા કરાવ્યા હતા. જોકે, બીજી તરફ આ આંદોલનની આગેવાની કરી રહેલી કોકરોચ જનતા પાર્ટી (CJP) અને સોનમ વાંગચુક વચ્ચે આ નિર્ણયને લઈને મતભેદો અને તિરાડ સપાટી પર આવ્યા છે.
END OF HUNGER... BEGINNING OF ACCOUNTABILITY...!
— Sonam Wangchuk (@Wangchuk66) July 24, 2026
Sonam Wangchuk ends his fast after 26 days upon getting assurance from the government and members of parliament of all political parties that the issue of accountability in the failing examination system will be discussed on the… pic.twitter.com/0C9YX5VlsL
સરકારની 3 મુખ્ય લેખિત શરતો અને વાંગચુકનો નિર્ણય
સોનમ વાંગચુકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાના ઉપવાસ તોડતો વીડિયો શેર કરતાં લખ્યું હતું, "ભૂખનો અંત, જવાબદારીની શરૂઆત!" તેમણે સ્પષ્ટ કર્યું કે સરકાર પાસેથી મજબૂત લેખિત ખાતરીઓ મેળવવા માટે જ તેમણે છેલ્લા 2 દિવસ વધુ ઉપવાસ ખેંચ્યા હતા. વિવિધ રાજકીય પક્ષોના 65 સાંસદોના વિનંતી પત્ર, લદ્દાખ એપેક્સ બોડીના નેતાઓ અને મંત્રીઓ સાથેની લાંબી વાટાઘાટો બાદ સરકારે 3 મુખ્ય મુદ્દાઓ પર લેખિત સહમતી દર્શાવી છે:
વિદ્યાર્થીઓ સામે કાનૂની કાર્યવાહી નહીં: 20 જુલાઈના રોજ 'સંસદ ચલો' કૂચમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ સામે કોઈ FIR કે કાનૂની પગલાં લેવામાં આવશે નહીં.
પીડિત પરિવારોને વળતર: NEET પેપર લીકના આઘાતમાં આપઘાત કરનારા 20 થી વધુ વિદ્યાર્થીઓના પરિવારોને પૂરતું આર્થિક વળતર આપવા અંગે સરકાર સકારાત્મક નિર્ણય લેશે.
સંસદમાં સુધારા અંગે ચર્ચા: દેશની શૈક્ષણિક અને પરીક્ષા પ્રણાલીમાં સુધારા તેમજ પેપર લીકની ઘટનાઓ અટકાવવા માટે સંસદમાં વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવશે.
CJP અને વાંગચુક વચ્ચે રાજીનામાના મુદ્દે 'વિવાદ'
સોનમ વાંગચુકના ઉપવાસ સમાપ્ત થવા છતાં આંદોલનમાં મોટો વિભાજન જોવા મળ્યો છે. આંદોલનની શરૂઆતમાં સોનમ વાંગચુક અને CJP ની સૌથી પ્રાથમિક માંગ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું હતું. પરંતુ, સરકાર સાથે થયેલા કરારમાં આ માંગણીનો સમાવેશ ન થતાં CJP નારાજ જણાઈ રહી છે. CJP અથવા તેના સ્થાપક અભિજીત દિપકે વાંગચુકના ઉપવાસ તોડવાના વીડિયો કે અપડેટ્સ પોતાના સત્તાવાર હેન્ડલ્સ પર શેર કર્યા નથી. વાંગચુકે આ અંગે ખુલાસો કરતા જણાવ્યું કે, સરકાર શિક્ષણ મંત્રીના રાજીનામા અંગે કોઈ ખાતરી આપવા તૈયાર નહોતી. તેમની પાસે બે જ વિકલ્પો હતા: કાં તો રાજીનામાની હઠ પકડીને વધુ અઠવાડિયા સુધી ભૂખ હડતાળ ચાલુ રાખીને પોતાનો જીવ જોખમમાં મૂકવો અથવા દેશના નિર્દોષ બાળકોના ભવિષ્યને FIR થી બચાવવા માટે ઉપવાસ સમાપ્ત કરવા. વાંગચુકે ઉમેર્યું કે શિક્ષણ મંત્રીનું રાજીનામું ન આપવું તે સરકાર માટે જ નુકસાનકારક રહેશે.
