પેપર લીક પછી NTA નો નવો મોટો છબરડો
NEET ના વિદ્યાર્થીને સ્થાનિકના બદલે મળ્યું અબુ ધાબીનું સેન્ટર! એજન્સીની કામગીરી સામે ઉઠ્યા

ઈન્ટરનેટ

ઈન્ટરનેટ
NTA Allots Abu Dhabi Exam Center to Nagpur Student: દેશભરમાં તબીબી પ્રવેશ પરીક્ષા ‘NEET UG 2026’ તેના વિવાદો અને પેપર લીકના ગંભીર આરોપો બાદ ફરી એકવાર ચર્ચાના ચગડોળે ચડી છે. પેપર લીકની ઘટના બાદ કેન્દ્ર સરકાર અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા આગામી રવિવાર, 21 જૂનના રોજ દેશભરમાં આ પુનઃપરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 22 લાખથી વધુ વિદ્યાર્થીઓ ફરી એકવાર પોતાનું નસીબ અજમાવવા જઈ રહ્યા છે. કેન્દ્ર સરકાર આ પરીક્ષા સંપૂર્ણપણે પારદર્શક અને ક્ષતિરહિત યોજવાના મોટા-મોટા દાવા કરી રહી છે, પરંતુ પરીક્ષાના ઠીક એક દિવસ પહેલા NTAની એક એવી ઘોર બેદરકારી સામે આવી છે જેણે સરકારી દાવાઓની પોલ ખોલી નાખી છે. મહારાષ્ટ્રના નાગપુરના રહેવાસી એક વિદ્યાર્થીને સ્થાનિક કેન્દ્રના બદલે સીધું જ વિદેશમાં એટલે કે સંયુક્ત આરબ અમીરાત (UAE) ના અબુ ધાબીમાં પરીક્ષા કેન્દ્ર ફાળવી દેવામાં આવતા મોટો હોબાળો મચી ગયો છે.
ત્રણ સ્થાનિક વિકલ્પો આપ્યા છતાં NTAએ વિદેશનું સેન્ટર પધરાવ્યું
સમગ્ર મામલાની વિગત એવી છે કે નાગપુરના રહેવાસી અબ્દુલ્લા મોહમ્મદ તાલિબ નામના વિદ્યાર્થીએ 21 જૂનની NEET પુનઃપરીક્ષા માટે અરજી કરી હતી. અબ્દુલ્લાએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે પોતાના નજીકના પરીક્ષા કેન્દ્ર તરીકે પ્રથમ પસંદગીમાં નાગપુર, વર્ધા અને ભંડારા જિલ્લાના વિકલ્પો પસંદ કર્યા હતા. નિયમ મુજબ વિદ્યાર્થીને આ ત્રણમાંથી જ કોઈ એક સેન્ટર મળવું જોઈતું હતું. અગાઉ 3 મેના રોજ લેવાયેલી મૂળ પરીક્ષામાં પણ અબ્દુલ્લાએ નાગપુરમાં જ પરીક્ષા આપી હતી. આમ છતાં, NTAએ તેના તમામ સ્થાનિક વિકલ્પો અને પસંદગીને સદંતર અવગણીને 21 જૂનની પરીક્ષા માટે સીધું જ સાત સમુદ્ર પાર અબુ ધાબી (UAE) નું પરીક્ષા કેન્દ્ર ફાળવી દીધું હતું.
વિદ્યાર્થી પાસે પાસપોર્ટ પણ નથી, વાલીઓ ભારે માનસિક તણાવમાં
આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે અબ્દુલ્લા અને તેના પિતા ડૉ. મોહમ્મદ તાલિબે શુક્રવારે, 19 જૂનના રોજ ઇન્ટરનેટ પરથી પોતાનું એડમિટ કાર્ડ (પ્રવેશ પત્ર) ડાઉનલોડ કર્યું. 14 જૂનથી તેઓ સતત એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ ટેકનિકલ ખામીને કારણે તે ડાઉનલોડ થતું ન હતું. શુક્રવારે જ્યારે હોલ ટિકિટ હાથમાં આવી ત્યારે પરીક્ષા કેન્દ્રનું સરનામું જોઈને આખો પરિવાર ચોંકી ગયો હતો. ડૉ. તાલિબે ભારે આક્રોશ સાથે મીડિયાને જણાવ્યું કે, તેમના પુત્ર અબ્દુલ્લા પાસે અત્યારે પાસપોર્ટ પણ નથી. પરીક્ષા આડે હવે માત્ર 24 થી 48 કલાકનો સમય બચ્યો છે, તેવામાં પાસપોર્ટ અને વિઝાની પ્રક્રિયા પૂર્ણ કરીને તેને પરીક્ષા આપવા માટે વિદેશ મોકલવો કોઈપણ સંજોગોમાં અશક્ય છે. જો NTA આ ભૂલ નહીં સુધારે તો અબ્દુલ્લા પરીક્ષાથી વંચિત રહી જશે અને તેનું આખું વર્ષ બગડશે.
#WATCH | Nagpur, Mahrashtra: Family of a NEET aspirant, Abdullah Mohammad Talib, claims that he was allocated a school in Abu Dhabi as his exam center for NEET-UG re-exam scheduled to be held on 21st June.
— ANI (@ANI) June 20, 2026
His father, Mohammad Talib, says, "...After the admit card was downloaded… pic.twitter.com/EmFqhIFVRK
