હિમાચલ પ્રદેશના ચંબામાં ખાનગી બસ ખીણમાં ખાબકી
ડ્રાઇવર-કંડક્ટર સહિત 7 લોકોના કરૂણ મોત, 11 ઘાયલ

ઈન્ટરનેટ

ઈન્ટરનેટ
Chamba Bus Accident: હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાંથી એક અત્યંત દર્દનાક અને કાળજું કંપાવી દેનારા માર્ગ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. ચંબા જિલ્લાના ચુરાહ વિધાનસભા મતવિસ્તાર હેઠળ આવતા તીસા-બૈરાગઢ મુખ્ય માર્ગ પર શનિવારે સવારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. બૈરાગઢથી ચંબા તરફ જઈ રહેલી 'શર્મા ટ્રાવેલર્સ' ની એક ખાનગી બસના ડ્રાઈવરે દેવીકોઠી નજીક આવેલા ચાલૂજ વળાંક પર અચાનક કાબુ ગુમાવતા બસ પહાડી પરથી સીધી 100 ફૂટ નીચે પસાર થતા બીજા રસ્તા પર ખાબકી હતી. આ ભયાનક દૂર્ઘટનામાં બસના ડ્રાઇવર અને કંડક્ટર સહિત 7 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 11 થી વધુ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે બસ પલટી મારી જતાં તેના ચારેય પૈડાં આકાશ તરફ થઈ ગયા હતા અને છતનો ભાગ જમીનદોસ્ત થઈ ગયો હતો, જેના કારણે અનેક મુસાફરોના મૃતદેહો બસની અંદર જ દબાઈ ગયા હતા.
મુસાફરો કંઈ સમજે તે પહેલાં જ સર્જાઈ હોનારત
મળેલી માહિતી અનુસાર, શર્મા ટ્રાવેલર્સની આ ખાનગી બસ સવારે આશરે 6:30 વાગ્યે બૈરાગઢથી મુસાફરોને લઈને ચંબા જવા રવાના થઈ હતી. બસમાં ડ્રાઇવર અને કંડક્ટર સહિત આશરે 15 થી 22 જેટલા મુસાફરો સવાર હતા. બૈરાગઢથી ઉપડ્યા બાદ બસ માંડ 3 કિલોમીટર આગળ ચાલૂજ વળાંક પાસે પહોંચી હતી, ત્યારે જ અચાનક ડ્રાઇવરે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. ક્ષણભરમાં જ બસ અનિયંત્રિત થઈને રોડ પરથી નીચે ખાબકી હતી. બસ નીચે પડતાં જ ચીસાચીસ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બસનો કુરચો બોલી ગયો હતો અને મુસાફરો લોહીલુહાણ હાલતમાં કાટમાળ વચ્ચે ફસાઈ ગયા હતા.
બચાવ કામગીરીમાં સ્થાનિકો દેવદૂત બન્યા
અકસ્માતના ભયાનક અવાજને સાંભળીને નજીકના ગ્રામજનો અને સ્થાનિક રહેવાસીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસ અને પ્રશાસનની ટીમ પહોંચે તે પહેલાં જ ગ્રામજનોએ માનવતા દાખવીને બચાવ અને રાહત કામગીરી શરૂ કરી દીધી હતી. ક્ષતિગ્રસ્ત બસની અંદર ફસાયેલા અને કણસતા ઘાયલ મુસાફરોને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ટીસા પોલીસ સ્ટેશનની ટીમ અને એડિશનલ એસએચઓ અનુભવ શર્મા પણ પોલીસ કાફલા સાથે સ્થળ પર પહોંચી ગયા હતા. બસને સીધી કરવા અને કાટમાળ નીચે અન્ય કોઈ મુસાફર દબાયેલો નથી તેની ખાતરી કરવા માટે જેસીબી અને સ્થાનિક મશીનરીની મદદ લેવામાં આવી હતી.
