સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ સનાતન ધર્મને શા માટે કરે છે ટાર્ગેટ?
પોતાના સંપ્રદાયના દેવને ઉંચા અને અન્ય સંપ્રદાયના ભગવાનને નીચા દેખાડવાનું કૃત્ય

સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ સનાતન ધર્મને શા માટે કરે છે ટાર્ગેટ?

સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ સનાતન ધર્મને શા માટે કરે છે ટાર્ગેટ?
સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સ્વામીએ વિવાદિત નિવેદન કરી સનાતન ધર્મના લોકોનો રોષ વહોર્યો છે. વડતાલ સ્વામિનારાયણ મંદિરના સાધુ જ્ઞાનપ્રકાશ સ્વામીની ‘અજ્ઞાન’ વાણીથી વિવાદ શરૂ થયો છે. જલારામ બાપા અંગે જ્ઞાનપ્રકાશ સ્વામીએ કરેલી ટીપ્પણીથી રઘુવંશી સમાજ અને સનાતન ધર્મના લોકોએ નારાજગી વ્યક્ત કરી માફી માગવા કહ્યુ છે. બે દિવસ સુધી વીરપુર સજ્જડ બંધ રાખી જ્ઞાનપ્રકાશ સ્વામીને જલારામ બાપાની જગ્યામાં આવી 24 કલાકમાં માફી માગવા અલ્ટિમેટમ આપ્યુ છે.
સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા ઘણાં સમયથી સનાતન ધર્મને ટાર્ગેટ કરી વિવાદિત નિવેદન કરવામાં આવી રહ્યા છે. અન્ય સંપ્રદાયના ભગવાન અથવા દેવી દેવતા વિશે વિવાદિત નિવેદન કરીને નીચા દેખાડવાનું કૃત્ય થઈ રહ્યુ છે. ભૂતકાળમાં વિવાદિત નિવેદન કર્યા બાદ સ્વામીઓને માફી માગવી પડી હતી.
સનાતન ધર્મ અને અન્ય સંપ્રદાયના દેવી દેવતાને નીચા દેખાડવા અને પોતાનો સંપ્રદાય ઉંચો દેખાડવા વ્યસ્થિત રીતે ષડયંત્ર ચાલી રહ્યુ હોય તેમ વારંવાર નિવેદનો કરવામાં આવી રહ્યા છે. જેના કારણે હિન્દુ સમાજમાં ભાગલા પડી રહ્યા છે. અન્ય સંપ્રદાયો વિશે ખોટી ટીપ્પણીઓ કરાતા ક્યારેક વર્ગ વિગ્રહ જેવી સ્થિતિ પણ સર્જાતી હોય છે. વડતાલના જ્ઞાનપ્રકાશ સ્વામી જ નહી પણ ભૂતકાળમાં અનેક સ્વામીઓએ સત્સંગ સભાઓમાં હિન્દુ દેવી દેવતા અને સંતોના અપમાન કરતાં નિવેદનો કર્યા છે.
સ્વામિનારાયણ સંપ્રદાયના અનુપમ સ્વામીએ નવરાત્રીને લવરાત્રી ગણાવી હતી. નવરાત્રી દરમિયાન સનાતન ધર્મના લોકો માતાજીની ઉપાસના કરતાં હોય છે. પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયના બની બેઠેલા કથિત સાધુને નવરાત્રી લવરાત્રી લાગતી હતી. જે તે સમયે નિવેદન કર્યુ હતુ કે, નવરાત્રી એ ફેશન રાત્રી છે. નવ દિવસનો નાઈટ ફેશન શો છે. નવરાત્રી એટલે વાસનાના પૂજારીઓના દિવસો આવ્યા. અનુપમ સ્વામીએ છૂટાછેડાનું કારણ પણ નવરાત્રીને ગણાવી હતી
.
સ્વામિનારાયણના ધર્મના કહેવાતા સાધુઓ દ્વારા સનાતન ધર્મના ભગવાન અને તહેવારોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. સનાતન ધર્મના મૂળ સિદ્ધાંતોને તોડવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. જો કે, આ ઘટના પ્રથમ નથી. અગાઉ પણ સનાતન ધર્મના દેવાધિદેવ ભગવાન શિવ અને હનુમાનજી વિશે બફાટ કરી ચુક્યા છે.
સાળંગપુર મંદિર ખાતે કિંગ ઓફ સાળંગપુર તરીકે જાણીતી હનુમાનજીની પ્રતિમા પાસેના ભીંતચિત્રોમાં હનુમાનજી સ્વામિનારાયણ સંપ્રદાયના ભગવાનને પગે લાગતા દર્શાવાયા હતા. જેને લઈને વિવાદ થતાં ચિત્રો દૂર કરવામાં આવ્યા હતા.
