E20 પેટ્રોલ પર ગડકરીના નિવેદનથી વિવાદ ગરમાયો
E20 ઇંધણ સુરક્ષિત હોવાનો ગડકરીનો દાવો, “શુદ્ધ પેટ્રોલ જોઈતું હોય તો વધુ પૈસા આપે”-ગડકરી

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની ફાઈલ તસવીર

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની ફાઈલ તસવીર
Gadkari's statement on E20 fuel: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ E20 ઇંધણ અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે, ગ્રાહકો ઇચ્છે તો 100 ટકા શુદ્ધ પેટ્રોલ વધુ કિંમતે ખરીદી શકે છે. IIT કાનપુરના અભ્યાસ મુજબ E20 થી એન્જિનને નુકસાન થતું નથી. સરકારી તેલ કંપનીઓએ ગુણવત્તા તપાસ સઘન બનાવી છે. માઇલેજ ઘટવા પાછળ ઇંધણ નહીં, પણ ડ્રાઇવિંગ પદ્ધતિ જવાબદાર છે.
દેશમાં પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલના મિશ્રણ એટલે કે E20 ફ્યુઅલને લઈને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી વિવિધ ચર્ચાઓ અને આશંકાઓ વચ્ચે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે જે ગ્રાહકોને ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ ન જોઈતું હોય, તેઓ પેટ્રોલ પંપ પર જઈને 100 ટકા શુદ્ધ પેટ્રોલ ખરીદી શકે છે. તેના માટે તેમણે સામાન્ય કરતાં વધુ કિંમત ચૂકવવી પડશે.
E20થી એન્જિનને નુકસાન નહીં: IIT કાનપુરનો અભ્યાસ
ગડકરીએ IIT કાનપુરના સંશોધનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, વૈજ્ઞાનિક અભ્યાસમાં E20 પેટ્રોલથી વાહનના એન્જિનને નુકસાન થતું હોવાનો કોઈ પુરાવો મળ્યો નથી. અભ્યાસ મુજબ એન્જિનમાં કાટ લાગવો, ટેકનિકલ ખામી સર્જાવી અથવા ટકાઉપણું ઘટવું જેવી ચિંતાઓને આધાર મળ્યો નથી.
માઇલેજ પર શું પડે છે અસર?
IIT કાનપુરના સંશોધન અનુસાર વાહનના માઇલેજમાં થતો સામાન્ય ફેરફાર માત્ર ઇંધણને કારણે નથી. ડ્રાઇવિંગની રીત, રોડની સ્થિતિ, ટ્રાફિક અને વાહનની સમયસર સર્વિસિંગ જેવા પરિબળો વધુ જવાબદાર હોય છે. સામાન્ય શહેરી ઉપયોગમાં E20ના કારણે નોંધપાત્ર અસર જોવા મળી નથી.
તેલ કંપનીઓએ વધારી ગુણવત્તા તપાસ
ઇંધણ અંગે ફેલાતી અફવાઓને ધ્યાનમાં રાખીને ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ જેવી જાહેર ક્ષેત્રની કંપનીઓએ પેટ્રોલ પંપ પર ગુણવત્તા ચકાસણી વધુ કડક બનાવી છે. ગ્રાહકોને સોશિયલ મીડિયા પરની અપ્રમાણિત માહિતીથી દૂર રહેવા અને કોઈ ફરિયાદ હોય તો સીધા કંપનીના ગ્રાહક સેવા કેન્દ્રનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી છે.
