રાજસ્થાનના દૌસા નજીક બસ-ટ્રક અકસ્માતમાં 8નાં મોત
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર બસ-ટ્રક અથડાયા બાદ ભીષણ આગ લાગી, 21 ઘાયલ, તપાસ શરૂ

ઈન્ટરનેટ

ઈન્ટરનેટ
Fatal accident near Dausa, Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર રાજસ્થાનના દૌસા જિલ્લામાં મોડી રાત્રે સર્જાયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં મુસાફર બસ અને ટ્રક વચ્ચે ટક્કર થતાં બંને વાહનોમાં આગ ભભૂકી ઊઠી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 8 લોકોના કરુણ મોત થયા છે. જ્યારે 21 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. મૃતકોમાં આગમાં દાઝી જનાર અને ગંભીર ઈજાના ભોગ બનેલા બંનેનો સમાવેશ થાય છે.
અકસ્માત કેવી રીતે સર્જાયો?
પોલીસના જણાવ્યા અનુસાર, ઋષિકેશથી ઈન્દોર જતી સ્લીપર બસ મંગળવારે મધરાત બાદ દૌસા જિલ્લાના કોલવા પોલીસ સ્ટેશન વિસ્તાર નજીક આગળ ચાલી રહેલા ટ્રક સાથે જોરદાર અથડાઈ હતી. અથડામણ એટલી ભયાનક હતી કે બંને વાહનોમાં તાત્કાલિક આગ લાગી ગઈ અને બસમાં બેઠેલા અનેક મુસાફરો અંદર જ ફસાઈ ગયા.
ડ્રાઇવરને ઝોકું આવ્યાની ચર્ચા
પ્રાથમિક તપાસમાં પોલીસને શંકા છે કે, બસના ડ્રાઇવરને ઝોકું આવી જતાં અકસ્માત સર્જાયો હોઈ શકે છે. ઘટનાસ્થળે લાગેલા સીસીટીવી અને એક્સપ્રેસવેના કેમેરાના ફૂટેજની તપાસ ચાલી રહી છે. બસ વધુ ઝડપે દોડી રહી હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આગમાં જીવતા દાઝી ગયા મુસાફરો
અકસ્માત બાદ બસમાં લાગેલી આગ ખૂબ ઝડપથી ફેલાઈ ગઈ હતી. મુસાફરોને બહાર નીકળવાનો પૂરતો સમય મળ્યો નહીં અને ઘણા લોકો બસમાં જ ફસાઈ ગયા હતા. પ્રાથમિક માહિતી મુજબ, આગમાં દાઝી જવાથી 6 લોકોના મોત થયાં. જ્યારે 2 લોકોનું ગંભીર ઈજા થવાના કારણે મૃત્યુ થયું.
21 ઘાયલ, અનેકની હાલત ગંભીર
આ અકસ્માતમાં 21 લોકોને ઈજા પહોંચી છે. જેમાંથી અનેકની હાલત ગંભીર હોવાનું હોસ્પિટલ સૂત્રોએ જણાવ્યું છે. તમામ ઘાયલોને દૌસા જિલ્લા હોસ્પિટલ અને અન્ય હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. કેટલાક દર્દીઓને વિશેષ સારવાર માટે અન્ય કેન્દ્રોમાં રિફર કરવામાં આવ્યા છે.
ચાર મુસાફરો હજુ પણ લાપતા
અધિકારીઓના જણાવ્યા મુજબ ચાર મુસાફરો હજુ સુધી મળી આવ્યા નથી. તેમની શોધખોળ ચાલુ છે. મૃતકો અને ઘાયલોની ઓળખ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી રહી છે.
બચાવ કામગીરીમાં વિલંબના આક્ષેપ
સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યો છે કે, અકસ્માત બાદ લાંબા સમય સુધી એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી નહોતી. જેના કારણે બસમાં ફસાયેલા મુસાફરોને સમયસર બહાર કાઢી શકાયા નહોતા. સ્થાનિક લોકોના કહેવા મુજબ તાત્કાલિક રાહત પહોંચી હોત તો વધુ લોકોના જીવ બચી શક્યા હોત.
બસમાં સિગારેટના બોક્સ હોવાનો દાવો
ઘટનાસ્થળે પહોંચેલા કેટલાક સ્થાનિકોએ દાવો કર્યો છે કે, બસના સ્ટોરેજ વિભાગમાં સિગારેટના બોક્સ રાખવામાં આવ્યા હતાં. જેના કારણે આગ વધુ ઝડપથી ફેલાઈ હતી. પોલીસે આ દાવાની હજુ સત્તાવાર પુષ્ટિ કરી નથી અને સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.
કલેક્ટરે તપાસ ટીમ બનાવી
દૌસા જિલ્લાના કલેક્ટર સૌમ્યા ઝાએ અકસ્માતની તપાસ માટે 8 સભ્યોની ટીમ બનાવી છે. ટીમને વહેલી તકે તપાસ કરીને રિપોર્ટ સોંપવા આદેશ કર્યો છે.

