નેપાળમાં આજકાલ રાજાશાહીને લઈને રાજકારણ ગરમાયું છે. રવિવારે કાઠમંડુના ત્રિભુવન આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ભૂતપૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહનું સ્વાગત કરવા માટે હજારો લોકો એકઠા થયા હતા. આ સમય દરમિયાન, આખું કાઠમંડુ "રાજા પાછા આવો, દેશ બચાવો", "અમને રાજાશાહી જોઈએ છે", અને "રાજા માટે રાજમહેલ ખાલી કરો" જેવા નારાઓથી ગુંજી ઉઠ્યું. પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહ દેશ પરત ફરવાના છે તેના એક અઠવાડિયા પહેલા, નેપાળમાં રાજાશાહી તરફી રેલીઓ થઈ રહી છે. આ દરમિયાન નેપાળના ધ્વજ લહેરાવી રહ્યા છે, જેમાં નેપાળમાં હિન્દુ રાજાશાહી પાછી લાવવાની માંગ કરવામાં આવી રહી છે. મોટી વાત એ છે કે નેપાળના મોટા લોકો પણ ખુલ્લેઆમ રાજાશાહીનું સમર્થન કરી રહ્યા છે.
ભારત-નેપાળ સંબંધો વધુ મજબૂત બનશે...
હાલના નેપાળી નેતાઓમાં ઘણાં ચીન તરફ ઝુકેલા છે. જો રાજાશાહી વાપસી થાય, તો ભારત-નેપાળ સંબંધો ફરીથી મજબૂત થઈ શકે છે. ઇતિહાસ જાણે છે કે નેપાળના રાજા પરંપરાગત રીતે ભારત તરફ ઝુકેલા રહ્યા છે, અને તેઓ હંમેશા ભારત સાથે મૈત્રીપૂર્ણ સંબંધો જાળવી રાખતા. છેલ્લાં કેટલાક વર્ષોમાં ચીને નેપાળમાં મોટું રોકાણ કર્યું છે અને ત્યાંના રાજકીય નેતાઓ પર તેની પકડ મજબૂત બનાવી છે. જો રાજાશાહી પાછી આવે, તો ચીનની સપોર્ટ ધરાવતા નેતાઓની ભૂમિકા નબળી થઈ શકે છે, જે ભારત માટે ફાયદાકારક સાબિત થશે. નેપાળ એક સમય સુધી દુનિયાનું એકમાત્ર હિંદુ રાજ્ય હતું, અને જો રાજાશાહી વાપસી થાય, તો ત્યાં ફરીથી હિંદુ રાજ્યની સ્થાપના થઈ શકે છે. આથી ભારત અને નેપાળ વચ્ચે સાંસ્કૃતિક જોડાણ વધુ મજબૂત બનશે.

સરહદ સુરક્ષા અને આર્થિક સહકારમાં વધારો થશે...
અત્યારે ભારત-નેપાળ સરહદ ખુલ્લી છે, પણ ચીનના પ્રભાવને કારણે સુરક્ષા મુદ્દાઓ ઊભા થઈ રહ્યા છે. જો રાજાશાહી આવે, તો બંને દેશોની સરહદ વધુ સુરક્ષિત બનશે અને ભારત-નેપાળ વચ્ચે વેપાર-વ્યવસાયમાં વધારો થશે. નેપાળમાં છેલ્લા 16 વર્ષમાં 13થી વધુ સરકારો આવી ગઈ છે, જે રાજકીય અસ્થિરતાનું નિદર્શન કરે છે. રાજાશાહીનું પુનઃસ્થાપન અને સ્થિર સરકાર બની શકે છે, જે ભારત માટે વ્યૂહાત્મક રીતે ફાયદાકારક રહેશે. જો નેપાળમાં રાજાશાહી પાછી આવે, તો ભારત માટે રાજકીય, વ્યૂહાત્મક અને આર્થિક રીતે ફાયદો થઈ શકે છે. ચીનનો પ્રભાવ ઓછો થશે, હિંદુ સંસ્કૃતિ મજબૂત થશે અને બંને દેશો વચ્ચેના સંબંધો વધુ ઘનિષ્ઠ બનશે. જોકે, આ બધું નેપાળની આંતરિક રાજકીય પરિસ્થિતિ અને જનમત પર નિર્ભર કરશે.
નેપાળના પૂર્વ રાજાનું કાઠમંડુમાં ઉષ્માભર્યું સ્વાગત...
તમને જણાવી દઈએ કે, જ્ઞાનેન્દ્ર બે મહિના પછી નેપાળની રાજધાની કાઠમંડુ પરત ફર્યા છે. જ્યારે તેઓ પોખરામાં હતા અને પવિત્ર મંદિરોની મુલાકાત લેતા હતા. રાજાશાહી સમર્થક વ્યક્તિઓ અને હેન્ડલ્સનો દાવો છે કે જ્ઞાનેન્દ્રનું સ્વાગત કરવા માટે લગભગ 4 લાખ લોકો એકઠા થયા હતા. તે જ સમયે, આંતરરાષ્ટ્રીય મીડિયાએ અંદાજ લગાવ્યો છે કે આ સંખ્યા 10,000 હતી. "અમે અહીં રાજાને અમારો સંપૂર્ણ ટેકો આપવા અને તેમને શાહી સિંહાસન પર ફરીથી બેસાડવા માટે તેમની પાછળ ઊભા રહેવા આવ્યા છીએ," 72 વર્ષીય તીર બહાદુર ભંડારીએ જણાવ્યું.

