જાતિ આધારિત વસ્તી ગણતરી લઈને ગેહલોતે ખોલી ભાજપ સરકારની પોલ.
જાતિ આધારિત વસ્તી ગણતરીને લઈને રાજસ્થાન નાપુર્વ મુખ્યમંત્રીએ મોદી સરકાર પર આકરા સવાલો ઉઠાવ્યા. કોંગ્રેસે સરકાર પાસે જવાબ માંગ્યો.

રાજસ્થાનના પુર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતની પત્રકાર પરિષદ

રાજસ્થાનના પુર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતની પત્રકાર પરિષદ
Ahmedabad: જાતિ આધારિત વસ્તી ગણતરીને લઈને ગુજરાત કોંગ્રેસે કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતે આક્ષેપ કર્યો છે કે મોદી સરકાર જાતિ આધારિત વસ્તી ગણતરી અંગે પોતાની નીતિ અને નિયત સ્પષ્ટ કરતી નથી. ગેહલોતે કહ્યું કે દેશમાં યોગ્ય અને વિશ્વસનીય જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવી જ પડશે.
કોંગ્રેસનું કહેવું છે કે વસ્તીના અલગ-અલગ સામાજિક વર્ગોની ચોક્કસ સંખ્યા સામે આવ્યા બાદ જ શિક્ષણ, સરકારી નોકરી, શિષ્યવૃત્તિ, કૌશલ્ય વિકાસ અને કલ્યાણકારી યોજનાઓમાં પછાત વર્ગોની યોગ્ય ભાગીદારી નક્કી કરી શકાય.
કોંગ્રેસ લાંબા સમયથી જાતિ ગણતરીની માંગ કરી રહી છે
અશોક ગેહલોતે જણાવ્યું કે કોંગ્રેસ વર્ષ 2021થી જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ કરી રહી છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ વર્ષ 2023થી સતત આ મુદ્દો ઉઠાવી રહ્યા છે.
ગેહલોતના જણાવ્યા મુજબ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ 20 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંયુક્ત પત્ર લખ્યો હતો. આ ઉપરાંત ખડગેએ અગાઉ 16 એપ્રિલ 2023 અને 5 મે 2025ના રોજ પણ સરકારને પત્ર લખીને જાતિ આધારિત વસ્તી ગણતરી અંગે સૂચનો આપ્યા હતા.
કોંગ્રેસનો દાવો છે કે આ પત્રો બાદ પણ સરકાર તરફથી હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી.
વસ્તી ગણતરીના ફોર્મેટ સામે કોંગ્રેસના સવાલઅશોક ગેહલોતે આગામી વસ્તી ગણતરીના પ્રશ્નાવલી ફોર્મેટને લઈને પણ સવાલો ઉઠાવ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે, આગામી વસ્તી ગણતરીમાં કુલ 40 પ્રશ્નો છે અને તેમાં પ્રશ્ન નંબર 10ની રચના અંગે કોંગ્રેસને વાંધો છે.
કોંગ્રેસનું કહેવું છે કે OBC અને EBC વર્ગની વાસ્તવિક વસ્તી જાણવા માટે વર્તમાન પ્રશ્નાવલીમાં જરૂરી સુધારા કરવાની જરૂર છે.
ગેહલોતે કહ્યું કે જાતિ આધારિત વસ્તી ગણતરીનો હેતુ માત્ર આંકડા એકત્ર કરવાનો નથી, પરંતુ દેશના વિવિધ સામાજિક વર્ગોની વાસ્તવિક વસ્તીનું ચોક્કસ ચિત્ર મેળવવાનો પણ છે.
‘ડ્રોપડાઉન લિસ્ટ કેમ નથી?’ કોંગ્રેસનો મોટો સવાલજાતિ ગણતરીના ફોર્મેટમાં ડ્રોપડાઉન લિસ્ટનો મુદ્દો કોંગ્રેસે ખાસ ઉઠાવ્યો છે.