બસમાંથી બહાર નીકળવા માટે સંઘર્ષ
બચી ગયેલા મુસાફરોએ જણાવ્યું કે આગ લાગ્યા બાદ ધુમાડો એટલો વધુ હતો કે શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી હતી. કેટલાક મુસાફરોને સ્થાનિક લોકોએ બહાર કાઢ્યા હતાં. જ્યારે ઘણા લોકો બસમાં જ ફસાઈ ગયા હતા. કેટલાક મુસાફરોનું કહેવું છે કે ઇમરજન્સી એક્ઝિટ પણ સમયસર ખુલ્યો નહોતો.
ટ્રકના ડ્રાઇવર અને ક્લીનર પણ ઘાયલ
અકસ્માતમાં ટ્રકના ડ્રાઇવર અને ક્લીનર પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. બંનેને હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. આગ બાદ બસ અને ટ્રક બંને સંપૂર્ણપણે ભસ્મીભૂત થઈ ગયા હતા.
તપાસનો ધમધમાટ
પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા અકસ્માતના ચોક્કસ કારણો જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે. બસની ઝડપ, ડ્રાઇવરની સ્થિતિ, આગ લાગવાના કારણો અને બચાવ કામગીરીમાં થયેલા વિલંબ સહિતના તમામ મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે.
13 લોકોની હાલત ગંભીર
1. યાચિકા (7) પુત્રી દીપક તંવર, રહેવાસી ઓંકારેશ્વર પાસે, ઈન્દોર (મધ્ય પ્રદેશ)
2. નેહા (26) રહેવાસી ઓંકારેશ્વર પાસે, ઈન્દોર (મધ્ય પ્રદેશ)
3. દિશા (19) પુત્રી સંજય, રહેવાસી નંદાનગર, ઈન્દોર (મધ્ય પ્રદેશ)
4. સુવાનંદ (25) પુત્ર રાજેશ, રહેવાસી સુદામાનગર, ઈન્દોર (મધ્ય પ્રદેશ)
5. પ્રદીપ (26) પુત્ર નરેન્દ્ર, રહેવાસી ઈન્દોર (મધ્ય પ્રદેશ)
6. મહક (22) પુત્રી મહેશ, રહેવાસી ઈન્દોર (મધ્ય પ્રદેશ)
7. યોગાની (21) પુત્રી શૈલેન્દ્ર, રહેવાસી ઈન્દોર (મધ્ય પ્રદેશ)
8. જિતેન્દ્ર પાંડે (45) રહેવાસી દશેરા મેદાન, પટેલ કોલોની
9. અભિનવ પાંડે (13) પુત્ર જિતેન્દ્ર, રહેવાસી દશેરા મેદાન, પટેલ કોલોની
10. વિશુલાલ (65) પુત્ર બળવંત સિંહ, રહેવાસી ભિલસેડી, (મધ્ય પ્રદેશ)
11. શિખા (31) રહેવાસી નીમ કા થાના, સીકર
12. ચંદ્રપ્રકાશ (66) પુત્ર હીરાલાલ, રહેવાસી ડબરા (મધ્ય પ્રદેશ)
13. દિવ્યા (25) પુત્રી દીપક, રહેવાસી બડવાહ (મધ્ય પ્રદેશ)
ચાર લોકો હજુ પણ ગુમ
1. નિર્મલા પત્ની ચંદ્રપ્રકાશ, રહેવાસી ઈન્દોર
2. પ્રિયંકા (33) પત્ની જિતેન્દ્ર પાંડે, રહેવાસી બડવાહ (મધ્ય પ્રદેશ)
3. ભૂમિ (20) ભોર પુત્રી ભારત ભોર, રહેવાસી બજરંગ નગર, ઈન્દોર (મધ્ય પ્રદેશ)
4. દીપુ (60) પુત્ર નરવત સિંહ, રહેવાસી રામપુરા કલા, સિહોર (મધ્ય પ્રદેશ)
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

કર્ણાટકમાં અનામતના મુદ્દે મોટો ઝટકો! SC માટે 17% અને ST માટે 7% અનામત વધારતો કાયદો હાઈકોર્ટે કેમ રદ કર્યો?