MBBS પ્રવેશ માટે સારા સમાચાર, નવી 9,911 બેઠકો વધી
1.27 લાખ બેઠકોનું રિન્યુઅલ, દેશની 823 મેડિકલ કોલેજોમાં 1,36,939 બેઠકો, NMCનો અહેવાલ જાહેર

NMCની ફાઈલ તસવીર

NMCની ફાઈલ તસવીર
NMC announces MBBS seat matrix: ભારતમાં મેડિકલ શિક્ષણ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. નેશનલ મેડિકલ કમિશન (NMC) હેઠળ કાર્યરત મેડિકલ એસેસમેન્ટ એન્ડ રેટિંગ બોર્ડ(MARB)એ શૈક્ષણિક વર્ષ 2026-27 માટે MBBS સીટ મેટ્રિક્સ જાહેર કર્યો છે. દેશભરની 823 મેડિકલ કોલેજોમાં રાષ્ટ્રીય મહત્વની સંસ્થાઓ (INI) સિવાય કુલ 1,36,939 MBBS બેઠકો ઉપલબ્ધ રહેશે.
નવી અને વધારાની બેઠકોનો સમાવેશ
MARB દ્વારા જાહેર કરાયેલા અંતિમ આંકડા અનુસાર, અગાઉની 1,27,028 બેઠકોનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. ઉપરાંત નવી મેડિકલ કોલેજોને મંજૂરી અને હાલની કોલેજોમાં પ્રવેશ ક્ષમતા વધારવાના નિર્ણયથી વધુ 9,911 બેઠકો ઉમેરવામાં આવી છે. પરિણામે MBBS બેઠકોની સંખ્યા વધીને કુલ 1,36,939 બેઠકો થઈ છે.

14 જુલાઈએ જાહેર કરાઈ સત્તાવાર નોટિસ
14 જુલાઈ, 2026ના રોજ જાહેર કરાયેલી સત્તાવાર સૂચનામાં MARBએ સ્પષ્ટ કર્યું છે કે, સીટ મેટ્રિક્સમાં નવી મેડિકલ કોલેજોને અપાયેલી મંજૂરી તેમજ હાલની કોલેજોમાં વધારેલી ઇન્ટેક ક્ષમતાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ માહિતી આગામી કાઉન્સેલિંગ પ્રક્રિયા માટે આધારરૂપ બનશે.

ખાનગી કોલેજો માટે ઇ-બેંક ગેરંટી ફરજિયાત
નવી કોલેજ શરૂ કરવાની અથવા MBBS બેઠકોમાં વધારો કરવાની મંજૂરી મેળવનારી તમામ ખાનગી મેડિકલ કોલેજોને 7 દિવસની અંદર જરૂરી ઇ-બેંક ગેરંટી MARBને સબમિટ કરવાની સૂચના આપવામાં આવી છે. ગેરંટીની ચકાસણી સંતોષકારક થયા બાદ જ સંબંધિત સંસ્થાને પરવાનગી પત્ર (Letter of Permission) આપવામાં આવશે.

અગાઉની જાહેર સૂચનાનો સંદર્ભ
MARBએ જણાવ્યું છે કે, 22 ડિસેમ્બર, 2025ના રોજ નવી MBBS કોલેજો અને બેઠકોમાં વધારો કરવા માટે અરજીઓ આમંત્રિત કરવામાં આવી હતી. ત્યારબાદ 6 જાન્યુઆરી, 2026ના રોજ પૂરક સૂચના બહાર પાડવામાં આવી હતી. આ સમગ્ર પ્રક્રિયાના આધારે હવે અંતિમ સીટ મેટ્રિક્સ જાહેર કરવામાં આવ્યો છે.
જરૂર પડે તો સીટ મેટ્રિક્સમાં થશે ફેરફાર
બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે, અપીલ સમિતિ અથવા અન્ય સક્ષમ સત્તાધિકારીના નિર્ણયોને આધારે ભવિષ્યમાં સીટ મેટ્રિક્સમાં ફેરફાર થઈ શકે છે. આવા તમામ સુધારાઓ NMCની સત્તાવાર વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવશે અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારોની કાઉન્સેલિંગ સમિતિઓ તેને ધ્યાનમાં રાખીને પ્રવેશ પ્રક્રિયા હાથ ધરશે.
કાઉન્સેલિંગ સમિતિઓને પણ સૂચના
MARBએ તમામ કાઉન્સેલિંગ ઓથોરિટીને સૂચના આપી છે કે, મંજૂર કરાયેલી બેઠકોમાં કોઈ વિસંગતતા જણાય તો તાત્કાલિક સ્પષ્ટતા મેળવવી. કોઈપણ સંજોગોમાં મંજૂર સીટ સંખ્યાથી વધુ પ્રવેશ આપવાનો અધિકાર કાઉન્સેલિંગ સમિતિઓને રહેશે નહીં.
મેડિકલ કોલેજોએ વિગતો ચકાસવાની રહેશે
બોર્ડે તમામ મેડિકલ કોલેજોને પોતાના મંજૂર સીટ મેટ્રિક્સની માહિતીની ચકાસણી કરવા અને કોઈપણ ભૂલ કે વિસંગતતા જણાય તો કાઉન્સેલિંગ શરૂ થાય તે પહેલાં તેની જાણ કરવા સૂચના આપી છે.
નિયમોના ભંગ બદલ કડક કાર્યવાહી થશે
NMCએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, મંજૂર ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો કાયદાનો ભંગ ગણાશે. આવી સ્થિતિમાં સંબંધિત મેડિકલ કોલેજ સામે નેશનલ મેડિકલ કમિશન એક્ટ, 2019 હેઠળ નિયમનકારી તેમજ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

કર્ણાટકમાં અનામતના મુદ્દે મોટો ઝટકો! SC માટે 17% અને ST માટે 7% અનામત વધારતો કાયદો હાઈકોર્ટે કેમ રદ કર્યો?