એર ઇન્ડિયા એક્સપ્રેસનું ઇમરજન્સી લેન્ડિંગ થયું
મધ્ય આકાશમાં ધુમાડો દેખાતા લખનઉમાં વિમાન ઉતારાયું, 148 મુસાફરોનો આબાદ બચાવ થયો છે

એર ઇન્ડિયા એક્સપ્રેસ ઇમરજન્સી લેન્ડિંગ

એર ઇન્ડિયા એક્સપ્રેસ ઇમરજન્સી લેન્ડિંગ
બાગડોગરાથી દિલ્હી જઈ રહેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. સોમવારે સાંજે જ્યારે વિમાન ઉત્તર પ્રદેશના આકાશમાં 36 હજાર ફૂટની ઊંચાઈ પર ઉડી રહ્યું હતું, ત્યારે અચાનક પાઇલટની કેબિનમાં ધુમાડો દેખાતા તાત્કાલિક લખનઉ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડી હતી.
36 હજાર ફૂટની ઊંચાઈએ સર્જાયો ભયનો માહોલ :
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ફ્લાઇટ નંબર IX-1523 જ્યારે આંબેડકરનગરના આકાશ ઉપરથી પસાર થઈ રહી હતી, ત્યારે એવિઓનિક પેનલમાંથી ધુમાડો નીકળતો હોવાનું પાઇલટના ધ્યાન પર આવ્યું હતું. પરિસ્થિતિની ગંભીરતાને સમજીને પાઇલટે તરત જ એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ને મેડે કોલ કરીને કટોકટીની જાણ કરી હતી. આ સિગ્નલ મળતાની સાથે જ વિમાનમાં ઓક્સિજન માસ્ક આપમેળે ખુલી ગયા હતા, જેના કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે, ક્રૂ મેમ્બર્સની સતર્કતાને કારણે તમામ મુસાફરોને સુરક્ષિત રીતે માસ્ક પહેરાવવામાં આવ્યા હતા.
સુરક્ષિત લેન્ડિંગ અને મુસાફરોની સ્થિતિ :
લખનઉ એરપોર્ટ પર સાંજે 5:17 કલાકે વિમાનનું સફળતાપૂર્વક લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. આ વિમાનમાં 148 મુસાફરો અને ક્રૂ સભ્યો સવાર હતા, જે તમામ હાલ સુરક્ષિત છે. લેન્ડિંગ બાદ વિમાનને ટેકનિકલ તપાસ માટે ટર્મિનલ-3 પર ખસેડવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં ધુમાડાનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ નિષ્ણાંતોની ટીમ વાયરિંગ અને ઇલેક્ટ્રિકલ સિસ્ટમની ઊંડી તપાસ કરી રહી છે.
મુસાફરોની હાલાકી અને કંપની સામે રોષ :
વિમાનના ઇમરજન્સી ઉતરાણ બાદ ઘણા મુસાફરોએ એરલાઇન્સ કંપનીના વ્યવસ્થાપન સામે નારાજગી વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પર મુસાફરોએ જણાવ્યું હતું કે તેમને આગળની મુસાફરી માટે કલાકો સુધી રાહ જોવી પડી હતી અને વૈકલ્પિક ટિકિટો મેળવવામાં મુશ્કેલી પડી હતી. જોકે, એરલાઇન્સ દ્વારા કેટલાક મુસાફરોને હોટલમાં રોકાણ આપવામાં આવ્યું હતું અને અન્યને બીજી ફ્લાઇટ મારફતે દિલ્હી મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
શું હોય છે 'મેડે કોલ' ?
હવાઈ મુસાફરીમાં જ્યારે પાઇલટ 'મેડે' (MAYDAY) શબ્દનો ઉપયોગ કરે છે, ત્યારે તેનો અર્થ અત્યંત ગંભીર કટોકટી થાય છે. આ શબ્દ ફ્રેન્ચ ભાષાના 'm'aider' પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ મને મદદ કરો એવો થાય છે. આ કોલ મળતાની સાથે જ એરપોર્ટ પર ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ સહિતની તમામ ઇમરજન્સી સેવાઓ તૈનાત કરી દેવામાં આવે છે જેથી સંભવિત દુર્ઘટનાને ટાળી શકાય.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

કર્ણાટકમાં અનામતના મુદ્દે મોટો ઝટકો! SC માટે 17% અને ST માટે 7% અનામત વધારતો કાયદો હાઈકોર્ટે કેમ રદ કર્યો?