પંજાબ કોંગ્રેસમાં બળવાનો અંત!
હાઈકમાન્ડના કડક વલણ બાદ ચરણજીત ચન્ની જૂથે હથિયાર હેઠા મૂક્યા, એકતાનો દાવો

ઈન્ટરનેટ

ઈન્ટરનેટ
Punjab Congress Crisis Resolved: પંજાબ કોંગ્રેસમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો આંતરિક બળવો હવે શાંત પડતો દેખાઈ રહ્યો છે. કોંગ્રેસ હાઈકમાન્ડના અત્યંત કડક અને આકરા વલણ સામે નારાજ નેતાઓના જૂથે આખરે પીછેહઠ કરવી પડી છે. પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ નરમ વલણ અપનાવતા સ્પષ્ટ કર્યું છે કે તેમનો મુખ્ય ધ્યેય કોંગ્રેસ પાર્ટીને અકબંધ અને એક રાખવાનો છે. તેમણે ઉમેર્યું કે હાઈકમાન્ડ દ્વારા પક્ષના હિતમાં જે પણ રણનીતિ નક્કી કરવામાં આવશે, તેને જમીની સ્તરે સફળ બનાવવા માટે તેઓ તમામ નેતાઓ સાથે મળીને કામ કરશે. આ જાહેરાત પહેલાં ચન્નીએ ચંદીગઢમાં પોતાના અંગત સમર્થકો અને વફાદાર નેતાઓ સાથે એક મહત્વની બેઠક યોજી હતી.
પ્રિયંકા ગાંધીની મધ્યસ્થી અને ભૂપેશ બઘેલનું ડેમેજ કંટ્રોલ
આ રાજકીય સંકટને રોકવા માટે કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પોતે મોરચો સંભાળ્યો હતો. તેમણે ભૂતપૂર્વ સીએમ ચરણજીત ચન્ની સાથે ફોન પર સીધી વાતચીત કરી હાઈકમાન્ડનો સંદેશો પહોંચાડ્યો હતો, જેના તુરંત બાદ ચન્નીએ પોતાના સમર્થકોની કટોકટીની બેઠક બોલાવી હતી. બીજી તરફ, પંજાબ કોંગ્રેસના પ્રભારી ભૂપેશ બઘેલ પણ સક્રિય બન્યા છે અને તેઓ નારાજ પૂર્વ મંત્રી બ્રહ્મ મહેન્દ્રને મનાવવા માટે તેમના નિવાસ્થાને પહોંચ્યા હતા. ભૂપેશ બઘેલે મક્કમતાપૂર્વક દાવો કર્યો છે કે હાઈકમાન્ડ પોતાના નિર્ણયોમાં કોઈ ફેરફાર કરશે નહીં, પરંતુ તમામ અસંતુષ્ટ નેતાઓ ટૂંક સમયમાં જ મતભેદો ભૂલીને એક થઈ જશે.
'આ સમયે પંજાબમાં પ્રયોગો પરવડે તેમ નથી' - પરગટ સિંહ
ચન્ની જૂથના કટ્ટર સમર્થક અને ધારાસભ્ય પરગટ સિંહે પક્ષની સ્થિતિ અંગે જણાવ્યું કે, "આ નાજુક સમયે આપણે પંજાબના રાજકારણમાં કોઈ નવા પ્રયોગો કરી શકીએ નહીં." જો કે, તેમણે તાજેતરમાં હાઈકમાન્ડ દ્વારા પંજાબમાં નિયુક્ત કરાયેલા 3 નવા કાર્યકારી પ્રદેશ પ્રમુખોની નિમણૂક સામે આડકતરો અસંતોષ વ્યક્ત કર્યો હતો. પરગટ સિંહે વધુમાં ઉમેર્યું કે લોકશાહીમાં કોઈ મુદ્દા પર વૈચારિક મતભેદો હોવા સ્વાભાવિક છે અને નારાજ સભ્યોની ચિંતાઓ હાઈકમાન્ડ સુધી પહોંચાડી દેવાઈ છે. પરંતુ અત્યારે પંજાબમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અત્યંત નબળી છે, જેથી તમામ કોંગ્રેસીઓનું એકમાત્ર લક્ષ્ય આમ આદમી પાર્ટી અને ભાજપની રાજકીય રણનીતિને ધ્વસ્ત કરવાનું છે.
રાહુલ ગાંધીની કડક ચેતવણી અને ટિકિટ કાપવાનો સંકેત
હાઈકમાન્ડ સાથે પરામર્શ કર્યા બાદ રાજ્ય પ્રભારી ભૂપેશ બઘેલે બળવાખોરોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે નેતૃત્વના નિર્ણયો અને પંજાબમાં રચાયેલી નવી ચૂંટણી સમિતિઓમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહીં. આ આકરા વલણથી બળવાખોર જૂથમાં ભારે ફફડાટ વ્યાપ્યો છે. નારાજ નેતાઓને સ્પષ્ટ સંકેત અપાયો છે કે જો તેઓ પક્ષના આદેશનો અનાદર કરશે તો તેમને હાસિયામાં ધકેલી દેવાશે અને આગામી વિધાનસભા ચૂંટણીમાં તેમની ટિકિટ પણ કાપી નાખવામાં આવશે. અગાઉ ફેબ્રુઆરીમાં પંજાબના બરનાલાની મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં તમામ વરિષ્ઠ નેતાઓને ચેતવણી આપી હતી કે પક્ષમાં એકતા નહીં રાખનારને હાંકી કાઢવામાં આવશે. આ દબાણ વચ્ચે બુધવારે ચન્ની જૂથના ઘણા પૂર્વ ધારાસભ્યો અને વરિષ્ઠ નેતાઓ રાજ્ય મુખ્યાલયે બઘેલને મળવા પહોંચ્યા હતા.
કોંગ્રેસના આંતરિક વિખવાદ પર ભાજપનો કટાક્ષ
પંજાબ કોંગ્રેસના આ આંતરિક ઘમાસાણ પર વિપક્ષ ભાજપે આકરા પ્રહારો કર્યા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ તરુણ ચુગે કટાક્ષ કરતા જણાવ્યું કે, ભૂપેશ બઘેલના નિવેદનોથી કોંગ્રેસની આંતરિક સરમુખત્યારશાહી અને વંશવાદી રાજકારણની માનસિકતા ખુલ્લી પડી ગઈ છે. ગાંધી-નેહરુ પરિવારે છેલ્લા 7 દાયકાથી પંજાબના નેતાઓને માત્ર કઠપૂતળીની જેમ વાપર્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસે હંમેશા પંજાબી સુબાનો મુદ્દો હોય, 1984 નો શીખ હત્યાકાંડ હોય, પંજાબના પાણીની વહેંચણી હોય કે ચંદીગઢનો વિવાદ હોય – હંમેશા પંજાબના હિતોને નુકસાન પહોંચાડીને તેના વિકાસમાં અવરોધો ઊભા કરવાનું જ કામ કર્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

કર્ણાટકમાં અનામતના મુદ્દે મોટો ઝટકો! SC માટે 17% અને ST માટે 7% અનામત વધારતો કાયદો હાઈકોર્ટે કેમ રદ કર્યો?