NTAએ સ્વીકારી ટેકનિકલ ભૂલ, નવું એડમિટ કાર્ડ આપવાની ખાતરી
અબુ ધાબીનું સેન્ટર દેખાતાં જ અબ્દુલ્લાના પરિવારે તાત્કાલિક નેશનલ ટેસ્ટિંગ એજન્સીના ઓફિશિયલ હેલ્પલાઇન નંબર પર સંપર્ક સાધ્યો હતો અને પરીક્ષા કેન્દ્ર બદલવા માટે સત્તાવાર ઈ-મેઈલ મોકલ્યો હતો. આ ગંભીર છબરડો સોશિયલ મીડિયા અને મીડિયામાં વાયરલ થતાં જ NTAના અધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતા. NTAએ સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે સિસ્ટમમાં આવેલી મોટી ટેકનિકલ ખામીને કારણે આ ભૂલ સર્જાઈ છે. એજન્સીએ વિદ્યાર્થીના પરિવારને ઈ-મેઈલ અને ફોન દ્વારા ખાતરી આપી છે કે શનિવારે (20 જૂન) સાંજે 4:00 વાગ્યા સુધીમાં આ ભૂલ સુધારી લેવામાં આવશે અને અબ્દુલ્લાને નાગપુરનું જ પરીક્ષા કેન્દ્ર ફાળવીને નવું સુધારેલું એડમિટ કાર્ડ જારી કરી દેવામાં આવશે. જો કે, નવું એડમિટ કાર્ડ હાથમાં ન આવે ત્યાં સુધી વિદ્યાર્થી અને તેનો પરિવાર ભારે માનસિક તણાવ હેઠળ જીવી રહ્યો છે.
'NTAએ પરીક્ષાને મજાક બનાવી દીધી છે': કોંગ્રેસ નેતા અનીસ અહેમદ
આ વિવાદમાં હવે રાજકીય ગરમાવો પણ આવી ગયો છે. મહારાષ્ટ્ર સરકારના પૂર્વ મંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા ડૉ. અનીસ અહેમદે આ મામલે તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે અબ્દુલ્લાના પરિવાર સાથે મુલાકાત કરી NTA હેલ્પલાઇન પર સીધી વાતચીત કરી હતી. ડૉ. અનીસે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે, NTAએ દેશની સૌથી પ્રતિષ્ઠિત મેડિકલ પરીક્ષાને મજાક બનાવી દીધી છે. જે વિદ્યાર્થી પાસે પાસપોર્ટ નથી, તેને 24 કલાક પહેલા ખબર પડે છે કે તેનું સેન્ટર વિદેશમાં આવ્યું છે, આનાથી મોટી લાપરવાહી બીજી કઈ હોઈ શકે? સરકારે તાત્કાલિક આ બાબતે હસ્તક્ષેપ કરીને સુધારેલી હોલ ટિકિટ આપવી જોઈએ જેથી વિદ્યાર્થીનું ભવિષ્ય રોળાવું બચી શકે.
📢 NEET (UG) 2026 — Official WhatsApp Updates
— National Testing Agency (@NTA_Exams) June 19, 2026
NTA is now sending exam updates & centre information to candidates directly on WhatsApp for the re-examination on Sunday, 21 June 2026.
How to know it's really us:
✅ Only from our verified account: +91 78279 80287
✅ Look for the…
સોશિયલ મીડિયા અને વૉટ્સએપ ચેનલ દ્વારા NTA આપશે અપડેટ્સ
બીજી તરફ, 21 જૂન 2026ના રોજ યોજાનારી આ મેગા પરીક્ષામાં દેશભરના લાખો વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા હોવાથી છેલ્લી ઘડીએ કોઈ મૂંઝવણ ન થાય તે માટે NTAએ એક નવો આદેશ જારી કર્યો છે. એજન્સીએ જણાવ્યું છે કે તે પોતાની સત્તાવાર વૉટ્સએપ (WhatsApp) ચેનલ અને ડિજિટલ પ્લેટફોર્મ્સ દ્વારા તમામ ઉમેદવારોને પરીક્ષા સંબંધિત મહત્વપૂર્ણ માહિતી, માર્ગદર્શિકા અને કેન્દ્રની વિગતો સીધી મોકલશે. આમ છતાં, અબ્દુલ્લા જેવા કિસ્સાઓ સામે આવ્યા પછી એજન્સીની કામગીરી અને તેની ડિજિટલ સિસ્ટમની વિશ્વસનીયતા સામે દેશભરના વાલીઓ અને શિક્ષણવિદો આંગળી ચીંધી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે શનિવાર સાંજ સુધીમાં NTA પોતાની આ ટેકનિકલ ખામી સુધારીને વિદ્યાર્થીને ન્યાય આપે છે કે કેમ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

કર્ણાટકમાં અનામતના મુદ્દે મોટો ઝટકો! SC માટે 17% અને ST માટે 7% અનામત વધારતો કાયદો હાઈકોર્ટે કેમ રદ કર્યો?