સ્વામિનારાયણ સંપ્રદાયના આનંદ સાગર સ્વામીએ ભગવાન શિવજી અંગે વિવાદિત નિવેદન કરતાં કહ્યુ હતું કે, શિવજી એ સ્વામીના શિષ્યના ચરણ સ્પર્શ કર્યા હતા. રૂગનાથ સ્વામીએ કહ્યું હતું કે દેવો વચ્ચેની કુસ્તીમાં શંકર ભગવાનની હાર થઈ હતી. સ્વામિનારાયણ સંપ્રદાયના અક્ષરમુનિ સ્વામીએ નિવેદન આપ્યું હતું કે હનુમાનજી બ્રહ્મચારી છે. તેથી તેમને ભગવાન ના ગણી શકાય. અન્ય એક કૃષ્ણ સ્વરૂપ સ્વામીએ નિવેદન કર્યું હતું કે બ્રહ્મા અને ઈન્દ્ર લઘુશંકામાં તણાયા હતા. ઉપરાંત નિત્ય સ્વરૂપ સ્વામી નામના સ્વામિનારાયણ સંપ્રદાયના સંતે કહ્યું હતું કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના લીડર સ્વામિનારાયણ ભગવાન છે. ત્યારબાદ વલ્લભ સ્વામી નામના સાધુએ શ્રીકૃષ્ણ ભગવાન નથી પણ ગોવાળિયા હતા. આ ઉપરાંત અન્ય એક સાધુએ શિવ અને પાર્વતી સ્વામિનારાયણ ભગવાનની સેવા કરતા હતા તેવા નિવેદને ભારે ઉહાપોહ મચાવ્યો હતો.
રાજકોટમાં વ્યાસપીઠ પર બેસીને સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મસ્વરૂપ સ્વામીએ ખોડિયાર માતા વિશે ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, સ્વામિનારાયણમાં આવ્યા પછી કુળદેવી ના હોય, સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવો એટલે ખોડિયાર માતા પણ ખુશ થાય. ખોડિયાર માતા પર સ્વામીએ પાણી નિચોવ્યું હતું. તેમણે એવું પણ કહ્યું કે, જોબનપગીના કુળદેવી ખોડિયાર માતા છે પણ આપણા ભગત થયા એટલે તેમને કુળદેવી તરીકે મહાલક્ષ્મી કહેવા પડે. ઘણા લોકો કુળદેવીને પકડીને રાખે છે મૂકતા જ નથી. બ્રહ્મ સ્વામીએ કહ્યું કે, મહારાજ રંગોત્સવ કરીને જ્યારે જોબનપગીના ખેતરમાં ન્હાવા ગયા ત્યારે મહારાજે પુછ્યું, કે આ કોણ છે? ત્યારે તેમણે કહ્યું કે આ અમારા કુળદેવી છે. મહારાજે પોતાના ભીના કપડા નીચોવી માતાજી પર છાંટ્યા અને કહ્યું કે, તમારા કુળદેવીને અમે સત્સંગી કર્યા.
ગાદીના ગજગ્રાહ, ભક્તોને મારવા, જમીનોના પ્રકરણો અને મહિલાઓ સાથે જાહેર તથા ખાનગીમાં વર્તનોને લઈને સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ વિવાદમાં સપડાઈ ચૂક્યા છે. અહીં માત્ર કેટલાક વિવાદોની વાત કરી છે. પરંતુ યાદી કાઢીએ તો લાંબુ લચક લિસ્ટ બની શકે તેમ છે.
જલારામ બાપાની ટિપ્પણીનો શું છે વિવાદ?
વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામીએ કહ્યુ હતુ કે, ગુણાતીતાનંદ સ્વામીએ વીરપુર વિસામો લીધો હતોતે સમયે સંત જલારામ બાપાએ ગુણાતીતાનંદ સ્વામી સહિતના સંતોને જમાડ્યા હતા. દાળબાટી જમાડ્યા બાદ ગુણાતીતાનંદ સ્વામીએ તમારી જગ્યાની સ્થિતિ અને કીર્તિ દિન પ્રતિદિન વધતી જશે તેવા આશીર્વાદ આપ્યા હતા. વિવાદ વધતાં જ્ઞાનપ્રકાશ સ્વામીએ માફી માગીને સોશિયલ મીડિયામાંથી વિવાદસ્પદ વીડિયો ડિલીટ કરી દીધો છે.
ઉલ્લેખનીય છે કે, 205 વર્ષ પહેલાં મહા સુદ બીજના દિવસે જલારામ બાપાએ ભોજલરામ બાપાના આશીર્વાદથી અન્નક્ષેત્ર શરૂ કર્યુ હતું. જલારામ બાપાએ 20 વર્ષની ઉંમરે સદાવ્રત-અન્નક્ષેત્ર શરૂ કર્યું હતું. અમરેલીના ફતેપુર ગામના પૂજ્ય ભોજલરામ બાપાની પ્રેરણાથી વિક્રમ સંવત 1876ની મહાસુદ બીજના દિવસથી વીરપુરમાં જલારામ બાપાના આંગણે ભૂખ્યાને ભોજન મળી રહ્યું છે. જે સદાવ્રત આજદિન સુધી ચાલી રહ્યુ છે. સદાવ્રત ચલાવવા માટે જલારામ બાપાના મંદિરમાં કોઈપણ પ્રકારનું દાન પણ લેવામાં આવતું નથી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઇરાક-લિબિયા બાદ વેનેઝુએલા: નાના દેશોની સમૃધ્ધિ પર અમેરિકાની બદનજર

સમાધાન, પોલીસની ભૂમિકા અને સરકારની ચૂપ પર પ્રશ્નો ઊભા કરતો કેસ

બાંગ્લાદેશના સંકટે ભારતની પ્રાદેશિક રણનીતિ અને સુરક્ષા સમજણને ઝંઝોડ્યું