બાંકીપુરમાં ભાજપની કારમી હાર
જન સુરાજ પાર્ટીના પ્રશાંત કિશોરનો ઐતિહાસિક વિજય

ઈન્ટરનેટ

ઈન્ટરનેટ
Bankipur Bypoll Election Result: બિહારની રાજનીતિમાં એક બહુ મોટો અને ઐતિહાસિક ઉલટફેર જોવા મળ્યો છે. છેલ્લા ત્રણ દાયકાથી ભારતીય જનતા પાર્ટી (BJP) નો અજેય કિલ્લો ગણાતી પટનાની બાંકીપુર વિધાનસભા બેઠક પર ભાજપને શરમજનક અને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. જન સુરાજ પાર્ટીના સ્થાપક અને રાજકીય રણનીતિકારમાંથી નેતા બનેલા પ્રશાંત કિશોરે પોતાની પ્રથમ જ ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર નીરજ સિંહાને 18,953 મતોના વિશાળ અંતરથી પરાજય આપીને એક નવો રાજકીય ઈતિહાસ રચી દીધો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનની આ પરંપરાગત બેઠક ગુમાવવાથી ભાજપના નેતૃત્વને મોટો આંચકો લાગ્યો છે અને આ હારનો ગૂંજ પટનાથી લઈને નવી દિલ્હી સુધી સંભળાઈ રહ્યો છે.
પ્રશાંત કિશોરને કુલ 63,203 મત મળ્યા
30 જુલાઈના રોજ યોજાયેલા મતદાન બાદ, 3 ઓગસ્ટના રોજ સવારે 8:00 વાગ્યે પટનાના બોરિંગ રોડ પર આવેલા એ.એન. કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. શરૂઆતના રાઉન્ડથી જ પ્રશાંત કિશોરે મેળવેલી મજબૂત લીડ છેક અંત સુધી જાળવી રાખી હતી. 28મા રાઉન્ડના અંતે જ ભાજપના ગણતરી એજન્ટો નિરાશ થઈને કેન્દ્ર છોડીને બહાર નીકળી ગયા હતા, જેથી જન સુરાજની જીત સત્તાવાર ઘોષણા પહેલા જ નક્કી થઈ ગઈ હતી. ચૂંટણીના આખરી આંકડા મુજબ, પ્રશાંત કિશોરને કુલ 63,203 મત મળ્યા હતા, જ્યારે ભાજપના નીરજ સિંહાને 44,250 મત અને આરજેડી (RJD) ના ઉમેદવાર રેખા કુમારીને માત્ર 14,085 મતથી સંતોષ માનવો પડ્યો હતો.
31 વર્ષ જૂનો વંશપરંપરાગત ગઢ ધ્વસ્ત
બાંકીપુર વિધાનસભા બેઠક પર છેલ્લા 31 વર્ષથી નીતિન નવીન અને તેમના પરિવારનું એકહથ્થુ શાસન રહ્યું હતું. 1995 થી 2005 સુધી નીતિન નવીનના પિતા, સ્વર્ગસ્થ નવીન કિશોર પ્રસાદ સિંહા ભાજપના બેનર હેઠળ સતત ચૂંટાઈ આવતા હતા. 2005 માં તેમના રહસ્યમય અવસાન બાદ એપ્રિલ 2006 માં યોજાયેલી પેટાચૂંટણીમાં નીતિન નવીને પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરી હતી અને 80 ટકાથી વધુ મતો મેળવી વિજયી બન્યા હતા. ત્યારબાદ 2008 માં સીમાંકન પછી આ બેઠક બાંકીપુર તરીકે ઓળખાઈ. નીતિન નવીન અહીથી સતત 4 વખત ચૂંટાયા હતા.
નવીન પરિવારના વર્ચસ્વનો અંત
2020 ની વિધાનસભા ચૂંટણીમાં નીતિન નવીને કોંગ્રેસના લવ સિંહાને 39,000 મતોથી અને 2025 ની ચૂંટણીમાં RJD ના રેખા કુમારીને 51,936 મતોના જંગી માર્જિનથી હરાવ્યા હતા. પટના જિલ્લાની 14 બેઠકોમાં રાજેન્દ્ર નગર, મીઠાપુર, ગરદાનીબાગ, કદમકુઆં, બોરિંગ રોડ અને ગાંધી મેદાન જેવા પોશ વિસ્તારો ધરાવતી આ બેઠક ભાજપ માટે સૌથી સુરક્ષિત માનવામાં આવતી હતી. જોકે, નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ યોજાયેલી આ પેટાચૂંટણીમાં જનતાએ તેમના 30 વર્ષ જૂના સામ્રાજ્યને ઉખેડી ફેંક્યું છે.
ભાજપની હારના 5 મુખ્ય કારણો
બાંકીપુરમાં ભાજપની કારમી હાર પાછળ અનેક સ્થાનિક અને રાજકીય પરિબળો જવાબદાર રહ્યા છે. સૌથી પહેલું કારણ ભાજપનો અતિ-આત્મવિશ્વાસ અને ઉમેદવારની પસંદગીમાં થયેલી ગંભીર ભૂલ હતી. શરૂઆતમાં ભાજપે અભિષેક બંટીને ટિકિટ આપી હતી, પરંતુ બાદમાં તેમને બદલીને એક અજાણ્યા અને નબળા ઉમેદવાર નીરજ સિંહાને મેદાનમાં ઉતાર્યા હતા. પૂર્વ સાંસદ આર.કે. સિંહાના પુત્ર ઋતુરાજ સિંહા કે પ્રો. રણવીર નંદન જેવા મજબૂત ચહેરાઓને બાજુ પર રાખીને નબળા ઉમેદવારની પસંદગીથી મતદારોમાં ભારે નારાજગી જન્મી હતી. પ્રશાંત કિશોર લોકોને એ સમજાવવામાં સફળ રહ્યા કે ભાજપ ગમે તેવા ઉમેદવારને ઊભો રાખીને ચૂંટણી જીતી શકે નહીં.
