સંમતિથી બાંધેલા સંબંધો ગુનો નહીઃ સુપ્રીમકોર્ટ
પોક્સોના દુરુપયોગ પર સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી, રોમિયો-જુલિયેટ કલોઝ પર વિચારની ભલામણ

સુપ્રીમકોર્ટની ફાઈલ તસવીર

સુપ્રીમકોર્ટની ફાઈલ તસવીર
સુપ્રીમ કોર્ટે બાળકોના શારીરિક શોષણથી બચાવવા માટે બનાવાયેલા POCSO અધિનિયમના વધતા દુરુપયોગ અંગે મહત્વપૂર્ણ અવલોકન કર્યું છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું કે સંમતિથી બંધાયેલા કિશોરો વચ્ચેના સંબંધોને આપમેળે ગુનાહિત ગણાવી શકાય નહીં, ખાસ કરીને જ્યાં ઉંમરનું અંતર નગણ્ય હોય અને સંબંધમાં દબાણ કે શોષણ ન હોય.
ન્યાયમૂર્તિ સંજય કરોલ અને ન્યાયમૂર્તિ એન.કોટેશ્વર સિંહની પીઠે જણાવ્યું કે POCSO કાયદો બાળકોની સુરક્ષા માટે બનાવાયો છે, પરંતુ અનેક કેસોમાં તેનો ઉપયોગ પરિવારજન દ્વારા સંબંધનો વિરોધ કરવા માટે હથિયાર તરીકે થઈ રહ્યો છે. અદાલતે કેન્દ્ર સરકારને આ દિશામાં ગંભીર વિચાર કરવા જણાવ્યું છે અને પોક્સોમાં રોમિયો-જુલિયેટ કલોઝ ઉમેરવાની ભલામણ કરી છે.
હાઇકોર્ટના નિર્દેશો પર અંકુશ
સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઇકોર્ટ દ્વારા એક જામીન કેસમાં આપવામાં આવેલા વ્યાપક નિર્દેશોને રદ્દ કર્યા. અદાલતે કહ્યું કે જામીન સુનાવણી દરમિયાન કોર્ટ મર્યાદિત અધિકાર ધરાવે છે અને તપાસ પ્રક્રિયામાં ફેરફાર કે સામાન્ય માર્ગદર્શિકા જારી કરી શકતી નથી. ઉંમર જેવા વિવાદિત મુદ્દાઓ પર જામીન તબક્કે અંતિમ નિર્ણય આપવો યોગ્ય નથી.
પોક્સોનો દુરુપયોગ બન્યો ચિંતાનો વિષય
અદાલતે નોંધ્યું કે અનેક કેસોમાં યુવતીની ઉંમર ઇરાદાપૂર્વક 18 વર્ષથી ઓછી દર્શાવવામાં આવે છે જેથી યુવક સામે કડક કલમો લાગુ કરી શકાય. પરિણામે વાસ્તવિક સંરક્ષણ લાયક બાળકો ન્યાયથી વંચિત રહે છે, જ્યારે કેટલાક લોકો કાયદાનો અંગત ફાયદા માટે ઉપયોગ કરે છે.
સંમતિથી કિશોરો વચ્ચે બંધાયેલા સંબંધોમાં પોક્સો ચિંતાનો વિષય
હાઇકોર્ટના નિર્દેશોને ફગાવવાની સાથે સાથે સુપ્રીમ કોર્ટે મોટા સામાજિક અને કાયદાકીય સંકટ તરફ પણ અંગુલીનિર્દેશ કર્યો છે. કોર્ટે કહ્યું કે, પોક્સો કાયદાનો ઉદ્દેશ્ય બાળકોના શારીરિક શોષણ અને ઉત્પીડનથી બચાવવાનો છે. જો કે અનેક કિસ્સામાં તેનો ઉપયોગ તે પરિવારો દ્વારા કરવામાં આવી રહ્યો છે. કોર્ટે ટાંક્યું કે, પોક્સો અધિનિયમ બાળકોના સંરક્ષણ માટે બનાવાયેલો એક અત્યંત પવિત્ર કાયદો છે. જ્યારે આ પ્રકારના સારા ઉદ્દેશ વાળા કાયદાનો ઘણીવખત બદલો લેવા માટે અને અંગત દુશ્મનાવટ કાઢવા માટે ઉપયોગ કરવામાં આવે છે.
