ભારતનો પ્રજનન દર 1.9: ઘટતા જન્મદર વચ્ચે હવે બદલાશે વસ્તી નીતિ?
EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારતમાં પ્રજનન દર ઘટીને 1.9 થયો

ભારતમાં પ્રજનન દર ઘટીને 1.9 થયો
Drop in India's Total Fertility Rate: ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે, પરંતુ દેશની વસ્તીનું ચિત્ર ઝડપથી બદલાઈ રહ્યું છે. ભારતનો કુલ પ્રજનન દર (TFR) હવે 1.9 થયો છે, જે 2.1ના રિપ્લેસમેન્ટ લેવલથી નીચે છે. એટલે એક તરફ ભારતની કુલ વસ્તી હજુ વધી રહી છે, જ્યારે બીજી તરફ નવા જન્મોની સંખ્યા ઘટી રહી છે અને વૃદ્ધ વસ્તીનો હિસ્સો વધી રહ્યો છે. પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર પરિષદ (EAC-PM)ના સપ્ટેમ્બર 2026ના કાર્યકારી પેપર ‘The Ghost of Population Past: How Population Control Persists in India’માં ભારતનો ઘટતો પ્રજનન દર, પરિવાર નિયોજન, નસબંધી માટેના પ્રોત્સાહનો અને બે-બાળકના ધોરણ જેવી જૂની વસ્તી નીતિઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
ભારતનો પ્રજનન દર 1.9 થયો, તેનો અર્થ શું?
કુલ પ્રજનન દર એટલે એક મહિલા તેના પ્રજનનકાળ દરમિયાન સરેરાશ કેટલા બાળકોને જન્મ આપે છે તેનો અંદાજ. 2.1નો દર સામાન્ય રીતે રિપ્લેસમેન્ટ લેવલ તરીકે ગણવામાં આવે છે. ભારતમાં TFR 1.9 સુધી પહોંચતા લાંબા ગાળે યુવા વસ્તી ઘટવા અને વૃદ્ધ વસ્તી વધવાની સંભાવના અંગે ચર્ચા વધી છે. જોકે, પ્રજનન દર 2.1થી નીચે હોવાનો અર્થ ભારતની કુલ વસ્તી તરત ઘટવા લાગશે એવો નથી. ભૂતકાળના ઊંચા જન્મદરને કારણે દેશમાં મોટી યુવા વસ્તી છે. આ Population Momentumને કારણે નવા જન્મોની સંખ્યા ઘટતી હોવા છતાં કુલ વસ્તી થોડા સમય સુધી વધી શકે છે.
કયા રાજ્યોમાં પ્રજનન દર સૌથી ઓછો છે?
EAC-PMના રિપોર્ટ મુજબ ઉત્તર પ્રદેશમાં TFR 2.6 અને બિહારમાં 2.9 છે. આ બંને રાજ્યોને બાદ કરતાં બાકીના ભારતમાં પ્રજનન દર 1.6 આસપાસ છે. દક્ષિણ અને અન્ય કેટલાક રાજ્યોમાં સ્થિતિ વધુ નીચે છે. આંધ્ર પ્રદેશમાં TFR 1.4, તેલંગાણા અને કર્ણાટકમાં 1.5, કેરળ અને તમિલનાડુમાં 1.3 છે. પશ્ચિમ બંગાળમાં 1.3, પંજાબમાં 1.4, મહારાષ્ટ્રમાં 1.4 અને દિલ્હીમાં 1.2નો પ્રજનન દર નોંધાયો છે.
જન્મોની સંખ્યા પણ ઘટી
ભારતમાં વાર્ષિક જન્મોની સંખ્યામાં પણ મોટો ઘટાડો થયો છે. EAC-PM મુજબ 2001માં દેશમાં આશરે 2.93 કરોડ જન્મ થયા હતા, જ્યારે 2023માં આ સંખ્યા ઘટીને લગભગ 2.32 કરોડ થઈ હતી. એટલે બે દાયકાથી વધુ સમયમાં વાર્ષિક જન્મોમાં આશરે 20 ટકાનો ઘટાડો થયો છે. આ બદલાવની સીધી અસર દેશના વય માળખા પર પડી શકે છે. ઓછો પ્રજનન દર ધરાવતા રાજ્યોમાં સરેરાશ વય આશરે 35 વર્ષ છે, જ્યારે ભારતની રાષ્ટ્રીય સરેરાશ વય લગભગ 30 વર્ષ છે.
વસ્તી નીતિમાં હવે બદલાવની ચર્ચા
EAC-PMના પેપર મુજબ ઓછી પ્રજનન દર ધરાવતા રાજ્યોમાં જૂની વસ્તી નિયંત્રણ નીતિઓની સમીક્ષા જરૂરી બની શકે છે. રિપોર્ટમાં નસબંધી સાથે જોડાયેલા કેટલાક નાણાકીય પ્રોત્સાહનો અને બે-બાળકના ધોરણ આધારિત ગેરલાયકાતો દૂર કરવાની ભલામણ કરવામાં આવી છે. આંધ્ર પ્રદેશમાં બીજા અને ત્રીજા બાળકના જન્મને પ્રોત્સાહન આપતી નીતિ અંગે પણ ચર્ચા થઈ રહી છે. બીજી તરફ, તમિલનાડુમાં ત્રીજા બાળક માટે મહિલા સરકારી કર્મચારીઓની પ્રસૂતિ રજા વધારવાનો નિર્ણય ચર્ચામાં આવ્યો છે.
શું પરિવાર નિયોજન બંધ થશે?
EAC-PMનો રિપોર્ટ પરિવાર નિયોજન અથવા ગર્ભનિરોધક સેવાઓ બંધ કરવાની ભલામણ કરતો નથી. રિપોર્ટ પરિવાર નિયોજનને આરોગ્ય, બાળકો વચ્ચે યોગ્ય અંતર અને વ્યક્તિગત પસંદગી સાથે જોડે છે. મુખ્ય મુદ્દો એ છે કે ‘Family Planning’ અને ‘Population Control’ને એક જ બાબત તરીકે ન જોવી જોઈએ. ભારતની વસ્તી હવે માત્ર સંખ્યાનો મુદ્દો નથી. ઘટતો પ્રજનન દર, યુવા વસ્તી, વૃદ્ધાવસ્થા, કામકાજની વસ્તી અને રાજ્ય પ્રમાણે બદલાતી ડેમોગ્રાફિક સ્થિતિ આગામી વર્ષોમાં ભારતની નીતિ અને અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ મુદ્દા બની શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...

તળાવમાં નહાવા ગઈ હતી 3 માસૂમ બાળકી, કલાકો બાદ સામે આવ્યું એવું ભયાનક સત્ય કે ગામમાં છવાયો શોક