NEET પેપર લીક કાંડની પણ ચૂંટણી પર ઊંડી અસર
આ ઉપરાંત, નીટ (NEET) પરીક્ષાના પેપર લીક કાંડ અને વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનની પણ ચૂંટણી પર ઊંડી અસર પડી હતી. યુજીસી (UGC) ની નીતિઓને કારણે ઉચ્ચ જાતિના યુવાનોમાં ભારે રોષ હતો. બિહારમાં સમ્રાટ ચૌધરી સરકારની કાયદો અને વ્યવસ્થાની વણસેલી સ્થિતિ અને ભરત તિવારી નામના યુવકના વિવાદાસ્પદ એન્કાઉન્ટરને કારણે જનતામાં ભારે આક્રોશ ફેલાયેલો હતો. દૈનિક વપરાશની વસ્તુઓ સહિત પેટ્રોલ, ડીઝલ, સીએનજી (CNG) અને ગેસના વધતા ભાવ તેમજ E20 પેટ્રોલ અંગેની અનિશ્ચિતતા જેવા મુદ્દાઓએ પણ ભાજપના પરંપરાગત મતદારોને દૂર કર્યા હતા.
જાતિગત સમીકરણો તૂટ્યા
બાંકીપુર બેઠક પરંપરાગત રીતે કાયસ્થ સમુદાયનો ગઢ માનવામાં આવે છે. પરંતુ એક જ વર્ષની અંદર ભાજપે પટનાની બંને શહેરી બેઠકો પરથી કાયસ્થ પ્રતિનિધિત્વ છીનવી લીધું હોવાની લાગણી આ સમુદાયમાં ઘર કરી ગઈ હતી. કુંભરાહર બેઠક વૈશ્ય સમુદાયને આપ્યા બાદ બાંકીપુરમાં પણ નબળા ઉમેદવારને ટિકિટ અપાતાં કાયસ્થ મતદારોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. પરિણામે કાયસ્થ મતદારો કાં તો ઘરમાં જ રહ્યા અથવા તેમના મતોનું વિભાજન થઈ ગયું.
પ્રશાંત કિશોરે કયા મુદ્દાઓ પર લડી ચૂંટણી?
આ ચૂંટણીની સૌથી મોટી વિશેષતા એ રહી કે બિહારના રાજકારણમાં પ્રથમ વખત જાતિગત સમીકરણો સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયા. ભાજપે ભૂમિહાર, રાજપૂત, બ્રાહ્મણ, કાયસ્થ અને વૈશ્ય નેતાઓની આખી ફોજ મેદાનમાં ઉતારી હતી, પરંતુ જનતાએ જાતિવાદી રાજકારણને નકારી કાઢ્યું હતું. ભૂમિહાર અને રાજપૂત સમાજ પણ સરકારમાં યોગ્ય પ્રતિનિધિત્વ ન મળવાને કારણે ભાજપથી નારાજ હતો. પ્રશાંત કિશોરે જાતિગત વિચારસરણીથી ઉપર ઉઠીને શિક્ષણ, રોજગાર અને સ્થળાંતર રોકવાના મુદ્દાઓ પર ચૂંટણી લડી, જેને જનતાએ ઉત્સાહભેર આવકારી હતી.
વિપક્ષનો શૂન્યાવકાશ અને જન સુરાજ તરફ મતોનો ધસારો
ચૂંટણી પરિણામોમાં એ પણ સ્પષ્ટ થયું છે કે બિહારમાં મુખ્ય વિપક્ષી દળો સંપૂર્ણપણે ગાયબ રહ્યા હતા. કોંગ્રેસનું અસ્તિત્વ નગણ્ય રહ્યું અને આરજેડી (RJD) ના નેતા તેજસ્વી યાદવ માત્ર પ્રચારના છેલ્લા બે દિવસમાં જ મેદાનમાં દેખાયા હતા. વિપક્ષી ઉમેદવાર રેખા કુમારી માત્ર 14,085 મતોમાં સમેટાઈ ગયા હતા. વિપક્ષમાં સર્જાયેલા આ શૂન્યાવકાશનો સીધો ફાયદો પ્રશાંત કિશોરને મળ્યો. ભાજપથી નારાજ વિપક્ષી મતો તેમજ મુસ્લિમ અને યાદવ મતોનો મોટો હિસ્સો પ્રશાંત કિશોરની તરફેણમાં ટ્રાન્સફર થઈ ગયો હતો.
ચૂંટણી જીત્યા બાદ શું બોલ્યા પ્રશાંત કિશોર?
ચૂંટણી જીત્યા બાદ ઉત્સાહિત પ્રશાંત કિશોરે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, "બાંકીપુરની જનતાએ પોતાનો સ્પષ્ટ અભિપ્રાય આપી દીધો છે કે તેમની પ્રાથમિકતાઓ શું છે. લોકો હવે જાતિવાદ નહીં પણ વિકાસ, શિક્ષણ અને રોજગાર ઈચ્છે છે." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સમ્રાટ ચૌધરી ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવે છે, તેથી તેમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું જોઈએ. તેમણે ભાજપના કેન્દ્રીય નેતૃત્વને અપીલ કરી હતી કે બિહારમાં સ્થળાંતર અટકાવી શકે તેવા યોગ્ય નેતાની મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરવામાં આવે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

કર્ણાટકમાં અનામતના મુદ્દે મોટો ઝટકો! SC માટે 17% અને ST માટે 7% અનામત વધારતો કાયદો હાઈકોર્ટે કેમ રદ કર્યો?