ગેહલોતના જણાવ્યા પ્રમાણે, દેશમાં આશરે 4,200 જાતિઓ છે અને કેન્દ્ર તથા રાજ્ય સરકારો પાસે વિવિધ જાતિઓની યાદીઓ પહેલેથી ઉપલબ્ધ છે. તેમ છતાં જાતિ ગણતરી માટે પ્રમાણિત ડ્રોપડાઉન લિસ્ટનો ઉપયોગ કેમ કરવામાં આવતો નથી, તે અંગે તેમણે સવાલ કર્યો છે.
કોંગ્રેસના મતે ઓપન-એન્ડેડ ફોર્મેટમાં એક જ જાતિના અલગ-અલગ નામ, પેટાજાતિ, સ્થાનિક બોલી અથવા સ્પેલિંગના કારણે એક જ જાતિ અનેક રીતે નોંધાઈ શકે છે.
આવી સ્થિતિમાં એક જ જાતિના લોકો અલગ-અલગ નામથી નોંધાય તો જાતિ આધારિત વસ્તી ગણતરીના અંતિમ આંકડામાં તફાવત અથવા ભૂલ થવાની શક્યતા રહે છે, એવો કોંગ્રેસનો દાવો છે.
શિક્ષણ અને સરકારી યોજનાઓ માટે ચોક્કસ આંકડા જરૂરી: કોંગ્રેસ
કોંગ્રેસે કહ્યું કે વિશ્વસનીય જાતિ આધારિત વસ્તી આંકડા વિના પછાત વર્ગો માટેની નીતિઓ અને સરકારી યોજનાઓનું યોગ્ય આયોજન મુશ્કેલ બની શકે છે.
ખાસ કરીને શિક્ષણ, શિષ્યવૃત્તિ, સરકારી રોજગાર, કૌશલ્ય વિકાસ અને કલ્યાણકારી યોજનાઓમાં વિવિધ સામાજિક વર્ગોની ભાગીદારી નક્કી કરવા માટે ચોક્કસ આંકડા જરૂરી હોવાનું કોંગ્રેસે જણાવ્યું છે.
અશોક ગેહલોતે માંગ કરી છે કે નવી પ્રશ્નાવલી તૈયાર કરતા પહેલા રાજકીય પક્ષો, નિષ્ણાતો અને જનતા સાથે વ્યાપક ચર્ચા કરવામાં આવે.
હલ્દ્વાનીની ઘટનાનો પણ કોંગ્રેસે ઉલ્લેખ કર્યોઆ દરમિયાન અશોક ગેહલોતે હલ્દ્વાનીના રામલીલા મેદાન સાથે જોડાયેલી ઘટનાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.
તેમણે આક્ષેપ કર્યો કે મલ્લિકાર્જુન ખડગેની સભા બાદ સ્થળનું ગંગાજળથી ‘શુદ્ધિકરણ’ કરવામાં આવ્યું અને હવન કરાયો. ગેહલોતે આ ઘટનાને જાતિવાદી માનસિકતાનું ગંભીર પ્રદર્શન ગણાવ્યું.
તેમણે ઉત્તરાખંડ પોલીસ પાસે FIR નોંધવાની અને SC-ST એક્ટ સહિત લાગુ કાયદા હેઠળ નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે.
ગુજરાત કોંગ્રેસના નેતાઓ પત્રકાર પરિષદમાં હાજર
આ સમગ્ર મુદ્દે અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે વિશેષ પત્રકાર પરિષદ યોજાઈ હતી. તેમાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી સહિત કોંગ્રેસના અનેક અગ્રણી નેતાઓ અને પ્રવક્તાઓ હાજર રહ્યા હતા.
કોંગ્રેસે ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે દેશમાં યોગ્ય જાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ અને ગણતરીનું ફોર્મેટ એવું હોવું જોઈએ કે જેમાં વિવિધ જાતિઓ અને સામાજિક વર્ગોની વસ્તીના ચોક્કસ તથા વિશ્વસનીય આંકડા મળી શકે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણી બાદ વિજેતા ઉમેદવારો સૌથી પહેલા જેતપર કેમ પહોંચ્યા? એક મંડળીના સમર્થનથી ખરેખર બદલાયો આખો ખેલ?

112થી વધુ તાલુકાઓમાં સ્થિતિ ગંભીર હોવાનો કોંગ્રેસનો દાવો, ખેડૂતોના પાકને નુકસાન અને પાણી-ઘાસચારાની સમસ્યા વચ્ચે અમિત ચાવડાએ સરકારને ઘેરી.

માયાવતીએ કહ્યું કે માત્ર વાદળી કપડાં કે સ્ટેજ સજાવવાથી વિચારધારા બદલાતી નથી… પહેલા હૃદય અને મન શુદ્ધ કરો.