Jammu and Kashmir Assembly Ruckus: જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં 29 સપ્ટેમ્બરની કાર્યવાહી દરમિયાન મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાના રાજ્યનો સંપૂર્ણ દરજ્જો પુનઃસ્થાપિત કરવાના ઠરાવને લઈને ભાજપ અને સત્તાધારી નેશનલ કોન્ફરન્સના ધારાસભ્યો વચ્ચે ફરી હોબાળો થયો. વિપક્ષના નેતા સુનીલ શર્માએ ઠરાવની ભાષા અને અગાઉની કાર્યવાહી સામે વાંધો ઉઠાવ્યો હતો. આ મુદ્દે બંને પક્ષના ધારાસભ્યો વચ્ચે સૂત્રોચ્ચાર અને ઉગ્ર ચર્ચા જોવા મળી હતી.
સુનીલ શર્માએ ઠરાવની પ્રક્રિયા સામે ઉઠાવ્યા સવાલ
વિપક્ષના નેતા સુનીલ શર્માએ વિધાનસભામાં અગાઉ પસાર કરાયેલા રાજ્યના દરજ્જા અંગેના ઠરાવ અને તેમાં કરવામાં આવેલા સંદર્ભો સામે સવાલ ઉઠાવ્યા. ભાજપે સ્પષ્ટ કર્યું છે કે તે જમ્મુ-કાશ્મીરને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો પરત આપવાની માગનો વિરોધ કરતું નથી, પરંતુ ઠરાવમાં સ્વાયત્તતા અને 5 ઓગસ્ટ 2019 પહેલાંની સ્થિતિ સાથે જોડાયેલા સંદર્ભો સામે વાંધો છે. સુનીલ શર્માએ ઠરાવની બંધારણીય પ્રક્રિયા અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ દરમિયાન સ્પીકર અબ્દુલ રહીમ રાથરે ગૃહની કાર્યવાહી નિયમો અને નિર્ધારિત પ્રક્રિયા મુજબ ચાલતી હોવાનું જણાવ્યું અને ધારાસભ્યોને પોતાની બેઠકો પર પરત ફરવા અપીલ કરી.
BJP અને નેશનલ કોન્ફરન્સના ધારાસભ્યો વચ્ચે સૂત્રોચ્ચાર
વિવાદ વધતા ભાજપના ધારાસભ્યો ગૃહમાં વિરોધ નોંધાવતા વેલમાં પહોંચ્યા હતા. સામે નેશનલ કોન્ફરન્સના ધારાસભ્યોએ પણ વિરોધ નોંધાવ્યો હતો. બંને પક્ષના ધારાસભ્યો વચ્ચે સૂત્રોચ્ચાર અને ગરમાગરમ ચર્ચા થઈ હતી. 28 સપ્ટેમ્બરે જમ્મુ-કાશ્મીર વિધાનસભાએ ઉમર અબ્દુલ્લા દ્વારા રજૂ કરવામાં આવેલો સંપૂર્ણ રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાનો ઠરાવ પસાર કર્યો હતો. ઠરાવ પર ચર્ચા દરમિયાન ભાજપના ધારાસભ્યોએ વિરોધ નોંધાવ્યો અને મતદાન પહેલાં વોકઆઉટ કર્યું હતું.
રાજ્યના દરજ્જાના ઠરાવમાં Article 370નો સંદર્ભ
ઠરાવને લઈને મુખ્ય વિવાદ તેની ભાષા અને અગાઉના સ્વાયત્તતા તથા વિશેષ દરજ્જા સંબંધિત ઠરાવોના સંદર્ભને લઈને છે. 2000ના સ્વાયત્તતા ઠરાવ અને 2024ના વિશેષ દરજ્જા સંબંધિત ઠરાવનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ભાજપે આવા સંદર્ભો સામે વાંધો નોંધાવ્યો છે. આ મુદ્દે નેશનલ કોન્ફરન્સ અને ભાજપના ધારાસભ્યો વચ્ચે અગાઉ પણ વિધાનસભામાં ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો. મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ રાજ્યનો સંપૂર્ણ દરજ્જો પુનઃસ્થાપિત કરવાની માગને ઠરાવનો મુખ્ય મુદ્દો ગણાવ્યો છે.
ફારુક અબ્દુલ્લાના નિવેદનથી પણ વિવાદ
વિધાનસભાની કાર્યવાહી દરમિયાન નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લા અંગે ભાજપના ધારાસભ્ય બલવંત સિંહ મનકોટિયાના નિવેદનને લઈને પણ વિવાદ થયો. નેશનલ કોન્ફરન્સના ધારાસભ્યોએ આ નિવેદન સામે વાંધો ઉઠાવી માફીની માગ કરી હતી. દરમિયાન ભાજપના કેટલાક ધારાસભ્યો વિરોધ દરમિયાન થોડા સમય માટે ગૃહની બહાર ગયા હતા. ત્યારબાદ તેઓ ફરી વિધાનસભામાં પરત ફર્યા હતા અને કાર્યવાહી આગળ ચાલી હતી.