4 પુરુષો અને 3 મહિલાઓએ ગુમાવ્યો જીવ
ચંબાના પોલીસ અધિક્ષક (SP) વિજય કુમાર સકલાણી અને સ્થળ પરથી મળેલી માહિતી મુજબ, આ દુર્ઘટનામાં કુલ 7 લોકોના કરૂણ મોત નીપજ્યા છે, જેમાં 4 પુરુષો અને 3 મહિલાઓનો સમાવેશ થાય છે. મૃતકોમાં બસના ડ્રાઇવર અને કંડક્ટરનો પણ સમાવેશ થાય છે. પોલીસે મૃતકોની વિગતો નીચે મુજબ જાહેર કરી છે:
ડ્રાઈવર: રૂપસિંહ, પિતા- રાધારામ, રહેવાસી- ગામ ચિલ્લી થલ્લી.
કંડક્ટર: તેજ સિંહ, પિતા- પ્યારે લાલ, રહેવાસી- ગામ સત્યસ તરેલા.
જગદેવ: પિતા- ધરમસિંહ, રહેવાસી- ગામ બાહલા દેવીકોઠી.
હરદેઈ: પતિ- જગદેવ, રહેવાસી- ગામ બાહલા દેવીકોઠી.
દેશરાજ: પિતા- ત્રિલોચન, રહેવાસી- ગામ બાહલા દેવીકોઠી.
જગદેઈ: પતિ- હરિલાલ, રહેવાસી- ગામ બાહલા દેવીકોઠી.
નીલમા: પતિ- મોતીરામ, રહેવાસી- મરચા દેવીકોઠી.
ઘાયલોની ટીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર
આ માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા તમામ 11 મુસાફરોને તાત્કાલિક સ્થાનિક લોકો અને એમ્બ્યુલન્સની મદદથી નજીકની ટીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં કેટલાક મુસાફરોના હાલત અત્યંત નાજુક હોવાનું કહેવાય છે. ચંબાના એસપી વિજય સકલાણીએ જણાવ્યું હતું કે પોલીસે ઘટના અંગે કેસ નોંધીને અકસ્માતના ચોક્કસ કારણો જાણવા તપાસ હાથ ધરી છે. બસમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી કે ડ્રાઈવરની બેદરકારી હતી તે અંગે ટેકનિકલ ટીમ દ્વારા તપાસ કરવામાં આવશે.
હિમાચલમાં વરસાદી હોનારતમાં અત્યાર સુધી 64 ના મોત
ઉલ્લેખનીય છે કે, હિમાચલ પ્રદેશમાં ચોમાસાની શરૂઆતથી જ મુશળધાર વરસાદ અને પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનને કારણે ભારે તારાજી સર્જાઈ રહી છે. હવામાન વિભાગના આંકડા મુજબ, આ સીઝનમાં અત્યાર સુધીમાં વરસાદ સંબંધિત અકસ્માતો અને ભૂસ્ખલનની 14 જેટલી ઘટનાઓમાં 64 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. હવામાન વિભાગે રાજ્યમાં 12 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની ચેતવણી (યલો/ઓરેન્જ એલર્ટ) જારી કરી છે. પહાડી રસ્તાઓ પર સતત થઈ રહેલા ભૂસ્ખલન અને ભેખડો ધસી પડવાના કારણે વાહન વ્યવહાર અત્યંત જોખમી બન્યો છે, જેના કારણે પ્રશાસને લોકોને પહાડી રસ્તાઓ પર સાવચેતીપૂર્વક મુસાફરી કરવા અપીલ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

કર્ણાટકમાં અનામતના મુદ્દે મોટો ઝટકો! SC માટે 17% અને ST માટે 7% અનામત વધારતો કાયદો હાઈકોર્ટે કેમ રદ કર્યો?

મણિપુરમાં 10નાં મોતથી ખળભળાટ! મૃતદેહનું માથું ગાયબ થતાં નાગા સંગઠનનો સરકારને 48 કલાકનો અલ્ટીમેટમ… હવે આગળ શું થશે?