દેશની આર્થિક રાજધાની મુંબઈની એક પ્રખ્યાત યુનિવર્સિટીમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મુંબઈ યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને આપવામાં આવેલા પ્રમાણપત્રો પર પોતાનું નામ ખોટી રીતે છાપ્યું હતું. ઘણીવાર તમે ક્યાંક સાંભળ્યું હશે કે પ્રમાણપત્ર પર નામ ખોટું લખાયેલું હોય છે, પરંતુ મુંબઈ યુનિવર્સિટીએ પ્રમાણપત્ર પર પોતાનું નામ ખોટું લખ્યું છે. મુંબઈ યુનિવર્સિટીના પ્રમાણપત્ર પર અંગ્રેજીમાં 'MUMBAI' ને બદલે 'MUMABAI' લખ્યું છે. મુંબઈ યુનિવર્સિટીએ દીક્ષાંત સમારંભ દરમિયાન તમામ વિદ્યાર્થીઓને 'MUMABAI' લખેલી ડિગ્રીઓનું વિતરણ કર્યું, જેના કારણે ભારે હોબાળો મચી ગયો છે.
પ્રમાણપત્ર પર ખોટી રીતે સ્પેલિંગ લખાયો
મુંબઈ યુનિવર્સિટી દ્વારા દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રમાણપત્રો 2023-24 બેચના સ્નાતક વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા છે. આ પ્રમાણપત્ર પર 'મુમાબાઈ યુનિવર્સિટી' લખેલું છે. મુંબઈ યુનિવર્સિટી દ્વારા ૭ જાન્યુઆરીના રોજ તેના દીક્ષાંત સમારોહમાં મુંબઈની ખોટા સ્પેલીંગવાળી ડિગ્રીઓ એનાયત કરવામાં આવી હતી. આ ડિગ્રી અંગે ઘણી કોલેજોમાંથી કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. ઘણી કોલેજોએ વિદ્યાર્થીઓની ડિગ્રીઓ મુંબઈ યુનિવર્સિટીને પાછી મોકલી દીધી છે.
હૈદરાબાદ સ્થિત કંપનીને કામ સોંપાયુ હતું
અહેવાલો અનુસાર, મુંબઈ યુનિવર્સિટીએ હૈદરાબાદ સ્થિત એક કંપનીને પ્રમાણપત્ર છાપવાનું કામ આપ્યું હતું. મુંબઈ યુનિવર્સિટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પ્રિન્ટિંગની સમસ્યાને કારણે કેટલાક પ્રમાણપત્રોમાં ભૂલો હતી. તેમણે એ નથી જણાવ્યું કે કેટલા પ્રમાણપત્રોમાં ભૂલો હતી. "અમે તેમાં સુધારો કરી રહ્યા છીએ," તેમણે કહ્યું. વિદ્યાર્થીઓને કોઈપણ વધારાના શુલ્ક વિના નવા પ્રમાણપત્રો મળશે. હાલમાં, યુનિવર્સિટી પ્રમાણપત્ર સુધારવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે.
આચાર્યોએ તેને શરમજનક ગણાવ્યું
એક કોલેજના પ્રિન્સિપાલે કહ્યું કે મુંબઈ યુનિવર્સિટી માટે પોતાના નામની ખોટો સ્પેલિંગ લખવો તે શરમજનક છે. જ્યારે અન્ય એક પ્રિન્સિપાલે તેને વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ખતરો ગણાવ્યો. તેમણે કહ્યું કે સ્નેપેલિંગની ભૂલના કારણે પ્રમાણપત્રો નકલી દેખાઈ રહ્યા હતા. જો વિદ્યાર્થીઓ આ પ્રમાણપત્રોનો ઉપયોગ નોકરીઓ અથવા વધુ અભ્યાસ માટે કરશે તો શું થશે? બીજા એક પ્રિન્સિપાલે કહ્યું, 'યુનિવર્સિટી પાસેથી આવી ભૂલની અપેક્ષા નહોતી.' આટલી મોટી ભૂલ છતાં, દીક્ષાંત સમારોહ થયો અને ડિગ્રીઓ પણ એનાયત કરવામાં આવી.