નેપાળમાં રાજાશાહીના સમર્થનમાં લોકો...
"હું પરિવર્તનના પવનને અનુભવી શકું છું. નેપાળમાં રાજાશાહી, હિન્દુ રાજ્ય પુનઃસ્થાપિત કરવા અને સંઘવાદનો અંત લાવવા માટે ત્રીજા જન આંદોલન શરૂ થયું છે," બંધારણીય રાજાશાહી માટે પ્રયત્નશીલ હિન્દુ રાષ્ટ્રવાદી પક્ષ, રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટીના સભ્ય શ્યામલ કૃષ્ણ શ્રેષ્ઠાએ પોસ્ટ કરી. નેપાળ છેલ્લું હિન્દુ રાજ્ય હતું જેના રાજા મહા શિવરાત્રી દરમિયાન સેનાનું નિરીક્ષણ કરતા અને ઇન્દ્ર જાત્રાના તહેવાર દરમિયાન આશ્રયદાતા દેવી કુમારીના આશીર્વાદ લેતા.
સામ્યવાદીઓએ રાજાશાહી નાબૂદ કરી...
નેપાળમાં મોટી સંખ્યામાં લોકો હિન્દુ રાજાશાહીના પક્ષમાં છે. ચીન તરફી આંદોલને 2006 માં રાજા જ્ઞાનેન્દ્રના શાસનનો અંત લાવ્યો હોવાનું માનવામાં આવે છે. આ પછી નેપાળમાં સામ્યવાદીઓએ સત્તા સંભાળી. તેના બે મુખ્ય નેતાઓ પુષ્પ કમલ દહલ પ્રચંડ અને કેપી શર્મા ઓલી હતા. પ્રચંડે લાંબા સમય સુધી રાજાશાહી સામે ગેરિલા યુદ્ધ પણ ચલાવ્યું, જેના પરિણામે હજારો નિર્દોષ નેપાળી નાગરિકોના મોત થયા. જોકે, રાજકારણમાં આવ્યા પછી, પ્રચંડના બધા ગુના માફ થઈ ગયા.

લોકો રાજાશાહીની માંગ કેમ કરી રહ્યા છે?
નેપાળ 240 વર્ષ સુધી હિન્દુ રાજાશાહી રહ્યું. રાજાશાહીની તરફેણમાં લાગણી પાછળના કારણો સરકારમાં ભ્રષ્ટાચાર અને દેશમાં આર્થિક નિરાશા હોવાનું માનવામાં આવે છે. નેપાળમાં ગરીબી વધી રહી છે. સરકારી સ્તરે એવું કોઈ કામ થયું નથી, જેનાથી લોકોને રાહત મળી શકે. આ ઉપરાંત, નેપાળમાં રાજકીય સ્થિરતાનો અભાવ છે. દરેક રાજકારણી સત્તા અને આરામ માટે ગમે ત્યારે પક્ષ બદલવા તૈયાર હોય છે. આવી સ્થિતિમાં, ન તો સ્થિર સરકાર બની શકે છે અને ન તો દેશના હિતમાં નીતિઓ લાગુ કરી શકાય છે. નેપાળને પ્રજાસત્તાક બનાવવા માટે પ્રથમ ચૂંટણી 2008 માં યોજાઈ હતી, ત્યારથી 13 સરકારો રચાઈ છે.
કેપી શર્મા ઓલીએ શું કહ્યું?
નેપાળના રાજકીય નેતાઓ, જેમાં PM કેપી શર્મા ઓલીનો પણ સમાવેશ થાય છે, તેમણે હિમાલયના આ રાજ્યમાં રાજાશાહી પાછા ફરવાની શક્યતાને નકારી કાઢી છે. પીટીઆઈ અનુસાર, ઓલીએ 7 માર્ચે કહ્યું હતું કે, "આજકાલ કેટલાક લોકો રાજાશાહી પુનઃસ્થાપિત કરવા માટે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે, જે શક્ય નથી."