ટોળુ..લોકોની ભીડ..તેને કોઇ દિશા કે બુદ્ધિ નથી હોતી..આમ તો દેશમાં ટોળાએ કરેલા અત્યાચારના અનેક કિસ્સા રોજે રોજ બહાર આવતા રહે છે અને તેમાં તે જણાઇ આવે છે કે ટોળામાં બુદ્ધિ હોતી નથી. દાહોદના સંજેલીમાં બનેલી એક ઘટનાએ સમાજને ફરી શરમમાં મુકી દીધો છે. પાંચ પચીસ લોકોની બુદ્ધીથી જ્યારે બાકીના લોકો ચાલે ત્યારે તેમને કોઇ ભાન હોતુ નથી તે ફરી એકવાર પુરવાર થયું છે. હવે પોલીસ દાહોદની ઘટનાના આરોપીઓને પકડશે અને કોઇ ચમરબંધીને છોડવામાં નહીં આવે તેવી વાતો કરશે પણ મહિલાની આબરુના તો ધજાગરા થઇ જ ગયા છે અને તે ક્યારેય પાછી નહીં આવે તે ના ભુલવું જોઇએ...
ટોળુ એ શહેરનું હોય કે ગ્રામ્ય વિસ્તારનું..તેનામાં ક્યારેય સુઝબુઝ હોતી નથી. એક વ્યક્તની બુદ્ધીના આધારે કે એક વિચારના આધારે તે જ્યારે આગળ વધે ત્યારે તેને ભાન હોતું નથી. ટોળાની વર્તૂણૂંકનો અભ્યાસ કરી શકાતો નથી. તે ગમે ત્યારે ગમે તે કરી શકે છે. ટોળુ એક એવું જૂથ છે જે કોઇ એક દિશા વિના સામુહિક કાર્ય કરે છે. પક્ષીઓનું કે પ્રાણીઓનું ટોળું તમે જોયું હશે જેમાં એક ચાલે તેની પાછળ બાકીના ચાલે છે અને મનુષ્ય પણ એક પ્રાણી જ છે અને મનુષ્યમાં પણ એક વ્યક્તિની બુદ્ધીના આધારે બાકીના લોકો તેની પાછળ પાછળ ચાલવા માડે છે...માનો કે તે આ વ્યકતિની બુદ્ધિ કે તેના વિચારને સરન્ડર થઇ જાય છે. પછી તેને સારા નરસાનું ભાન રહેતું નથી
આધુનિક મનોવૈજ્ઞાનિક સંશોધનોએ માનવીઓમાં ટોળાની વર્તણૂંકની ઓળખ કરી છે.જેમાં જણાવાયું છે કે એક જ સમયે મોટી સંખ્યામાં લોકો સમાન રીતે કાર્ય કરે છે. દાહોદમાં જે ઘટના બની કે મહાકુંભમાં થયેલી ભાગદોડ તેના તાજા ઉદાહરણો છે. દેશ વિદેશમાં થયેલા રમખાણો પણ તેના ઉદાહરણો છે.
દાહોદની ઘટનાએ તો ફરી એક વાર સમાજને વિચારતો કરી દીધો છે. અહીં તો મહિલાના સન્માનની વાત છે. તેની ગરિમાની વાત છે. તેની આબરુની વાત છે. જેના માટે દેશમાં ઘણા કાયદા ઘડાયા છે. મહિલાઓને સમાન અધિકારો મળે, મહિલા સશક્તિકરણ અને મહિલાઓનું રક્ષણ કરવું તે સરકારની પહેલી ફરજ છે પણ સતત એવું જોવામાં આવ્યું છે કે આટ આટલા કાયદા હોવા છતાં મહિલાઓ પર અત્યાચાર ઘટી નથી રહ્યા પણ રોજ નવા અત્યાચાર સામે આવી રહ્યા છે. દુષ્કર્મ, દહેજ, પ્રેમ સંબંધ અને તેમા વળી એક તરફી પ્રેમ સંબંધના બનાવોએ તો મહિલાઓને ખતરાની ઘંટડી વગાડી છે. લિવ ઇન રિલેશનશીપમાં રહેતી મહિલાઓનો વિશ્વાસ જીતી તેનો ઉપયોગ કરીને તેની હત્યા કરી દેવાય છે અને તેના શરીરના ટુકડાઓને ફ્રીજમાં મુકી દેવાય છે.
એવું નથી કે ગ્રામ્ય વિસ્તારમાં જ મહિલાઓ પર અત્યાચાર થાય છે. શહેરોમાં પણ આવી જ સ્થિતી છે. ટોળું શહેરનું હોય કે ગામડાનું પણ તે દિશાવિહીન અને બુદ્ધિ વગરનું હોય છે અને ટોળુ શહેરની મહિલાઓ સાથે પણ આવું નિર્લજ્જ વર્તન કરી શકે છે જેને હવે મીડિયા તાલિબાની વર્તન તરીકે ઓળખે છે. આ પ્રકારના બનાવો રોકવા સમાજ અને સરકારની ફરજ છે નહીંતર આ જ્ઞાનની સદીનો કોઇ મતલબ રહેતો નથી
દાહોદના કેસમાં ૧૨ આરોપીઓ પકડાઇ ગયાં છે, તેમાં ચાર પુરૂષ, ચાર મહિલા, અને ચાર બાળકો છે. પુરુષો પોલીસ રીમાન્ડ પર છે, મહિલા જ્યુડિશિયલ કસ્ટડીમાં અને બાળકોને જુવેનાઇલ જસ્ટીસ બોર્ડ સમક્ષ રજૂ કરી દેવાયા હતાં. ત્રણ આરોપી ફરાર છે, તેમાં એક મહિલા, એક પુરુષ અને બાળકનો સમાવેશ થાય છે