ઇથેનોલ નીતિ નવી નથી
કેન્દ્રીય મંત્રીએ યાદ અપાવ્યું કે ઇથેનોલ મિશ્રણ કાર્યક્રમની શરૂઆત અટલ બિહારી વાજપેયીની સરકાર દરમિયાન થઈ હતી અને ત્યારબાદ યુપીએ સરકારમાં તે ચાલુ રહ્યો હતો. તેમના જણાવ્યા અનુસાર, સરકારનો મુખ્ય હેતુ ક્રૂડ ઓઇલની આયાતમાં ઘટાડો, પ્રદૂષણમાં ઘટાડો અને ખેડૂતોની આવકમાં વધારો કરવાનો છે.
મારુતિ સહિતના ઉત્પાદકોનો પણ દાવો
ગડકરીએ જણાવ્યું કે, E20 પેટ્રોલને લઈને વાહનોના એન્જિન ખરાબ થવાના દાવાઓને કોઈ આધાર નથી. તેમણે કહ્યું કે, અનેક વાહન ઉત્પાદકોએ પણ E20ને અનુકૂળ ગણાવ્યું છે. અત્યાર સુધી મંત્રાલયને આ અંગે કોઈ સત્તાવાર ફરિયાદ મળી નથી.
શુદ્ધ પેટ્રોલ મળશે, પરંતુ વધુ કિંમત ચૂકવવી પડશે
ગડકરીએ સ્પષ્ટ કર્યું કે, જે ગ્રાહકો માત્ર 100 ટકા પેટ્રોલનો ઉપયોગ કરવા માંગે છે તેઓ માટે તે વિકલ્પ ઉપલબ્ધ રહેશે. પરંતુ તેની કિંમત E20 પેટ્રોલ કરતાં વધુ હશે. તેમણે બ્રાઝિલ, ઇન્ડોનેશિયા અને થાઇલેન્ડ જેવા દેશોના ઉદાહરણ આપીને કહ્યું કે, બાયોફ્યુઅલનો ઉપયોગ ભારત માટે લાંબા ગાળે ફાયદાકારક સાબિત થશે.
'મારા પુત્રની કંપની પર તો 1600 કરોડનું દેવું'- ગડકરી
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામથી તેમના પરિવારને ફાયદો થવાના આક્ષેપોને નકારી કાઢ્યા છે. ગડકરીએ સ્પષ્ટ કર્યું કે તેમનો ઇથેનોલનો વ્યવસાય દેશના કુલ વ્યવસાયના 0.5 ટકા કરતા પણ ઓછો છે અને કંપનીઓ પર 1,600 કરોડનું દેવું છે. તેમણે કહ્યું કે, આ કાર્યક્રમ વાજપેયી સરકારના સમયથી ચાલે છે અને તેમનો હેતુ દેશના હિત માટે વૈકલ્પિક ઇંધણને પ્રોત્સાહન આપવાનો છે. તેમણે પોતાની સામે ચાલી રહેલી ઝુંબેશને "રાજકીય રીતે પ્રેરિત" અને ખોટી માહિતી પર આધારિત ગણાવી છે.
ગડકરીએ વધુમાં જણાવ્યું કે, તેમના પુત્રો દ્વારા ચલાવવામાં આવતા ખાંડ અને ઇથેનોલના વ્યવસાયનો આ ક્ષેત્રમાં મામૂલી હિસ્સો છે. તેની કામગીરી, કિંમતો નક્કી કરવા કે ખરીદી પ્રક્રિયામાં તેમની કોઈ ભૂમિકા નથી. તેમણે આંકડા આપતા કહ્યું કે, "તેમના કુલ બિઝનેસમાં ઇથેનોલનો હિસ્સો માત્ર 10 ટકા જ છે અને દેશના સમગ્ર ઇથેનોલ બિઝનેસમાં મારા પુત્રોની ફેક્ટરીઓનો હિસ્સો 0.5 ટકા કરતા પણ ઓછો છે. આ કંપની CIAN એગ્રો ઇન્ડસ્ટ્રી& ઇન્ફ્રા લિમિટેડ પર આશરે 1,600 કરોડ રૂપિયાનું દેવું છે. આવા સંજોગોમાં વ્યક્તિગત લાભના દાવા તદ્દન પાયાવિહોણા છે."
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

કર્ણાટકમાં અનામતના મુદ્દે મોટો ઝટકો! SC માટે 17% અને ST માટે 7% અનામત વધારતો કાયદો હાઈકોર્ટે કેમ રદ કર્યો?