રોમિયો-જુલિયેટ કલોઝની ભલામણ
સુપ્રીમ કોર્ટે સૂચન કર્યું કે અનેક દેશોની જેમ ભારતમાં પણ એવી જોગવાઈ લાવવામાં આવે, જેમાં સંમતિથી અને નજીકની ઉંમર ધરાવતા કિશોર સંબંધોને ગુનાહિત કાર્યવાહીથી બહાર રાખી શકાય. આ અંગેનો ચુકાદો કેન્દ્ર સરકાર અને કાયદા સચિવને મોકલવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
રોમિયો-જુલિયટ કલમ શું છે?
રોમિયો-જુલિયટ અનેક દેશોમાં અમલમાં રહેલી કાનૂની જોગવાઈ છે. તે કિશોરો વચ્ચે સંમતિથી બનેલા સંબંધોને જાતીય અપરાધોની શ્રેણીમાંથી બહાર રાખે છે. જેમ કે 2-4 વર્ષ, જેથી તેમને બિનજરૂરી રીતે ગુનાહિત ન બનાવી શકાય. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને POCSO માં આવી કલમ ઉમેરવાનું વિચારવા કહ્યું છે અને બદલો લેવા માટે કાયદાનો દુરુપયોગ કરનાર સામે કાર્યવાહી માટે એક પદ્ધતિ સ્થાપિત કરવાનું પણ સૂચન કર્યું છે.
વકીલો અને તપાસ એજન્સીઓની જવાબદારી
કોર્ટએ વકીલોને બેદરકારીપૂર્વક કેસ દાખલ ન કરવા ચેતવણી આપી અને કહ્યું કે કાયદાનો દુરુપયોગ અટકાવવા માટે બારે ફિલ્ટર તરીકે કાર્ય કરવું જરૂરી છે. સાથે જ ઉંમર નિર્ધારણ માટે શાળા કે જન્મ પ્રમાણપત્રને પ્રાથમિકતા આપવી જોઈએ અને જરૂરી હોય ત્યારે જ તબીબી તપાસ કરવી.
અન્ય કાયદાઓ સાથે સરખામણી
સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે પોક્સો સિવાય IPC 498A અને દહેજ પ્રતિબંધ કાયદાના દુરુપયોગના કેસો પણ સામે આવ્યા છે. માત્ર ન્યાયિક આદેશોથી નહીં, પરંતુ સમાજ, વકીલો અને સંસ્થાઓની જવાબદારીપૂર્ણ ભૂમિકાથી જ આ સમસ્યાનો ઉકેલ શક્ય હોવાનું અદાલતે જણાવ્યું.
શું હતો અલ્હાબાદ હાઈકોર્ટનો ચુકાદો?
સુપ્રીમકોર્ટની આ ટિપ્પણી ઉત્તરપ્રદેશ રાજ્ય વિરુદ્ધ અનુરુદ્ધ મામલે આવી છે. જ્યાં અલ્હાબાદ હાઇકોર્ટે POCSO નાં એક કેસમાં આરોપીને જામીન આપતાં સમગ્ર રાજ્યમાં લાગુ થનારા કેટલાક નિર્દેશ આપ્યા હતા. જેમાં ઉલ્લેખ હતો કે, POCSO ના કેસની શરૂઆતમાં પીડિતાની ઉંમરનો મેડિકલ ટેસ્ટ ફરજિયાત કરાવવામાં આવે અને કોર્ટ શાળા અથવા જન્મતારીખના દાખલા અંગે શંકા જતા જ જામીન ફગાવી દેવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