Message of Abhijit Dipke ho everyone,
— Cockroach Janta Party (@CJP_for_India) July 24, 2026
At Jantar Mantar 📍 pic.twitter.com/wl0N71xJVv
અભિજીત દિપક અને CJP નું વલણ: રાજીનામા સુધી લડત ચાલુ રહેશે
સોનમ વાંગચુકના નિર્ણય બાદ CJP ના સ્થાપક અભિજીત દિપકે સોશિયલ મીડિયા પર એક વીડિયો સંદેશ જાહેર કરીને વાંગચુકના સ્વાસ્થ્ય અને બલિદાનની સરાહના કરી હતી, પરંતુ સાથે જ સ્પષ્ટ કર્યું હતું કે તેમનો વિરોધ અટકશે નહીં. દિપકે કહ્યું, "અમને ખૂબ જ રાહત છે કે સોનમ સરએ 26 દિવસ પછી ભૂખ હડતાળ સમાપ્ત કરી. રાષ્ટ્રની ચેતના જાગૃત કરવા બદલ તમારો આભાર. પરંતુ, ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું ન આપે ત્યાં સુધી CJP નો શાંતિપૂર્ણ વિરોધ જંતર-મંતર પર ચાલુ જ રહેશે." આ ઉપરાંત, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંસદમાં કડક કાયદો લાવવાની જાહેરાત પર અભિજીત દિપકેએ કટાક્ષ કર્યો હતો. તેમણે X પર વાડ વગરના કમ્પાઉન્ડના દરવાજે તાળું મારતા માણસનો ફોટો શેર કરીને સૂચવ્યું કે શિક્ષણ મંત્રીને હટાવ્યા વિના કાયદો બનાવવો નકામો છે. CJP ના રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ રંકાએ પણ માંગ કરી છે કે જો સરકાર ખરેખર ગંભીર હોય તો સૌથી પહેલા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને પદભ્રષ્ટ કરે.
જંતર-મંતર પર સ્થિતિ તંગ: સુરક્ષા દળો ખડકાયા, મેટ્રો બંધ
વાંગચુકના ઉપવાસ પાછો ખેંચવા છતાં પાટનગર દિલ્હીમાં પરિસ્થિતિ હજુ પણ તણાવપૂર્ણ છે. CJP ના આહ્વાનને પગલે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વિરોધકર્તાઓ જંતર-મંતર પર એકઠા થયા છે અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. સ્થિતિને કાબૂમાં રાખવા માટે મધ્ય દિલ્હીમાં ભારે સુરક્ષા દળો તૈનાત કરી દેવામાં આવ્યા છે. સાવચેતીના પગલા રૂપે જંતર-મંતર આસપાસના મેટ્રો સ્ટેશનો બંધ કરવામાં આવ્યા છે અને કેટલાક વિસ્તારોમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. વિપક્ષી પક્ષો અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તરફથી પણ વિદ્યાર્થીઓના આંદોલનને સંપૂર્ણ સમર્થન મળી રહ્યું છે, જેના કારણે સંસદના ચોમાસુ સત્રની કાર્યવાહીમાં સતત વિઘ્નો પડી રહ્યા છે.
વડાપ્રધાન મોદીની પ્રતિક્રિયા અને ભવિષ્યની દિશા
સોનમ વાંગચુકના ઉપવાસ સમાપ્ત થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને તબીબોની સલાહનું પાલન કરવા અને ઝડપથી પૂર્ણ સ્વસ્થ થવાની અપીલ કરી હતી તથા તેમના સારા સ્વાસ્થ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સોનમ વાંગચુક જેવા મુખ્ય ચહેરાના હટી ગયા બાદ હવે સંપૂર્ણ આંદોલનની જવાબદારી CJP ના ખભા પર આવી ગઈ છે. સરકાર તરફથી મળેલા આશ્વાસનો અને બીજી તરફ શિક્ષણ મંત્રીના રાજીનામાની માગ સાથે જંતર-મંતર પર અડગ રહેલા વિરોધકર્તાઓ વચ્ચે આ આંદોલન આગળ કયું રૂપ ધારણ કરશે તેના પર સમગ્ર દેશની નજર મંડાયેલી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

કર્ણાટકમાં અનામતના મુદ્દે મોટો ઝટકો! SC માટે 17% અને ST માટે 7% અનામત વધારતો કાયદો હાઈકોર્ટે કેમ રદ કર્યો?