એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કોઈપણ મુસ્લિમ છૂટાછેડા લીધેલ મહિલા તેના પતિ વિરુદ્ધ CrPCની કલમ 125 હેઠળ ભરણપોષણ ભથ્થા માટે અરજી કરી શકે છે.
ચુકાદો આપતી વખતે જસ્ટિસ બીવી નાગરથના અને જસ્ટિસ ઑગસ્ટિન જ્યોર્જ મસિહે કહ્યું કે મુસ્લિમ મહિલાઓ ભરણપોષણના તેમના કાયદાકીય અધિકારનો ઉપયોગ કરી શકે છે.
તેઓ આ સંબંધમાં ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 125 હેઠળ અરજી કરી શકે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કલમ તમામ પરિણીત મહિલાઓને લાગુ પડે છે, પછી ભલે તેનો કોઈ પણ ધર્મ હોય. મુસ્લિમ મહિલાઓ પણ આ જોગવાઈનો આશરો લઈ શકે છે.
કોર્ટે ફરી એકવાર કહ્યું છે કે મુસ્લિમ મહિલા તેના પતિ વિરુદ્ધ કલમ 125 CrPC હેઠળ ભરણપોષણ માટે અરજી કરી શકે છે. જસ્ટિસ બી.વી. નાગરથ્ના અને જસ્ટિસ ઑગસ્ટિન જ્યોર્જ મસિહે અલગ-અલગ ચુકાદો આપ્યો હોવા છતાં તેમનો અભિપ્રાય એક જ હતો.
શું મુસ્લિમ મહિલાઓને ભરણપોષણ મળતું ન હતું? ઘણા કિસ્સાઓમાં, છૂટાછેડા લીધેલ મુસ્લિમ મહિલાઓને ભરણપોષણ મળતું નથી અથવા જો મળે તો પણ તે ઇદ્દતના સમયગાળા સુધી જ મળે છે.
ઇદ્દત એક ઇસ્લામિક પરંપરા છે. આ મુજબ, જો કોઈ મહિલાને તેના પતિ દ્વારા તલાક આપવામાં આવે છે અથવા તે મૃત્યુ પામે છે, તો તે મહિલા 'ઇદ્દત'ના સમયગાળા સુધી ફરીથી લગ્ન કરી શકશે નહીં. ઇદ્દતનો સમયગાળો લગભગ 3 મહિનાનો હોય છે. આ સમયગાળો પૂરો થયા બાદ છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલા ફરીથી લગ્ન કરી શકે છે.
શું છે મામલો ? અબ્દુલ સમદ નામના મુસ્લિમ વ્યક્તિએ તેની પત્નીને ભરણપોષણ આપવાના તેલંગાણા હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટમાં, વ્યક્તિએ દલીલ કરી હતી કે છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલા સીઆરપીસીની કલમ 125 હેઠળ અરજી દાખલ કરવા માટે હકદાર નથી.
મહિલાએ મુસ્લિમ મહિલા અધિનિયમ, 1986 ની જોગવાઈઓનું પાલન કરવું પડશે. આવી સ્થિતિમાં, કોર્ટ સમક્ષ પ્રશ્ન એ હતો કે શું આ કેસમાં મુસ્લિમ મહિલા અધિનિયમ, 1986 અથવા CrPCની કલમ 125ને પ્રાથમિકતા આપવી જોઈએ. CrPC ની કલમ 125 શું છે? CRPCની કલમ 125 પત્ની, બાળકો અને માતા-પિતાના ભરણપોષણ વિશે વિગતવાર માહિતી આપે છે.
આ કલમ મુજબ, પતિ, પિતા અથવા બાળકો પર નિર્ભર પત્ની, માતા-પિતા અથવા બાળકો માત્ર ત્યારે જ ભરણપોષણ ભથ્થાનો દાવો કરી શકે છે જો તેમની પાસે આજીવિકાનું બીજું કોઈ સાધન ન હોય.